Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

શહેરના ફૂટપાથ પરના દબાણો દૂર કરવા ખાસ ઝુંબેશ : અમિત અરોરા

મેઇન રોડ પર ટ્રાફિકને નડતર હોકર્સ ઝોનની જગ્‍યા ફેરવવા સર્વે હાથ ધરાશે

રાજકોટ તા. ૧૬ : શહેરનાં ૪૮ રાજમાર્ગો પર રેકડી -પાથરણાવાળાઓના દબાણોથી મુકત રાખવા જાહેરનામુ વર્ષોથી અમલમાં છે. ત્‍યારે હવે ફરી આ ફુટપાથ પરના દબાણો થવા લાગ્‍યા હોય ત્‍યારે પાથરણાઓ સહિતના દબાણો દૂર કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમજ મેઇન રોડ ઉપર આવેલ હોકર્સ ઝોન ટ્રાફિકમાં નડતર હોય તો અન્‍ય જગ્‍યાએ ફેરવવા સર્વે હાથ ધરવામાં આવશે તેમ મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્‍યું હતું.

આ અંગે મ્‍યુનિ. અમિત અરોરાએ જણાવ્‍યું હતું કે, જયુબેલી શાક માર્કેટ, યુનિવર્સિટી રોડ, પરાબજાર, મોચી બજાર, ૧૫૦ રીંગ રોડ, રૈયા રોડ, મવડી મેઇન રોડ, વગેરે મુખ્‍ય રાજમાર્ગો પર રેકડી-કેબીનો અને ખાસ કરીને ફુટપાથ પરના દબાણ અનહદ રીતે વધ્‍યું હોય ટ્રાફિક જામની ફરિયાદો મળી રહી છે.

જેમાં દબાણમુકત રાખવા જે ૪૮ રાજમાર્ગો જાહેર કરાયા છે તે તમામ રાજમાર્ગો પર દરરોજ પેટ્રોલીંગ કરવા અને રસ્‍તા પર નડતર રૂપ હોય તેવી રેકડી-કેબીનો અને પાથરણા વાળાના દબાણો દૂર કરવા સૂચના અપાઇ છે.જે ફેરિયાઓ રસ્‍તા વચ્‍ચે દબાણ કરીને તેવા ફેરિયાઓને સૌપ્રથમ દબાણ દૂર કરવા તાકિદ કરતી નોટીસો આપવા. અને તેમ છતાં દબાણ દૂર ન કરે તો પછી માલ -સામાન જપ્ત કરવા સૂચનાઓ અપાઇ છે.ઉપરાંત જે મેઇન રોડ પરના વિસ્‍તારોમાં હોકર્સ ઝોન છે. તેવા વિસ્‍તારોમાં સર્વે હાથ ધરવામાં આવશે. જરૂર લાગે તો હોકર્સ ઝોનની જગ્‍યા ફેરવવામાં આવશે.

(3:52 pm IST)