Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

વ્યકિતગત સ્વાર્થને ત્યજીને દેશભકિતને જ શ્રેષ્ઠ માનીએ : ભૂપેન્દ્રસિંહજી

રાજકોટ ખાતે ૭૨માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી : ધ્વજવંદન, રાષ્ટ્ર ગાન બાદ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

રાજકોટ તા. ૨૭ : દેશના ૭૨માં  પ્રજાસતાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટના ચૌધરી હાઇસ્કુલ ખાતે શાનદાર રીતે થઇ હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા દ્વારા ધ્વજવંદન -રાષ્ટ્રગાન કરાયા બાદ પરેડનું નિરિક્ષણ કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ  કર્યુ હતું.

આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહયુ હતું કે દેશને મહામુલી આઝાદી આપનાર ગાંધીજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, શ્યામજીકૃષ્ણવર્મા, ભગતસિંહ સહિતના અગણિત ક્રાંતિવિરો, શહિદો અને સત્યાગ્રહીઓના ત્યાગ અને સમર્પણને કારણે આપણને ગુલામીમાંથી મુકત બની શકયા છીએ. વિવિધ સત્યાગ્રહોના કારણે લોકોમાં આઝાદી માટેની જનજાગૃતિ આવી હતી.

મંત્રીશ્રી ચુડાસમાએ કહયું હતું કે  આપણને આઝાદ-સ્વાતંત્ર્ય ભારતમાં જીવવાનો મોકો મળ્યો છે ત્યારે આપણી વ્યકિતગત અને જાહેર જીવનની ફરજ આપણે પ્રમાણિકતાથી બજાવવી જોઇએ. વ્યકિતગત સ્વાર્થને ત્યજીને દેશભકિતને જ શ્રેષ્ઠ માનવી જોઇએ. આપણા નિર્ણયોમાં વિશ્વસનીયતા  અને નિષ્ઠા લાવવા હિમાયત કરતા કહયું કે  આપણે સૌ સાથે મળી અસ્પૃશ્યતા – અસમાનતા – કુપોષણ – જાતિય અસમાનતાને દૂર કરીએ. વિજળી – પાણી – પર્યાવરણને બચાવવામાં સહભાગી બનવાનો મંત્રીશ્રીએ લોકોને અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આઝાદીબાદ બાબા આંબેડકર સહિતના તજજ્ઞો દ્વારા દેશમાં બંધારણ બનાવાયુ. તેનો અમલ શરૂ થયો. આપણા હકકો, અધિકારો, એકતા, શાંતિ, સુરક્ષા સહિતની અનેક બાબતોનું બંધારણમાંથી આજે પણ આપણને માર્ગદર્શન મળે છે, રાહ ચિંધે છે. આપણા સૈનિકો માઇનસ ડિગ્રી તાપમાને પણ દેશની સુરક્ષા કરે છે.

ત્યારે આપણે શાંતિ-સલામતીથી જીવી શકીએ છીએ. દેશની મહામૂલી આઝાદીનું આપણે સૌએ રક્ષણ - જતન કરવુ જોઇએ.

દેશની સ્વતંત્રતાની ચળવળમાં સૌરાષ્ટ્રમાં થયેલા સત્યાગ્રહો અને લડતોની વિગતોનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યુ કે, સરધારનો સત્યાગ્રહ, વઢવાણ પ્રજાપરીષદની લડત, ખાખરેચીની લડત, ધોલેરાનો મીઠા સત્યાગ્રહ, ભાવનગરની વિદેશી કાપડ પ્રતિબંધની લડત, મોરબી  સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ, ધ્રોળનો ઝંડા સત્યાગ્રહ, લીંબડીની લડત, ધ્રાંગધ્રાની લડત, જામનગર રાજય પ્રજામંડળની લડત, આરઝી હકુમત,વ્યકતિગત સત્યાગ્રાહમાં સૌરાષ્ટ્રની પ્રજાએ નોંધનીય ભાગ લીધો હતો.

આપણા ગુજરાતે ધરતીકંપ, પૂર, અછત સુનામી જેવી અનેક આપદાઓ જોઇ છે. આ આફતોમાંથી રાજય પુનઃ બેઠુ થયુ છે. ત્યારે વૈશ્વિક મહામારી કોરોનાને કાબુમાં રાખવામાં પણ આપણુ ગુજરાત આગળ રહયુ છે. આ કપરા કાળમાં સરકારી તંત્રના ડોકટર્સ, પેરા મેડિકલ સ્ટાફ, પોલીસ, સફાઇ કર્મીઓ, સેવાભાવી સંસ્થાઓ, દાતાઓએ જે સેવા-સમર્પણના ભાવે કામ કર્યુ છે તે અભિનંદન અને વંદનને  પાત્ર છે. ભારતે કોરોનાની રસી શોધીને વિશ્વને અચંબામાં મૂકી દીધુ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આપણા દેશનો રસી બનાવવા માટે આભાર માન્યો છે.

સ્વાતંત્ર્ય સેનાની એમ.જે. વિઠ્ઠલાણી અને સ્વાતંત્ર્ય સેનાની ધીરજલાલ રાવલના પત્ની શ્રીમતી જસુમતિબેન રાવલનું  સુતરની આંટી અને શાલ ઓઢાડી મંત્રીએ સન્માન કર્યુ હતું.

મંત્રી ભૂપેન્દ્રસિંહના હસ્તે વર્ષ-૨૦૨૦માં કોરોનાની વૈશ્વીક મહામારીમાં ઉત્કૃષ્ટ કામગીરી અને ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓ, ડોકટરો પેરામેડીકલ સ્ટાફ, પોલીસ, મહેસુલી કર્મચારીઓ વગેરે એકસો જેટલાં કર્મયોગીઓને પ્રસસ્તીપત્ર આપી બહુમાન કરાયું હતું

આજના પ્રજાસત્તાક પર્વની પરેડમાં પ્રથમ શ્રેષ્ઠ પ્લાટુન તરીકે પી.એસ આઇ રાજપુરોહિત, દ્રીતીય સ્થાને ટ્રાફીક પી.એસ.આઇ, તથા તૃતીય સ્થાને મહિલા પ્લાટુનના પી.એસ.આઇ ડી.એ ધાંધલીયાને મંત્રીશ્રીના હસ્તે ટ્રોફી એનાયત કરી સન્માનીત કરાયા હતા

જયારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિર્ણાયકો દ્વારા જાહેર કરાયેલ ધોળકીયા સ્કુલની કૃતિ પ્રથમ સ્થાન, બી.જે મોદી દ્વીતીય સ્થાને તેમજ બારદાનવાલા સ્કુલને તૃતિય સ્થાને ઘોષિત કરવામાં આવતા શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં શિક્ષણ મંત્રીશ્રી ચુડાસમાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પરેડ કમાન્ડર એમ.એ.કોટડિયા તથા પીએસઆઇ એન.કે.રાજપૂરોહિત, વી. એમ. ડોડિયા, એસ.આર.વળવી, ડી.એ. ઘાંઘલિયા, બી.એ.કુરેશીએ છ પ્લાટુનના પ્લાટુન કમાન્ડર તરીકે માર્ચ પાસ્ટ કરાવી હતી. આ માર્ચ પાસ્ટમાં પોલીસ, લોકરક્ષક દળ, મહિલા પોલીસ, હોમગાર્ડ અને એનસીસીના જવાનો જોડાયા હતા. આ પ્રસંગે વિવિધ શાળાઓના બાળકોએ કોરોના વિશે નાટક, દેશભકિતના ગીતો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

આ તકે, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયા, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ,ડી.આઇ.જી  સંદિપસિંઘ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણ મીના, અને મનોહરસિંહ જાડેજા પ્રાદેશિક નગરપાલિકાના કમિશ્નર સ્તૃતિ ચારણ, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા, પૂર્વ સાંસદ રામજીભાઇ માવાણી, રમાબેન માવાણી, અગ્રણી યશવંતભાઇ જનાણી, જીતુભાઇ ધોળકિયા સહિતના લોકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

(2:55 pm IST)