Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

બે માસમાં થયેલી ૧૩ બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચઃ બે પકડાયા

ગોવિંદનગરના રીઢા ઉઠાવગીર વિપુલ ઉર્ફ સીટીને નંબર વગરના બાઇક સાથે પકડ્યા બાદ થાનના સરોડીથી દિનેશ ઉર્ફ દિનીયાને બીજા ૧૨ બાઇક સાથે દબોચ્યોઃ વિપુલ ઉઠાંતરી કરી નંબર પ્લેટ કાઢી દિનેશને બાઇક આપી દેતો'તો : એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, કોન્સ. દેવાભાઇ ધરજીયા, ક્રિપાલસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ પી. બી. જેબલીયા અને ટીમની કાર્યવાહી

તસ્વીરમાં બંને ઉઠાવગીર વિપુલ ઉર્ફ સીટી તથા દિનેશ ઉર્ફ દિનીયો અને પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા તથા ટીમ અને કબ્જે થયેલા વાહનો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૫: શહેરમાં છેલ્લા બે મહિનામાં અલગ-અલગ સ્થળોએથી ચોરાઇ ગયેલા ૧૩ બાઇકની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી કોઠારીયા રોડ ગોવિંદનગર મેઇન રોડ વિક્રમ પાન ચોકમાં રહેતાં રીઢા ઉઠાવગીર વિપુલ ઉર્ફ સીટી પરષોત્તમભાઇ મેર (ઉ.વ.૨૪) તથા સાગ્રીત થાનગઢના સરોડીના દિનેશ ઉર્ફ દિનીયો પુંજાભાઇ ડાભી (ઉ.વ.૩૦)ને પકડી લઇ રૂ. ૨,૩૩,૦૦૦ના ૧૩ ચોરાઉ બાઇક કબ્જે કર્યા છે. મોજશોખ પુરા કરવા આ બંને વાહનચોરીના રવાડે ચડ્યા હતાં. ગોવિંદ રાજકોટથી બાઇક ઉઠાવી નંબર પ્લેટ કાઢી દિનેશને આપી દેતો હતો. વેંચવા માટે દિનેશ બાર બાઇક પોતાના ગામ લઇ ગયો હતો. પણ ગ્રાહક મળે એ પહેલા પોલીસ મળી ગઇ હતી.

ડીસીબીના કોન્સ. દેવાભાઇ ધરજીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા અને ક્રિપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ગોવિંદનગરના રીઢા ઉઠાવગીર વિપુલ ઉર્ફ સીટીએ છેલ્લા બે મહિનામાં ઘણા વાહનો ચોર્યા છે અને તે તેના ઘર નજીક ખુલ્લા પટમાં નંબર વગરના બાઇક સાથે ઉભો છે. આ બાતમીને આધારે તેને સકંજામાં લઇ વિશીષ્ટ ઢબે પુછતાછ કરવામાં આવતાં તેણે બે માસમાં ભકિતનગર પોલીસ મથક  વિસ્તારમાંથી ૮ તથા થોરાળા પોલીસ મથક વિસ્તારમાંથી ૫ બાઇક ચોરી કર્યાનું અને તે પૈકીના ૧૨ બાઇક પોતાના મિત્ર સરોડી ગામે રહેતાં દિનેશ ઉર્ફ દિયા પાસે હોવાનું કહેતાં ડીસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને તેને દબોચી લઇ તેના કબ્જાના ૧૨ બાઇક જપ્ત કર્યા હતાં.

આટલા વિસ્તારોમાંથી ચોરી કર્યા હતાં બાઇક

પોલીસે જે બાઇક કબ્જે લીધા છે તેના માલિકો પણ મળી ગયા છે. હરિ ધવા રોડ સરદાર સોસાયટી, નિલકંઠ પાર્ક, ન્યુ કેદારનાથ સોસાયટી, ગોવિંદનગર, સ્વાતિ પાર્ક કોઠારીયા રોડ, ન્યુ સર્વોદય સોસાયટી, વિવેકાનંદનગર,  મધુરમ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, શ્રીહરિ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, વિવેકાનંદનગર, ન્યુ સાગર સોસાયટી, સંસ્કાર ઇન્ડસ્ટ્રીયઅલ એરિયા અને શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી આ બાઇક ચોરી કરવામાં આવ્યા હતાં.

હેન્ડલ લોક તોડીને ચોરી કરવાની ફાવટઃ મોજશોખ માટે ઉઠાંતરી

વિપુલ ઉર્ફ સીટી હેન્ડલ લોક તોડી વાયરીંગમાં ફેરબદલ કરી બાઇક ઉઠાવી લેવાની આદત ધરાવે છે. તે મોટે ભાગે રાત્રીના સમયે ઓછી અવરજવર વાળા રસ્તા પરના ઘર તથા કારખાનાઓ બહાર પાર્ક કરાયેલા વાહનો ચોરી કરે છે. મોજશોખ પુરા કરવા માટે તે અને દિનેશ આ રવાડે ચડ્યા હતાં.

વિપુલ અને દિનેશ બંને અગાઉ ૧૧-૧૧ ગુનામાં સંડોવાયા'તા

પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વિપુલ ઉર્ફ સીટી વિરૂધ્ધ અગાઉ કુવાડવા રોડ, પ્ર.નગર, થોરાળા, બી-ડિવીઝન અને ભકિતનગરમાં વાહન ચોરીના ૯ તથા અપહરણનો એક ગુનો નોંધાયો હતો. જ્યારે દિનેશ ઉર્ફ દિનીયો ભકિતનગર, થોરાળા, વાંકાનેર તાલુકા, થોરાળા, પ્ર.નગરમાં વાહન ચોરીના ૧૦ ગુનામાં સંડોવાયો હતો અને એક વખત પાસામાં પણ જઇ આવ્યો છે.

પોકેટકોપ એપનો ઉપયોગ

પોલીસે ચોરાઉ વાહનો કબ્જે કર્યા તેના માલિકો શોધવા જરૂરી હતાં. આથી પોલીસે પોકેટકોપ એપમાં વાહન સર્ચ વિકલ્પથી તપાસ કરતાં આરટીઓ સંલગ્ન તમામ માહિતી, માલિકનું નામ, રજી. નંબર, મોડેલ, બનાવટનું વર્ષ સહિતની વિગતો મળી હતી અને તેના આધારે મુળ માલિકોને શોધવામાં આવ્યા હતાં.

ટીમને ઇનામ

આ ડિટેકશનની કામગીરી કરનારી ટીમને પોલીસ કમિશનરશ્રી તરફથી રૂ. ૧૫ હજારનું ઇનામ અપાયું હતું.

કામગીરી કરનાર ટીમ

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, અંશુમનભા ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશ મારૂ, પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા, ડ્રા. સૂર્યકાંતભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(3:17 pm IST)
  • ખેડૂતોની રેલી નીકળનાર હોય હરિયાણા સાથે જોડાયેલ સિંધુ બોર્ડર નજીક દિલ્હી પોલીસ એલર્ટ access_time 4:03 pm IST

  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST

  • એસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST