Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

સુલતાનપુર ગામે થયેલ દંપતી ઉપરના હુમલા એટ્રોસીટી

કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા., ૨૬: સુલતાનપુર ગામમાં દંપતી ઉપર થયેલ હુમલા અનુે એટ્રોસીટીના ગુન્‍હામાં પકડાયેલ આરોપીઓના જામીન ગોંડલ સેસન્‍સ કોર્ટ દ્વારા મંજુર કરેલ હતા.

આ બનાવની વિગત એવી છે કે તા.૧૪-૯-ર૦ર૩ના રાત્રીના સમયે સુલતાનપુર ગામે રહેતા મંજુલાબેન કાંતીભાઇ બગડાના ઘર પાસે આ કામના આરોપી દિનેશ ગોહાભાઇ રબારી દુધ દેવા માટે આવેલ અને પોતાની પાસે રહેલ બુલેટ મોટર સાયકલને ફુલ લીવર મારી સાયલન્‍સરનો અવાજ કરતો હોય જેથી મંજુલાબેને પોતાના ઘરની બહાર નીકળી બુલેટનો અવાજ નહી કરવા જણાવેલ તેમજ મંજુલાબેનના પુત્ર અલ્‍કેશે બુલેટના હેન્‍ડલ પર હાથ રાખતા દિનેશ ઉશ્‍કેરાઇ ગયેલ અને ફરીયાદી અને તેના દિકરા સાથે ઝઘડો કરવા લાગેલ અને અલ્‍પેશને માર મારવા લાગેલ.

આ દરમ્‍યાન ફરીયાદીના દિયર તથા આડોશ પાડોશના લોકોએ અલ્‍કેશને વધુ મારથી છોડાવેલ. જેથી આરોપી દિનેશ ફોન કરી બીજા આરોપીઓને બોલાવતા દિપક વસ્‍તાભાઇ રબારી, રવિ ઉર્ફે ભાણો રબારી, જયેશ થોભણભાઇ ગોલતર, સંગરામ ભવાનભાઇ મુંધવા, કરશન ભવાનભાઇ રબારી, નરેન્‍દ્ર પ્રભુદાસ દેવાચાર્ય વિગેરે લોકો લાકડી તથા લોખંડના પાઇપ લઇને આવેલ અને ફરીયાદીના ડેલીને પાટા મારવા લાગેલ. ફરીયાદીના પતિને આરોપીઓએ દુધના કેન બાંધવાની સાંકળ કાઢી મારવા જતા ફરીયાદી વચ્‍ચે પડતા ફરીયાદીને હાથમાં સાકળ લાગી ગયેલ અને દિપક વસ્‍તાભાઇ રબારીએ લાકડી વતી ફરીયાદીના પતિને માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને આરોપીઓએ ફરીયાદીને અને તેના કુટુંબને જાતી પ્રત્‍યે અપમાનીત કરેલ. આ અંગેની ફરીયાદ મંજુલાબેને સુલતાનપુર પોલીસ સ્‍ટેશનમાં કરેલ. પોલીસે તમામ આરોપીઓની તત્‍કાળ ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા.

 આ ગુન્‍હામાં તમામ આરોપીઓ વતી એડવોકેટ તરીકે રઘુવીર આર.બસીયા રોકાયેલ હતા. તેઓએ તમામ આરોપીઓની જામીન અરજી એટ્રો. સ્‍પે. કોર્ટ ગોંડલમાં કરેલ. તેઓની મુખ્‍ય દલીલ એવી હતી કે આરોપીઓ સ્‍થાનીક રહેવાસી છે. કયાંય નાસી ભાગી જાય તેમ નથી. ફરીયાદ પાછળથી ઉભી કરવામાં આવેલ છે. ફરીયાદીને આરોપીઓ તરફથી કોઇ ભય નથી. આરોપીઓ ગુન્‍હાહીત ઇતિહાસ ધરાવતા નથી. નામ. સુપ્રિમ કોર્ટ તેમજ હાઇકોર્ટે જામીન સબંધે આપેલ માર્ગદર્શક ચુકાદાઓને ધ્‍યાને લેવા રજુઆત કરેલ અને આરોપીઓના વકીલને રજુઆતને ગ્રાહય રાખી ગોંડલ સેસન્‍સ કોર્ટે તમામ આરોપીઓને જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો. આ કામમાં આરોપીઓ દિનેશ ગોહાભાઇ રબારી, દિપક વસ્‍તાભાઇ રબારી, રવિ ઉર્ફે ભાણો રબારી, જયેશ થોભણભાઇ ગોલતર, સંગરામ ભવાનભાઇ મુંધવા, કરશન ભવાનભાઇ રબારી, નરેન્‍દ્ર પ્રભુદાસ દેવાચાર્ય વતી એડવોકેટ તરીકે રઘુવીર બસીયા રોકાયેલ હતા

(5:07 pm IST)