Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

હૃદયમાં જો ભાવ હોય તો ભવ્યતા સર્જવામાં વાર નથી લાગતીઃ પૂ. નમ્રમુનિ મ.સા.

રાજકોટમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવનું મંગલ પદાર્પણઃ કાલે આટકોટ તરફ વિહારના ભાવ : લહેરાતા ધર્મધ્વજ, શંખનાદ અને આવકાર સાથેની શોભાયાત્રામાં ભાવિકો જોડાયા

રાજકોટ, તા.૨૬: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા.ની આગામી ચાતુર્માસ અર્થે કચ્છ તરફની વિહાર યાત્રા દરમિયાન ગોંડલમાં આયંબિલ ઓળી બાદ ગિરનાર પ્રભુ નેમની ભૂમિમાં સાધના કરી રાજાણી નગરી રાજકોટમાં આજરોજ મંગલ પદાર્પણ થયું.

રાજકોટવાસીઓની લાંબી પ્રતીક્ષાનો અંત કરીને પધારી રહેલા પરમ ગુરુદેવનું સ્વાગત કરવા અનોખી શોભાયાત્રામાં લહેરાતા ધર્મધ્વજ, ભકિત-નૃત્ય કરતી ઉત્સાહી રાસમંડળી જૈન દર્શનના ઐતિહાસિક પાત્રોની અભિવ્યકિત, શંખનાદ, અષ્ટમંગલના શુભ પ્રતિકો અને જયકાર ગુંજવતા ભાવિકોથી શોભતી શોભાયાત્રાના ગુંજારવ સાથે અનન્ય ગુરુભકત હિતેનભાઈ મહેતા પરિવારના આંગણે ઘંટનાદ કરતા ભાવિકો દ્વારા કરવામાં આવેલા પરમ ગુરુદેવના સ્વાગતથી સર્વત્ર હર્ષ હર્ષ છવાયો હતો.

બેલેવિસ્ટાના વિશાળ પ્રાંગણમાં શ્રેષ્ઠીવર્યો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો વચ્ચે લુક એન લર્નના દીદીઓ દ્વારા આગમ ગાથાના પઠન, લુક એન લર્નના બાળકો દ્વારા નૃત્ય પ્રસ્તુતિ તેમજ હિતેનભાઈ મહેતાના સ્વાગત વકતવ્ય સાથે પરમ ગુરુદેવના આગમનને વધાવ્યુ હતું.

પરમ ગુરુદેવે ઉપસ્થિત ભાવીકોને મનુષ્ય ભવની પલ પલને સાર્થક કરી લેવાનો બોધ આપતા સમજાવ્યું હતું કે, મળેલા આ અમૂલ્ય મનુષ્ય ભવની પલ પલ જયારે આત્મા આરાધના કરવા માટે મળી છે ત્યારે સ્વયંના આત્માનું એક સરવૈયું કાઢીએ કે આ ભવનો સમય માત્ર ખાવા પીવા અને રોજિંદા કાર્યમાં જ વ્યતીત થઈ રહ્યો છે કે આત્મ કલ્યાણની આરાધનામાં વ્યતીત થઈ રહ્યો છે? આ જન્મમાં ચાહે ગમે એટલું ભેગું કરી લઈએ પરંતુ આખ મીંચાયા પછીની તૈયારી શું કરી છે ખરી? ગુરુનો યોગ પ્રાપ્ત થયા પછી શિષ્યનો સંસાર ઘટે, શિષ્યના કર્મ ઘટે અને શિષ્યના આત્માની શ્રેષ્ઠતા વધે એમાં જ ગુરુની પ્રસન્નતા સમાયેલી હોય છે.

આત્મ પુરુષાર્થ જગાડી દેતાં પરમ ગુરુદેવના આવા બોધ વચન બાદ જરૃરિયાતમંદ ગરીબ એવા ૫૧ દર્દીઓ માટે ફ્રી કેટરેકટ ઓપેરેશન, ૨૨ ગાયો માટે આર્ટિફિશ્યલ લીંબુ તેમજ ૨૦ સંસ્થાઓને કીટ અને મીઠાઈ બોકસ વિતરણનું સત્કાર્ય હિતેનભાઈ મહેતાની ઉદાર ભાવનાના સહયોગે કરવા સાથે પરમ ગુરુદેવના આગમનનો આ અવસર સહુ માટે મંગલતા સર્જી ગયો હતો.

આવતીકાલે આટકોટ તરફ વિહાર થશે જયાં હોસ્પિટલના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તા.૨૯ના રોજ જાગનાથમાં પધારશે. આગામી ૫ અને ૬ જૂનના રોજ નવનિર્મિત વિતરાગ નેમિનાથ ઉપાશ્રયમાં મંગલ આગમન કરી કચ્છ તરફ વિહાર કરશે.

(2:54 pm IST)