Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

૧૧ ગામની ૭૯ હજાર ચો.મી.સરકારી જમીન સંપાદન અંગે કલેકટરમાં દરખાસ્ત : રાજકોટ- કાનાલૂસ રેલ્‍વે ડબલ પ્રોજેકટ

પ્રાંત-૩ દ્વારા હવે સરકારી જમીનનો કબજો રેલ્‍વેને સોંપવા અંગે કવાયત હાથ ધરાઇઃ આવતા અઠવાડિયાથી કાર્યવાહી...: ઘંટેશ્વર - પરાપીપળીયા - ખંઢેરી - તરઘડી - રામપર - પડધરી - વણપરી - હડમતીયા સહિતની ગામોની જમીનઃ ૭ કરોડથી વધૂના રીવોર્ડ જશે

રાજકોટ તા. ર૬ : રાજકોટ - કાનાલૂસ રેલ્‍વે ડબલ લાઇન પ્રોજેકટ અંગે જમીન સંપાદનનું કામ યુધ્‍ધના ધોરણે રૂરલ પ્રાંત શ્રી વિવેક ટાંક દ્વારા ચાલી રહ્યું છે, તાજેતરમાં ૧૩ ગામોના સંખ્‍યાબંધ ખેડૂતોની ખાનગી જમીન સંપાદન કરી એ પ્રથમ પ્રકરણ પુરૂ કર્યા બાદ હવે સરકારી જમીનો સંપાદન કરવા સંદર્ભે રેલ્‍વે લાઇનને અડીને આવેલી જૂદા- જૂદા ૧૧ ગામોની સરકારી જમીનનો કબજો લેવા અંગે અને રેલ્‍વેને સોંપણી કરવા અંગે બીજો મહત્‍વનો પ્રોજેકટ હાથ ધર્યો છે.

રાજકોટ કલેકટર કચેરીના અધિકારી સૂત્રોના કહેવા મુજબ ઉપરોકત રાજકોટ - કાનાલૂસ રેલ્‍વે ડબલ પ્રોજેકટમાં ૧૧ ગામની અંદાજે ૭૯ હજાર ૧૪૧ ચો.મી. જમીન કે જે કરોડોની થવાની જાય છે, તે સંપાદિત કરી રેલ્‍વેને સોંપવા અંગે રૂરલપ્રાંત શ્રી વિવેક ટાંકે ગયા વીકમાં રાજકોટ કલેકટરને દરખાસ્‍ત કરી છે.

રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીની સત્તામાં આવતી હશે તે જમીન અંગે કલેકટરની મંજૂરી મળ્‍યે રેલ્‍વેને સોંપાશે અને જો સત્તામાં નહી આવતું હોય તો ઉપર ગાંધીનગર ખાતે મંજૂરી માટે જશે.રૂરલ પ્રાંત દ્વારા જે ૧૧ ગામોની સરકારી જમીન કે જે રેલ્‍વે લાઇનને અડીને આવેલી છે તે ૧૧ ગામોની જમીન જોઇએ તો ઘંટેશ્વર-૬૧૭૩ મીટર, પરાપીપળીયા-પ૧૭૮, ખંઢેરી-૬૧૭૩, તરઘડી-૮ર૩પ, રામપર-પ૧૧, પડધરી-૧૬૬૪૪, મોવૈયા-૧ર૮૭, નારણકા-૪૦૯૭, ચરોલમોટી-૬૪૩, જોધપર છલ્લા-૧રર૦, વણપરી- ૭૦૯ર, તથા હડમતીયા ગામની -ર૧૮૩૮ ચોરસ મીટર જમીનનો સમાવેશ થાય છે. રેલ્‍વે દ્વારા જૂદા - જુદા સર્વે નંબરની ઉપરોકત જમીન અંગે કલેકટરમાં અરજી થયા બાદ જે તે મામલતદાર દ્વારા આ જમીનનું એકલીસ્‍ટ-નકશા-માપણી-કરાયા બાદ રૂરલ પ્રાંતમાં દરખાસ્‍ત કરાઇ હતી, રૂરલપ્રાંત દ્વારા આ તમામ ૭૯૧૪૧ સરકારી જમીન અંગે તપાસ કર્યા બાદ અને આ જમીનો ઉપર દબાણો છે કે નહી તેની ખાત્રી કરાયા બાદ હવે રેલ્‍વેને સોંપણી અંગે રાજકોટ કલેકટરમાં દરખાસ્‍ત કરાઇ છે, કલેકટર મંજૂરી આપશે બાદમાં રેલ્‍વેને નાણા વસૂલી આ જમીનની સોંપણી કરાશે, આ જમીન અંગે પણ રેલ્‍વે પાસેથી રૂા. ૬ થી ૭ કરોડ કે તેથી વધૂ રકમના રીવોર્ડ લેવાના થશે તેમ અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

(5:23 pm IST)