Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આખા રાજકોટ જીલ્લામાં પાયલોટ વિનાના કોઇપણ વિમાન-હેલીકોપ્‍ટર ઉપર ર૮મીએ કલેકટરનો પ્રતિબંધ

‘‘અકિલા'' સાથે અરૂણ મહેશબાબૂની વાતચીતઃ નરેન્‍દ્રભાઇ સહિતના VVIP માટે પાંચ હોસ્‍પીટલ ઉભી કરાઇ : ૬-ડે. કલેકટર-૯ મામલતદાર સહિત કુલ ૪૦૦થી વધુનો સ્‍ટાફ આટકોટ-રાજકોટ એરપોર્ટ ઉપર ફરજ પર... : આટકોટ ખાતે ખાસ PMO હાઉસ તથા ગ્રીન રૂમ ઉભા કરાયાઃ આટકોટ ખાતે બે IG-૧ DIG તથા ૭ SP તૈનાત રહેશે : લગેજ-ફુડ વહન સંદર્ભે એરઇન્‍ડીયા એરપોર્ટ ઓથોરીટીની ટીમો મદદે પ હોટલાઇન-ફેકસ-BSNL-લાઇન-ઇન્‍ટરનેટ સહિતની સુવિધા મૂકાઇ...

રાજકોટ તા. ર૬: રાજકોટ જીલ્લા કલેકટર અને તેમનું તંત્ર ર૮મીએ વડાપ્રધાન આટકોટ આવી રહ્યા હોય સુરક્ષા-પ્રોટોકોલ સંદર્ભે ભારે દોડધામ કરી રહ્યા છે. આવતીકાલે કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ ફરી આટકોટની વીઝીટ લેશે, આજે પણ તેમણે બનાવેલ ૧પ કમિટીના અધ્‍યક્ષ સાથે મીટીંગ યોજી છે.

દરમિયાન જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ ‘‘અકિલા'' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતું કે આટકોટ આસપાસના વિસ્‍તારને ર૮મીએ નો-ફલાય ઝોનમાં મૂકી દીધો છે, તે ઉપરાંત આખા રાજકોટ જીલ્લામાં યુએવી-(અન એરીયલ વ્‍હીકલ) એટલે કે પાયલોટ રહિત કોઇપણ વિમા-હેલીકોપ્‍ટર કે અન્‍ય વાહન ર૮મીએ ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. વડાપ્રધાનની બ્‍લૂ બૂકના નિયમો મુજબ થ્રેટ ફરકેશન સિકયુરીટી હેઠળ આ કાર્યવાહી કરાઇ રહી છે.

કલેકટરે ઉમેર્યું હતું કે ર૮મીએ વડાપ્રધાન સંદર્ભે કુલ ૪૦૦ થી પ૦૦ નો સ્‍ટાફના ઓર્ડરો કરાયા છે, કૂલ ૧પ કમિટીના હવાલે આ સ્‍ટાફ છે, આ ઉપરાંત સ્‍ટેજ-૪ હેલીપેડ, રાજકોટ એરપોર્ટ વિગેરે માટે ૬ ડે. કલેકટરો તથા ૯ મામલતદારોના ઓર્ડરો કરાયા છે, તે ઉપરાંત લગેજ-ફુડ અંગે એરઇન્‍ડીયા અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડીયાની ટીમો ખાસ મદદે રહેશે.

કલેકટરે જણાવેલ કે આટકોટ-જસદણ-રાજકોટ PDU તથા અન્‍ય બે સ્‍થળ થઇને વડાપ્રધાન અને અન્‍ય VVIP માટે પાંચ સેઇફ હાઉસ એટલે કે હોસ્‍પીટલો ઉભી કરી દેવાઇ છે, આટકોટમાં પણ PMO હાઉસ-PM  ગ્રીન રૂમ-સરકીટ હાઉસ-સિવીલ હોસ્‍પીટલ તથા આટકોટ-જસદણ થઇને તમામ સ્‍થળે થઇને પ-હોટલાઇન-BSNL લાઇન-વોકીટોકી સેટ, સેટેલાઇટ ફોન-ફીકસ-ઇન્‍ટરનેટ સહિતની સુવિધા ઉભી કરાઇ છે, SPG કમાન્‍ડોના ઓફીસર સહિત કુલ પ૦નો સ્‍ટાફ તૈનાત રહેશે.

કલેકટરે જણાવેલ કે આટકોટ ખાતે બે IGP, ૧-DIG તથા ૭ ડીએસપી અને મોટો પોલીસ બંદોબસ્‍ત રાજકોટ અને આટકોટ-જસદણ ખાતે તૈનાત કરી દેવાયો છે, આટકોટમાં ઉભી કરાયેલ હોસ્‍પીટલને પણ કલીયરન્‍સ આપી દેવાયું છે. કલેકટરે ઉમેર્યું હતું કે ર૮મીએ સુરક્ષા સંદર્ભે આખા રાજકોટ જીલ્લામાં યુએવી અનએરીયલ વ્‍હીકલ ઉપર પ્રતિબંધ મૂકાયો છે.

(3:08 pm IST)