Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

અન્ય શહેરની સરખામણીએ રાજકોટ કેટલીયે બાબતમાં અગ્રેસર : ઉદિત અગ્રવાલ

મહાનગર પાલિકામાં પ્રજાસત્તાક પર્વ પર રાષ્ટ્રધ્વજ લહેરાવતા મ્યુ. કમિશનર

રાજકોટ તા. ૨૭ : ૭૨માં પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે ગઇકાલે તા.૨૬ના રોજ સવારે ૯.૦૦ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલ ગૌરવપૂર્ણ સમારોહમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો અને રાષ્ટ્ર ગીતના ગાન સાથે ત્રિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે સુરક્ષા વિભાગ અને ફાયર અને ઈમરજન્સી વિભાગના જવાનોએ પરેડ યોજી હતી.

આ અવસરે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં રાજકોટના નાગરિકોને દેશના ૭૨માં પ્રજાસતાક પર્વની શુભેચ્છા પાઠવતા એમ કહ્યું હતું કે, દેશની સ્વતંત્રતાના ઐતિહાસિક જંગમાં સર્વોચ્ચ બલિદાન આપી ચિરંજીવી બની ચુકેલા તમામ શહીદો અને આઝાદ ભારતની પ્રગતિના પાયારૂપ પાવન ગ્રંથ સમા 'બંધારણ 'ના ઘડવૈયાઓને શત શત નમન કરૃં છું.

મ્યુનિ. કમિશનરશ્રીએ એમ પણ કહ્યું કે, આ તકે હું એ યાદ કરાવવા ઈચ્છું છું કે, છેલ્લા દસ મહિનાથી આપણા દેશમાં કોરોના મહામારીએ લોકજીવન પર અનેક પ્રકારની વિપરીત અસર પહોંચાડી છે. રાજકોટ શહેરમાં પણ વહીવટી તંત્ર સૌ નાગરિકોના સાથસહકાર સાથે કોરોના મહામારી સામે લડી શકયું છે. કોરોના સામેના જંગમાં પોતાના પરિવારને ભૂલીને નાગરિકોની રક્ષા માટે સેવા આપનાર તમામ આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને આ મહાલડતમાં કદમ સાથે કદમ મિલાવીને કાર્ય કરનારા તમામ કર્મચારીઓ, સંકટ સમયે નાગરિકોની સેવામાં તત્પરતા બતાવનાર વિવિધ સેવાકીય સંસ્થાઓ અને તેના આગેવાનો સહિતના સૌ કોઈ વ્યકિત અભિનંદનને પાત્ર છે.

કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસમાં દરેક નગરજનને સામેલ કરવા સતત પ્રયાસો કર્યા છે. અન્ય શહેરોની સરખામણીએ આપણું રાજકોટ કેટલીયે બાબતમાં અગ્રેસર બની શકયું છે. આપણું રાજકોટ શહેર સતત વિકાસનો પંથ જાળવી રાખે અને પ્રત્યેક વ્યકિતને 'આ મારૂ રાજકોટ' છે, તેવી ભાવનાત્મક પ્રતીતિ થાય તેવું રાજકોટ મહાનગરપાલિકા ઈચ્છે છે.

આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ મેયર બિનાબેન આચાર્ય, કમલેશભાઈ મીરાણી, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, પુષ્કરભાઇ પટેલ, વર્ષાબેન રાણપરા, અંજનાબેન મોરઝરીયા, દુર્ગાબા જાડેજા, રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવિયા, કાશ્મીરાબેન નથવાણી તેમજ નાયબ કમિશનરશ્રીઓ બી.જી.પ્રજાપતિ, એ.આર.સિંહ અને ચેતન નંદાણી, તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સી.ઈ.એ. ચેતન ગણાત્રા, સેક્રેટરી એચ.પી રૂપારેલિયા, સિટી એન્જી.શ્રીઓ એમ.આર. કામલિયા, અલ્પના મિત્રા, એચ. યુ. દોઢિયા, કે.એસ.ગોહેલ, વાય.કે.ગૌસ્વામી, હેમેન્દ્ર કોટક, સહાયક કમિશનરશ્રીઓ એચ. કે. કગથરા, એચ.આર.પટેલ, વી.એસ.પ્રજાપતિ, સમીર ધડુક, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી, ડાયરેકટર-ગાર્ડન એન્ડ પાકર્સ ડો. કે.ડી.હાપલીયા, પર્યાવરણ ઈજનેર, એન.આર.પરમાર, ડાયરેકટર-આઈ.ટી. સંજય ગોહેલ, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, આરોગ્ય અધિકારી ડો. લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા, ડીવાય.એસ.પી. આર.બી.ઝાલા, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા, લાઈબ્રેરિયન નરેન્દ્ર આરદેશણા, નાયબ પર્યાવર ઈજનેર પ્રજેશ સોલંકી અને વલ્લભભાઈ જીંજાળા, આસીસ્ટન્ટ મેનેજરો ભરત કાથરોટીયા, વિપુલ ઘોણીયા, ભૂમિ પરમાર, એન.કે.રામાનુજ, હરેશ લખતરીયા, અમિત ચોલેરા, એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઓફિસરકેપ્ટન પરબત બારૈયા, વોર્ડ ઓફિસર કેતન સંચાણીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર હીરાબેન રાજશેખા, તથા આઈ.સી.ડી.એસ. સ્ટાફ, પી.આર.ઓ. ભૂપેશ ટી. રાઠોડ, વગરે ઉપસ્થિત રહયા હતાં.

(10:26 am IST)