Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કુવાડવામાં ધોકાને દિવસે તરછોડી દેવાયેલા પુત્રની માતાને શોધી કાઢતી કુવાડવા પોલીસ

મુળ રાજકોટ પીપળીયાની હાલ અમદાવાદ તરફ રહેતી યુવતિએ પ્રેમલગ્ન ભંગ થયા પછી પુત્રને તરછોડી દીધાનું ખુલ્યું

રાજકોટ તા. ૨૫: દિવાળીના તહેવારમાં ધોકાને દિવસે કુવાડવા ગામમાં આવેલા મંદિર પાસે એક આશરે ૪ થી ૫ મહિનાની વય ધરાવતા બાળક (પુત્ર)ને કોઇ કચરાના ઢગલામાં તરછોડી જતાં અરરટી વ્યાપી ગઇ હતી. કુવાડવા પોલીસે આ અંગે કુવાડવાના જાગૃત નાગરિકની ફરિયાદ પરથી અજાણી સ્ત્રી સામે કે ત્યજી દેનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં આ બાળકને રાજકોટ કુવાડવા તાબેના પીપળીયા ગામની મુળ વતની અને હાલ અમદાવાદના માંડલ ગામે રહેતી એક યુવતિએ તરછોડી દીધાનું સામે આવતાં તપાસનો દોર તે તરફ લંબાવ્યો હતો અને તેણીને મહિલા પોલીસની મદદથી રાજકોટ લાવી પુછતાછ શરૂ કરતાં તેણીએ જ પુત્રને ત્યજી દીધાનું સામે આવતાં પોલીસ ચોંકી ગઇ હતી.

પ્રાથમિક માહિતી મુજબ હાલ માંડલ રહેતી આ યુવતિએ લવમેરેજ કર્યા હતાં અને એ લગ્ન થકી પુત્રનો જન્મ થયો હતો. પણ લગ્ન તૂટી ગયા બાદ બીજુ ઘર કદાચ કરવું હોય તો આ બાળક આડે આવે તેમ હોઇ તેણીને મુળ વતન પીપળીયા આવ્યા બાદ કુવાડવામાં તરછોડી દીધાનું સામે આવ્યું છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરી અને પીઆઇ એમ. સી. વાળાની સુચના હેઠળ પીએસઆઇ બી. પી. મેઘલાતર અને સમગ્ર ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં ત્યજી દેવાયેલા બાળકની માતા મળી આવી હતી. આ લખાય છે ત્યારે પોલીસ વિશેષ પુછતાછ કરી રહી છે. સાંજ સુધીમાં વિસ્તૃત વિગતો જાહેર થાય તેવી શકયતા છે.

(4:08 pm IST)