Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કોરોના સામે રાજકોટ જીલ્લામાં ગામ વાઈઝ મોનીટરીંગઃ રેમ્યા મોહન

પ્રાંત-નગરપાલિકા-મામલતદાર-પોલીસનું માસ્ક-સેનેટાઇઝર-સોશ્યલ ડીસ્ટન્સ અંગે ડોર ટુ ડોર સર્વે પણ શરૂ કરાયો... : કુલ ૪૦૦થી વધુ ટીમોઃ દરેક પ્રાંત દ્વારા વાડી-હોલના સંચાલકો સાથે લગ્ન-સગાઇમાં ૧૦૦થી વધુ વ્યકિત નહિ અંગે પણ મીટીંગો : હોટ સ્પોટ અને પીક પોઇન્ટ વાળા વિસ્તારો ખાસ ચકાસાઇ રહ્યા છે રાજકોટ જીલ્લાના નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તા કાલે ફરી રાજકોટમાં કોરોના સ્થિતિ અંગે ખાસ સમીક્ષા

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ કોરોના અંગે જીલ્લામાં સ્થિતિ કાબુમાં છે, લોકો જાગૃત પણ બન્યા છે, અને કોઇ મુશ્કેલી નથી.

તેમણે ઉમેર્યુ હતું કે છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસો શોધી કાઢવા, જાગૃતિ અંગે સમગ્ર જીલ્લામાં ગામવાઇઝ ૪૦૦ થી વધુ ટીમો દ્વારા ખાસ મોનીટરીંગ શરૂ કરાયું છે, ડોર ટુ ડોર સર્વે, માસ્ક, સેનેટાઇઝર, સોશ્યલ ડીસ્ટન્સ વિગેરે તમામ બાબતે પ્રાંત - મામલતદાર - નગરપાલિકા-પોલીસની સંયુકત ટીમો દ્વારા સર્વે - મોનીટરીંગ થઇ રહ્યું છે, અને આ ત્રણ દિવસના મળેલા રીપોર્ટ મુજબ જીલ્લામાં સ્થિતિ કાબુમાં છે.

તેમણે ઉમેર્યું હતું કે જીલ્લામાં  હોટ સ્પોટ એટલે કે વધુ અવર જવરવાળા વિસ્તારો - ગામો ઉપર તથા જે સ્પેશયલ સોફટવેર દ્વારા પીક પોઇન્ટવાળા વિસ્તારો - સોસાયટી - મળી રહ્યા છે, તે ખાસ ચકાસાઇ રહ્યા છે, નગરપાલીકાના દરેક વોર્ડમાં પણ સંયુકત  ટીમો દ્વારા ખાસ ચેકીંગ - સર્વે ચાલી રહ્યો છે.

તેમણે જણાવેલ કે આવતીકાલે રાજકોટ જીલ્લાના કોરોના સંદર્ભે સ્પેશયલ મુકાયેલા નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તા ખાસ રાજકોટ આવી રહ્યા છે, તેમણે કલેકટર સહિતના અધિકારીઓની ખાસ કોર કમીટીની  મીટીંગ બોલાવી છે, તેમાં પણ મહત્વના નિર્ણયો લેવાશે.

તેમણે જણાવેલ કે જીલ્લામાં કોરોનાં અંગે માસ્ક ચેકીંગ ડ્રાઇવમાં જે માસ્ક વગરના પકડાય તેમનો સ્થળ ઉપર જ રીપોર્ટ કરાવવા અંગે અને જે પોઝીટીવ આવે તો સીધા હોસ્પીટલ મોકલી દેવા તથા નેગેટીવ આવે તો ૧ હજારનો  દંડ ફટકારાય તેવી આકરી ડ્રાઇવ અંગે પણ કોર કમીટીમાં ચર્ચા થશે, હાલ કોર્પોરેશન આ પ્રકારની ડ્રાઇવ કરી રહ્યું છે.

(2:50 pm IST)