Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

નરેન્‍દ્રભાઇની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિ : રાજકોટ સહિત દેશભરમાં ૪૬ સેન્‍ટરમાં

ભરતી મેળા : રાજકોટમાં ૧પ૧ ને ઓર્ડરો મેરિટના આધારે પારદર્શક ઓનલાઇન ભરતીઃ જેનું શ્રેય વડાપ્રધાનને જાય છે : પરષોતમભાઇ

રાજકોટ તા. ૨૬ : વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમા રોજગાર મેળાઓ સમગ્ર દેશમાં ૪૬ સ્‍થળોએ યોજાયા હતા. જેમાં આશરે ૫૧૦૦૦ ઉમેદવારોને સંબંધિત સરકારી વિભાગોમાં જોડાવા માટેના નિમણૂક પત્રો અપાયા હતા. જે અન્‍વયે કેન્‍દ્રીય મત્‍સ્‍ય અને પશુપાલન મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્‍થિતિમાં રાજકોટ પ્રાદેશિક પોસ્‍ટ વિભાગ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે રોજગાર મેળો યોજાયો હતો, જેમાં સૌરાષ્‍ટ્ર કચ્‍છના ૧૫૧ ઉમેદવારોને  કેન્‍દ્ર સરકારના વિવિધ સરકારી વિભાગોમાં સેવાના નિમણૂક પત્રો એનાયત થયા હતા.

કેન્‍દ્રીય મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ આ પ્રસંગે કહ્યું હતું કે, ૅભારત સરકાર દ્વારા ૯ મી કડીના રોજગાર મેળામાં મેરિટના આધારે પારદર્શક રીતે ઓનલાઈન ભરતી પ્રકિયા કરાઈ રહી છે, જેનું શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીને જાય છે.ૅ

રોજગાર મેળાના યજમાન પોસ્‍ટ વિભાગ વિશે મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ૅદેશભરમાં પોસ્‍ટની સેવા ઉત્તમ રીતે કાર્યરત છે. ટપાલી માત્ર ૫૦ પેસામાં પોસ્‍ટ કાર્ડ ઘરે-ઘરે પહોંચાડે છે. તેના કાયદા પણ વડાપ્રધાનશ્રીએ સરળ બનાવ્‍યા છે. હવે પાસપોર્ટ પણ પોસ્‍ટ વિભાગ ખાતે સરળતાથી બની  જાય છે.ૅ

નવનિયુક્‍ત ઉમેદવારોને શુભેચ્‍છા આપતા મંત્રીશ્રી રૂપાલાએ કહ્યું હતું કે, ૅકેન્‍દ્ર સરકારની નવી સરકારમાં એવા તબક્કે આપને અવસર મળ્‍યો છે જ્‍યારે ભારત એક વૈશ્વિક શક્‍તિ તરીકે ઉભર્યુ છે. ત્‍યારે ફરજ નિષ્ઠાપૂર્વક તો બજાવશો જ. પરંતુ વર્ષમાં એક વાર એવું કામ કરો જે તમને ગમતું હોય. ઁસ્‍વાંતઃ સુખાયઁ હોય. આવા કાર્યનું ઉદાહરણ જોઇએ તો તત્‍કાલીન અમરેલીના કલેકટરશ્રી વી.એસ.ગઢવીએ લાઠીમાં બનાવેલું કવિ કલાપીનું સ્‍મારક એ દેશનું સૌપ્રથમ કવિ સ્‍મારક બન્‍યું છે. જે ઁસ્‍વાંતઃ સુખાયઁ કાર્ય છે.ૅ

મહાનુભાવોએ દિપ પ્રાગટય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં પોસ્‍ટ માસ્‍ટર જનરલશ્રી બી.એલ સોનલે મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી રામભાઇ મોકરિયા અને શ્રી મોહનભાઈ કુંડારીયા, એઇમ્‍સના ડાયરેક્‍ટર કર્નલ ડો. સી.ડી.એચ કટોચ, ઇન્‍કમ ટેક્‍સના ચીફ કમિશનરશ્રી જ્‍યંત કુમાર, આસિસ્‍ટન્‍ટ ડિરેક્‍ટર પોસ્‍ટલ સર્વિસ શ્રી એ.કે.પાંડે સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(5:47 pm IST)