Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

રાજકોટ જિલ્લામાં ૨૮ બોન્ડ આપેલા ડોકટરો : તમામને સ્ટેન્ડબાય રખાયા છે : ઇમરજન્સી સમયે બોલાવાશે : કલેકટર

હાજર થવા અંગે કોઇ આદેશો કરાયા નથી : સ્થિતિ મુજબ તૈયારી રાખવી જરૂરી

રાજકોટ તા. ૨૬ : સરકારે રાજ્યભરના કલેકટરોને તેમના જિલ્લામાં બોન્ડેડ ડોકટરોને શોધી કાઢી, તેમને હાજર કરવા અને હાલ શું કરે છે, કઇ હોસ્પિટલમાં ફરજ બજાવે છે, કયાં છે તે અંગે રીપોર્ટ મંગાવ્યો હતો. કોરોના રાજકોટ સહિત રાજ્યભરમાં વિકરાળ બન્યો છે, પરિણામે સરકારે હવે આવા બોન્ડેડ ડોકટરો ઉપર નજર દોડાવી છે.

દરમિયાન રાજકોટ જિલ્લામાં બોન્ડેડ ડોકટરો અંગે કલેકટરે આજે સાફ-સાફ પત્રકારોને જણાવ્યું હતું કે, આપણા જિલ્લામાં ૨૮ બોન્ડેડ ડોકટરો છે, તેમની અરજી લઇ લેવાઇ છે, તેઓ હાલ કયાં ફરજ બજાવે છે, કઇ જગ્યાએ છે તે પણ વિગતો લેવાઇ છે, એક પણ ડોકટરને સિવિલ કે અન્ય સરકારી હોસ્પિટલમાં હાજર થવા અંગે કોઇ આદેશો નથી કરાયા, પરંતુ આ તમામ ડોકટરને સ્ટેન્ડ ટુ રાખવા આદેશો કર્યા છે, જિલ્લા આરોગ્ય અને સિવિલ હોસ્પિટલને સૂચના અપાઇ છે.

કલેકટરે જણાવેલ કે આ ડોકટરોને જરૂર પડયે ફરજ માટે બોલાવાશે, સ્થિતિ મુજબ મેન પાવર સહિતની તૈયારી રાખવી જરૂરી છે, એટલે ડોકટરોને સ્ટેન્ડ ટુ રખાયા છે.

(3:27 pm IST)