Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

મંડપ, કેટરીંગના વેપારીઓને રાહત પેકેજ આપો, નહિં તો તમામ રાજકીય કાર્યક્રમોનો બહિષ્કાર

ઈલેકટ્રીક, મંડપ, સાઉન્ડ, વિડીયોગ્રાફી વિ. ધંધાર્થીઓ આંદોલનના માર્ગે : ભુજમાં સરકારી કાર્યક્રમનો વિરોધ કરતા અનેક વેપારીઓની અટકાયતઃ રાજકોટ અને અમદાવાદમાં મીટીંગો કરી વેપારીઓ આગામી રણનીતિ નકકી કરશે

રાજકોટ,તા.૨૬: લગ્ન, ઈવેન્ટમાં છુટછાટ આપો અને મંડપ, કેટરીંગના વેપારીઓને રાહત પેકેજ આપવાની માંગ સાથે મંડપ, ડેકોરેશન, ઈલેકટ્રીક સહિતના વેપારીઓએ તમામ રાજકીય કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો છે.

ભૂજમાં રાજકીય કાર્યક્રમ યોજાનારા હતો. દરમિયાન સાઉન્ડ સિસ્ટમ્સ, એલઈડી અને મંડપના વેપારીઓએ સાઉન્ડ સિસ્ટમ્સ, એલઈડી સહિતની ચીજવસ્તુઓ ફરીથી કાઢી નાખવામાં આવી હતી. આ તમામ વેપારીઓએ મંડપ એસો.ને ટેકો આપ્યો હતો. વેપારીઓએ વિરોધ સાથે સુત્રોચ્ચાર કરતાં અનેકની અટકાયત કરવામાં આવી હતી.

દરમિયાન રાજકોટ મંડપ એસોસીએશનના પ્રમુખ શ્રી દિપકભાઈ પટેલે જણાવ્યું હતું કે મંડપ, વિડીયોગ્રાફી સહિત ઈવેન્ટ સાથે જોડાયેલ તમામ વેપારીઓએ રાજકીય કાર્યક્રમોનો બહિષ્કાર કરી દીધો છે. નાની- મોટી ઈન્ડસ્ટ્રીઝને પેકેજ આપવામાં આવે છે. તો મંડપ એસો.ને પણ પેકેજ આપવામાં આવે તેવી અમારી માંગણી છે.

લોકડાઉનથી તમામ વેપારીઓના ધંધા- રોજગાર બંધ છે. આર્થિક સંકડામણના લીધે વેપારીઓ આત્મહત્યા કરવા લાગ્યા છે. દિવસેને દિવસે વેપારીઓની આર્થિક સ્થિતિ બગડતી જાય છે.

મંડપ, ઈલેકટ્રીક, સાઉન્ડ, વિડીયોગ્રાફી, કેટરીંગના સૌરાષ્ટ્રના વેપારીઓની રાજકોટમાં અને ગુજરાત તરફના વેપારીઓની મીટીંગ અમદાવાદમાં મળનાર છે. જેમાં આગામી રણનીતિ નકકી કરવામાં આવશે.  તેમ જણાવ્યું હતું.

(3:36 pm IST)