Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મેડીકલ પીજીના પ્રવેશના નિયમોમાં ફેરફારથી ગુજરાતના તબિબી છાત્રોને થશે અન્‍યાયઃ સરકાર નિર્ણય બદલે

પીડીયુ મેડિકલ કોલેજના તબિબી છાત્રોએ સુત્રોચ્‍ચાર કર્યાઃ ડીનને આવેદન

રાજકોટ તા. ૨૬: રાજ્‍યમાં તાજેતરમાં મેડીકલ પીજીના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ગુજરાતના ડોક્‍ટરોમાં રોષ ફેલાયો છે. અગાઉથી કોઈ જ નોટિસ કે જાણ કર્યા વગર જ સરકારે ગુજરાત રાજ્‍યમાંથી જ એમબીબીએસ પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે જે પીજીમાં ૫૦ બેઠકો પર સ્‍ટેટ ક્‍વોટાથી જ એડમિશન મળવા પાત્ર થતાં તે બેઠકો પર પણ હવે  ગુજરાત બહારના રાજ્‍ય તેમજ વિદેશથી એમબીબીએસ કરીને આવેલ વિદ્યાર્થીઓ માટે એડમિશન લઈ શકાશે એવી જાહેરાત કરતા ગુજરાતમાંથી એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓ અન્‍યાયની લાગણી અનુભવી રહ્યા છે. આ નિયમનો વિરોધ કરવા આજે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે તબિબી છાત્રોએ બેનર્સ સાથે દેખાવ કરી સુત્રોચ્‍ચાર કરી સરકાર આ નિયમમાં ફેર વિચારણા કરે તેવી માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્‍ટેટ ક્‍વોટામાં પહેલા તક મળે તે માટે જ વિદ્યાર્થીઓ ૧૨માં ધોરણ પછી એમબીબીએસમાં એડમિશન લેતી વખતે જ ગુજરાત રાજ્‍યની મેડીકલ કોલેજોને પ્રાથમિકતા આપતા હોય છે. જેમાં હવે બહારના રાજ્‍યોમાંથી એમબીબીએસ કરેલ વિદ્યાર્થીઓને તેમના રાજ્‍ય તેમજ ગુજરાત એમ બંને રાજ્‍યોમાં ૧૦૦ બેઠકો પર એડમિશન લઈ શકાય તેવી સુવિધા મળી છે.  નારાજગીનો બીજો એક મુદ્દો એ પણ છે કે સરકારી ક્ષેત્રે તબીબી સેવા આપેલ ડોક્‍ટરો માટે આગળ પીજી માં એડમિશન લેવા માટે ૧૦ બેઠકો પર ઇન સર્વિસ ક્‍વોટા અનામત રૂપે ઉમેરવામાં આવેલ પણ બીજી બાજુ તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી મેડીકલ ઓફિસરોની કાયમી નિમણુંક બંધ થઈ ગયેલ છે. જેથી અત્‍યારે બહાર પડનારી તેમજ આવનારી ડોક્‍ટરો પેઢી આ લાભથી વંચિત રહી જશે. તેમજ આ વર્ષે નવા નિયમો મુજબ પીજીના કાઉન્‍સિલિંગ દરમિયાન જે તે બેઠક પર પ્રવેશ મેળવી લીધા પછી તે વિદ્યાર્થી પોતાની ઈચ્‍છા મુજબ તે સીટ મફત માં એટલે કે પેનલટી ભર્યા વગર જ છોડી શકે છે અને જેમાં પાછળ થી આવનારા રાઉન્‍ડ માં તે બેઠક પર પણ રાજ્‍ય ની બહારથી ડોકટરી ભણેલ કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ લઈ શકે એમ છે જેનાથી ગુજરાત ના વિદ્યાર્થીઓને નુકસાન થશે.
માટે ગુજરાત ઇન્‍ટર્ન ડોકટર અસોસેશિયન તેમજ ગૂજરાત એમબીબીએસ સ્‍ટુડન્‍ટ્‍સ અસોસેશીયન દ્વારા આની વિરૂદ્ધ હાઈકોર્ટમાં રિટ દાખલ કરીને સરકાર સમક્ષ એ જ માગણીઓ મુકી છે કે જે પણ નવા નિયમો હોય તે હવેથી આ વર્ષે  ૨૦૨૨-૨૩માં એમબીબીએસ માં દાખલ થતાં વિદ્યાર્થીઓને એટલે કે ૨૦૨૮-૨૯ માં લાગુ પડે કારણ કે ગુજરાત માં MBBS એડમિશન લેતી વખતે વિદ્યાર્થીઓને આની જાણ ન હતી. રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના છાત્રોએ આજે વિરોધ દર્શાવ્‍યો હતો અને ડીનને આવેદન પાઠવ્‍યું હતું. જે તસ્‍વીરમાં જોઇ શકાય છે.

 

(4:05 pm IST)