Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કુવાડવા રોડ આઇઓસી પાસેથી રૂ. ૪.ર૪ લાખનો દારૂ ભરેલી બોલેરો પીકઅપ સાથે ત્રણ શખ્સો પકડાયા

ચીરોડા ગામના અશોક ચૌહાણ, નવાગામના સંજય ચૌહાણ અને રાહુલ બાબરીયાની ધરપકડઃ દારૂનો જથ્થો ચોટીલા પાસેથી લઇ આવ્યાનું રટણ : ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા અને પુષ્પરાજસિંહ પરમારની બાતમી

રાજકોટ તા. ર૬: શહેરના કુવાડવા રોડ પર આઇ.ઓ.સી. ગેસ પ્લાન્ટ પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી બોલેરો પીકઅપમાંથી રૂ. ૪,ર૪,૧૪૦ ની કિંમતની ૧૦૬૮ બોટલ સાથે ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. વી. બસીયાની સૂચનાથી પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. વી. રબારી, એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ પરમાર, હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ, કોન્સ. એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા તથા સોકતભાઇ ખોરમ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા અને પુષ્પરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે કુવાડવા રોડ પર વોચમાં હતા ત્યારે આઇ.ઓ.સી. ગેસ પ્લાન્ટ પાસે ચોટીલા તરફથી આવતી બોલેરો પીકઅપને શંકાના અધારે રોકી તલાશી લેતા બોલેરો પાછળ ટમેટા ભરેલા કેરેટની નીચેના કેરેટમાં ગોઠવેલી જુદી-જુદી બ્રાન્ડની દારૂની ૧૦૬૮ બોટલ મળી આવતા પોલીસે જીપમાં બેઠેલા ચાલક અશોક ભગાભાઇ ચૌહાણ (ઉ.વ. ર૪) (રહે. ચીરોડા ગામ તા. ચોટીલા), સંજય વેલશીભાઇ ચૌહાણ (ઉ.વ. ર૮) (રહે. નવાગામ રંગીલા પાર્ક) અને રાહુલ ભુપતભાઇ બાબરીયા (ઉ.વ.ર૦) (રહે. નવાગામ છપ્પનીયા કવાટર પાસે) ને પકડી લઇ રૂ. ૪,ર૪,૧૪૦ ની કિંમતની દારૂની ૧૦૬૮ બોટલ, ૧પ શાકભાજીના ખાલી કેરેટ, બોલેરો પીકઅપ તથા એક મોબાઇલ મળી રૂ. ૬,ર૬,૧૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ચોટીલા પાસેથી લઇ આવ્યા હોવાનું જણાવ્યું હતું. દારૂનો જથ્થો કયાં પહોંચાડવાનો હતો? તે અંગે પોલીસે ત્રણેયના રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

(3:15 pm IST)