Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

ટ્રસ્‍ટની કોઇપણ મીલકતના વેચાણ-ખરીદ-MOU અંગે હવેથી ચેરીટી કમિશ્‍નરની મંજૂરી ફરજીયાતઃ સબ રજીસ્‍ટ્રારોને તાકિદ

આવી મીલકતોના દસ્‍તાવેજ સમયે ચેરીટી કમિશ્‍નરની મંજૂરી છે કે કેમ તે જોવા તાકિદના આદેશો જો કોઇપણ મીલકત મંજૂરી વગર તબદીલ થશે તો જે તે સબ રજીસ્‍ટ્રાર અધીકારી સામે કડક પગલાની ચેતવણી... નોંધણી સર નિરીક્ષક જેનુ દિવાનનો રાજકોટ સહિત તમામ સબ રજીસ્‍ટ્રારને તાકિદનો પરીપત્ર

રાજકોટ તા. ર૬: રાજયના નોંધણીસર નિરિક્ષકે રાજકોટની તમામ સબ રજીસ્‍ટ્રાર કચેરી સહિત રાજયભરની સબ રજીસ્‍ટ્રાર કચેરી માટે અત્‍યંત મહત્‍વનો પરીપત્ર બહાર પાડી તાકિદે અમલવારી અંગે સૂચના આપી છે.

 

પરિપત્રમાં કરાયેલ હુકમ મુજબ તમામ સબ રજીસ્‍ટ્રારશ્રીને જણાવવાનું કે, ચેરિટી કમિશનર, ગુજરાત રાજય, અમદાવાદ સમક્ષ જી.પી.ટી. એકટ ૧૯પ૦ ની કલમ અન્‍વયે નોંધવામાં આવેલ ટ્રસ્‍ટોની મિલકત વેચાણ, લીઝ, બક્ષીસ કે અદલો-બદલો, કરવા બાબતે અધિનિયમની કલમ-૩ અન્‍વયે પરવાનગી મેળવવા અંગે અરજીઓ કરવામાં આવતી હોય છે.

અરજીઓની ચકાસણી કરી, નિયમાનુસારની કાર્યવાહી કરી, બાબત અંગેની મંજુરી આપવામાં આવતી હોય છે. ઘણા કિસ્‍સામાં અરજીઓ નામંજુર કરવામાં આવતી હોય છે. ઉપરોકત વિષયમાં દર્શાવેલ બાબત અંગે ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરી લેવી જરૂરી છે અને આવી પરવાનગી વગર આવા વ્‍યવહાર થયા હોય તો, તે નિરર્થક અને મૂળથી ગેરકાયદેસરના છે.

ચેરિટી કમિશનરના ધ્‍યાને આવેલ છે કે, ઘણા ટ્રસ્‍ટીઓ વહીવટકર્તાઓ ટ્રસ્‍ટની મિલકતો અંગે આ જાતના વ્‍યવહારો કરતાં પહેલા જે તે ખરીદનાર પાર્ટી સાથે એમ.ઓ.યુ. કરતા હોય છે અને એમ.ઓ.યુ. કરી ટ્રસ્‍ટીઓ અને ટ્રસ્‍ટના વહીવટકર્તાઓ તેવી પાર્ટીઓ પાસેથી ટોકન સ્‍વરુપે રકમ મેળવતા હોય છે. તે તદ્દન ગેરકાયદેસર અને ગેરવાજબી છે. આવી પ્રવૃત્તિને લીધે ટ્રસ્‍ટની મિલકતો સંબંધમાં મોટા પ્રમાણમાં લીટીગેશનની થવાની સંભાવના રહેલી છે. તેથી ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટીઓ કે વહીવટકર્તાઓ આવી પ્રવૃતિઓ ન કરે તે ટ્રસ્‍ટના હિતમાં છે. તેથી ટ્રસ્‍ટીઓને આવી ગેરકાયદેસરની પ્રવૃતિ ન કરવા આ પરિપત્રથી જાણ કરવામાં આવે છે.

વધુમાં ટ્રસ્‍ટીની પ્રોપર્ટી વેડફાઇ ન જાય અને ટ્રસ્‍ટના વહીવટમાં પારદર્શકતા જળવાઇ રહે તે માટે ગુજરાત પબ્‍લીક ટ્રસ્‍ટ એકટ ૧૯પ૦ અન્‍વયે નોંધાયેલા ટ્રસ્‍ટો દ્વારા ટ્રસ્‍ટોની મિલકત વેચાણ, લીઝ, બક્ષીસ કે અદલો કે બદલો કરવા સંબંધ જો કોઇ દસ્‍તાવેજ સબરજીસ્‍ટ્રાર સમક્ષ રજુ થાય તો તેવે વખતે દસ્‍તાવેજ રજીસ્‍ટર્ડ કરનાર ઓથોરીટીએ પ્રથમ ગુજરાત પબ્‍લીક ટ્રસ્‍ટ એકટ ૧૯પ૦ અન્‍વયે ચેરિટી કમિશનરશ્રીની પુર્વ મંજુરી મેળવેલ છે કે કેમ? તેવા હુકમની નકલ દસ્‍તાવેજ સાથે રજુ કરેલ છે કે કેમ? તેની ચકાસણી કર્યા બાદ જ તેવો દસ્‍તાવેજ રજીસ્‍ટર્ડ કરવા અંગેની કાર્યવાહી કરવી. ચેરિટી કમિશનરશ્રીની મંજુરી હુકમ સિવાયના કોઇપણ દસ્‍તાવેજો રજીસ્‍ટર્ડ કરવા નહીં. જરૂર જણાયે તેવા કિસ્‍સામાં ચેરિટી કમિશનર કે જે તે વિભાગના સંયુકત ચેરિટી કમિશનર દ્વારા મિલકત અંગે મંજુરી આપવામાં આવેલી છે કે કેમ? તેની ચકાસણી કરી લેવી મંજુરીના હુકમ સિવાય ટ્રસ્‍ટની કોઇપણ મિલકત તબદીલ કરવાનું થયેલ હોવાનું અત્રેની જાણમાં આવશે તો, સદર દસ્‍તાવેજ રજીસ્‍ટર્ડ કરનાર સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવાની ફરજ પડશે

(5:29 pm IST)