Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જે પાઠય પુસ્તકોનો સ્ટોક એપ્રિલમાં કરી લેવાતો હોય તેના હજુ સુધી કોઇ ઠેકાણા નથી

નવુ સત્ર શરૃ થવામાં હવે ગણત્રીના દિવસો : ખરીદી માટે નિકળતા વિદ્યાર્થીઓને ધકકા : સ્ટેશનરી ડીસ્ટ્રીબ્યુટર એસોસીએશન દ્વારા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીને રજુઆત

રાજકોટ તા. ૨૬ : નવુ સત્ર શરૃ થવાને હવે માંડ પંદરેક દિવસ આડા છે. ત્યારે હજુ સુધી પાઠય પુસ્તકો બજારમાં આવ્યા ન હોય પુસ્તક વિક્રેતા અને વિદ્યાર્થીઓ એમ બન્નેના ચહેરા પર ચિંતાની લાગણી તરવરી રહી છે.

આ બાબતે ધ સ્ટેશનરી ડીસ્ટ્રીબ્યુટર એસોસીએશનના પ્રમુખ અતુલભાઇ દક્ષિણીએ કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીને એક વિસ્તૃત પત્ર લખી ૧ જુન સુધીમાં દરેક ધોરણ અને દરેક વિષયના પુસ્તકો બજારમાં મળતા થાય તેવી વ્યવસ્થા કરવા રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે સામાન્ય સંજોગોમાં પાઠય પુસ્તક વિક્રેતા એપ્રિલ માસમાં પાઠય પુસ્તકોની ખરીદી કરી લેતા હોય છે. પરંતુ આ વર્ષે મે મહીનો પણ પુરો થવા આવ્યો છતા બજારમાં પાઠય પુસ્તકોના કોઇ ઠેકાણા નથી. પાઠય પુસ્તક મંડળ પાસે પાઠય પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ ન હોય બજારમાં દેકારો બોલી રહ્યો છે.  મંડળ પાસે માત્ર આઠથી દસ વિષયના પાઠય પુસ્તકોનો જ સ્ટોક છે. એ પણ નજીવો છે. ખરીદી માટે નિકળતા વિદ્યાર્થીઓને ધરમ ધકકા થઇ રહ્યા છે.

ગ્લોબલ લેવલે કાગળની અછત છે અને ભયંકર ભાવ વધારો છે. પરંતુ ગુજરાતનું ભવિષ્ય કહી શકાય તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર પાઠય પુસતકો સમયસર જો ઉપલબ્ધ ન કરાવી શકે તો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન 'ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત' એમને એમ રોળાઇ જશે.

વહેલામાં વહેલી તકે દરેક ધોરણ અને દરેક વિષયના પાઠય પુસ્તકોની પ્રિન્ટ કરાવી બજારમાં ઉપલબ્ધ કરાવવા અંતમાં સ્ટેશનરી ડીસ્ટ્રીબ્યુટર એસોસીએશનના પ્રમુખ અતુલભાઇ દક્ષીણી (મો.૯૪૨૯૦ ૯૮૧૩૯) એ માંગણી ઉચ્ચારી છે.

(2:53 pm IST)