Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

નરેન્‍દ્રભાઈ મોદીના માસ્‍ટર પ્‍લાન મુજબ બનશે ભવ્‍ય અને દિવ્‍ય બદ્રીનાથ ધામ

બદ્રીનાથ એ ભગવાન વિષ્‍ણુને સમર્પિત એક મહત્‍વપૂર્ણ આધ્‍યાત્‍મિક સ્‍થાન છે જે ભારતના ચાર ધામોમાંના એક અલકનંદા નદીના કિનારે હિમાલયની શ્રેણીના નર અને નારાયણ પર્વતોની તળેટીમાં આવેલું છે. બદ્રીનાથમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. બદ્રીનાથ મંદિર, એક મહત્‍વપૂર્ણ તીર્થસ્‍થળ હોવા છતાં વર્ષોથી બાંધવામાં આવેલી ઇમારતોની ભીડમાં ખોવાઈ ગયું છે ત્‍યારે વારાણસી ની જેમ હવે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્‍ટમાં બદ્રીનાથ ધામના પુનઃનિર્માણનું કામ માસ્‍ટર પ્‍લાન હેઠળ સામેલ છે. જેનું કામ પુરજોશમાં શરૂ થઇ ગયું છે. આગામી ૨૦૨૫માં આ બદ્રિનાથધામ ને એક આધ્‍યાત્‍મિક શહેર બનાવવાનું મોદીજીનું સપનું છે. નરેન્‍દ્રભાઇના નિર્દેશ પર બદ્રીનાથ ધામને કેદારનાથની તર્જ પર વિકસાવવા માટે ડ્રીમ પ્રોજેક્‍ટ હેઠળ ૪૨૪ કરોડનો માસ્‍ટર પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો છે. તેમણે કહ્યું છે કે, કેદારનાથ અને બદ્રીનાથ ધામનો વિકાસ આધ્‍યાત્‍મિક વાતાવરણને અનુરૂપ હોવો જોઈએ. બદ્રીનાથને આધ્‍યાત્‍મિક મિની સ્‍માર્ટ સિટી બનાવવાનું તેઓએ સૂચન કર્યું હતું અને તેના પર અમલ પણ શરૂ થઇ ગયો છે.  પ્રશ્ન એ થાય કે કેવું હશે આ સ્‍પીરીચ્‍યુઅલ સ્‍માર્ટ સીટી? આ માટે તેનો માસ્‍ટર પ્‍લાન  તૈયાર કરાયો હતો અને તમામ અડચણો દુર કર્યા બાદ આગામી ૨૦૨૫ સુધીમાં નરેન્‍દ્રભાઇના ડ્રીમ પ્રોજેક્‍ટ બદ્રીનાથ ધામ આધ્‍યાત્‍મિક મિની સ્‍માર્ટ સિટી બનશે. માનનીય વડાપ્રધાનના જણાવ્‍યા મુજબ, બદ્રીનાથનો આ માસ્‍ટર પ્‍લાન આધ્‍યાત્‍મિક, વહીવટી, સામાજિક-આર્થિક અને પર્યાવરણીય પરિમાણોને કાર્યક્ષમ સંચાલન સાથે સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. બદ્રીનાથ ધામ નો અદભૂત માસ્‍ટર પ્‍લાન પણ જાણવા જેવો છે. હાલ ભગવાન બદ્રીનાથ ના દર્શન કરવા જઇએ ત્‍યારે માણા ગામ તરફ જતો હાલનો હાઇવે સ્‍નેહ અને તળાવમાંથી પસાર થાય છે જયારે સૂચિત માસ્‍ટર પ્‍લાન મુખ્‍ય હાઇવેનું વિભાજન સૂચવે છે. આ માટે નકકી કરાયેલા માસ્‍ટર પ્‍લાન મુજબ નવ સરકારી વિભાગોની ૨૨ સરકારી ઇમારતો તોડી પાડવામાં આવશે. જેનું કામ શરૂ થઇ ગયું છે. નગર પંચાયત શ્રી બદ્રીનાથની માત્ર છ ઈમારતો તોડી પાડવામાં આવશે. તેમાં નગર પંચાયત ગેસ્‍ટ હાઉસ, શ્રી બદ્રીશ યુવા સંગઠન ભવન, નગર પંચાયતની દુકાનો, સ્‍ટોર્સ, ઓફિસોનો સમાવેશ થાય છે. મહેસૂલ વિભાગનું એક ગેસ્‍ટ હાઉસ પણ તોડી પાડવામાં આવશે. ઉપરાંત પોલીસની પાંચ ઇમારતો, જલ સંસ્‍થાનની ત્રણ ઇમારતો, જલ નિગમની એક ઇમારત, મંદિર સમિતિની એક ઇમારત તોડી પાડવામાં આવશે. આ ઈમારતોને તોડીને અન્‍ય સ્‍થળે ફરીથી બાંધવામાં આવશે.

 બદ્રીનાથ ધામના માસ્‍ટર પ્‍લાનનો સંપૂર્ણ નકશો ગુજરાત સ્‍થિત કંપની INI દ્વારા તૈયાર કરવામાં આવ્‍યો છે. આ નકશાના આધારે પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બદ્રીનાથ ધામ માસ્‍ટર પ્‍લાનના પ્રથમ તબક્કામાં પહાડી શૈલીના પથ્‍થર વડે વન-વે લૂપ રોડ બનાવવામાં આવશે. તેમાં લગભગ ૭૦૦ મીટર રોડ બનાવવામાં આવશે. આગમન પ્‍લાઝા બનાવવામાં આવશે, જયાં યાત્રાની ટિકિટ બુકિંગ, હોટલ વિશેની માહિતી યાત્રાળુઓને આપવામાં આવશે. બદ્રીનાથ સ્‍થિત નેત્રા તળાવ અને બદ્રીશ તળાવનું બ્‍યુટીફિકેશન કરવામાં આવશે. આ બંને તળાવો લગભગ ૩૦૦ મીટર સુધી ફેલાયેલા છે. બદ્રીનાથ ધામમાં આવેલી હોસ્‍પિટલનું વિસ્‍તરણ કરવામાં આવશે, જેથી અહીં આવનારા શ્રદ્ધાળુઓને સારી સારવાર મળી શકે. બદ્રીનાથ ધામના તમામ ઘાટોનું બ્‍યુટીફિકેશન અને નિર્માણ કાર્ય કરવામાં આવશે. વધુમાં દેવ દર્શન સ્‍થળનું નિર્માણ કરવામાં આવશે જયાંથી પ્રવાસીઓ દૂરથી મંદિરના દર્શન કરી શકશે. સ્‍વાભાવિક છે કે ભગવાન બદ્રીનાથના દર્શને આવતા યાત્રાળુઓ વધશે એટલે પાર્કિંગની જરૂરિયાત ઉભી થશે તે માટે એસબીટી બિલ્‍ડિંગના નવીનીકરણની સાથે બસ પાર્કિંગ, ઇલેક્‍ટ્રિક વાહન પાર્કિંગ, પેટ્રોલ પંપ અને અન્‍ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. બદ્રીનાથ મંદિર તરફ જતા માર્ગ સાથે જોડાયેલી ઈમારતોને ગાઈડલાઈન હેઠળ આર્કિટેક્‍ચર પ્રમાણે વિકસાવવામાં આવશે. પ્રવાસીઓના મનોરંજન માટે તળાવના નવિનીકરણ સાથે બગીચાઓને પણ અદભૂત રીતે ફરીથી બનાવવામાં આવશે. મંદિરની આસપાસની વસાહતને શિફ્‌ટ કરીને ઉપલબ્‍ધ સીમાંત જગ્‍યામાં મંદિર સંકુલનું પુનર્વસન કરવામાં આવશે. પ્રવાસીઓના ચાલવાના અનુભવને સમૃદ્ધ બનાવવા મંદિર સંકુલ તરફ જતા રસ્‍તાને નવીકરણ કરવામાં આવશે. યાત્રીઓ હાલના હાઇવેને વિભાજીત કરીને દેવદર્શિની પ્રાંગણમાં પ્રવેશ કરી શકશે જયાં અલકનંદા નદી પર બનેલ સ્‍કાયવોક પરથી મંદિરના દર્શનની અલૌકિક અનુભૂતિ થશે. આઇએસબીટી નવીનીકરણથી બસ દ્વારા આવતા મુસાફરોની સુવિધામાં વધારો થશે. આનાથી મુસાફરો મંદિર પરિસરમાં મુસાફરી કરવા માટે ઇલેક્‍ટ્રિક વાહનોનો ઉપયોગ પણ કરી શકશે.

 બદ્રીનાથ ધામના આંગણામાં પ્રવેશતા જ મુસાફરોની સુવિધા માટે સ્‍થાનિક લોકો દ્વારા આરામદાયક વેઇટિંગ રૂમ, ભોજનાલય ની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. જયાં ભગવાન વિષ્‍ણુના વિષય સાથે સંબંધિત કલાકૃતિઓનો સમાવેશ કરવામાં આવશે. આ તમામ ઇમારતો સ્‍થાનિક સ્‍થાપત્‍યને ધ્‍યાનમાં રાખીને પથ્‍થર અને લાકડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. તીર્થયાત્રીઓ મંદિર તરફ આગળ વધતા, સ્‍થાનિક સ્‍થાપત્‍ય સાથે આકાર અને શ્રેણીમાં બાંધવામાં આવેલી નવી ઇમારતો સાથે વળાંકવાળા માર્ગ પર આગળ વધશે. આ માર્ગ પરથી ઉતરીને યાત્રાળુઓ અલકનંદા નદીના કિનારે સૂચિત બગીચાઓમાંથી નારાયણ પર્વતની ભવ્‍યતાનો અનુભવ કરશે. અલકનંદા નદીના કિનારાને પૂરથી સુરક્ષિત બનાવવા માટે યોગ્‍ય પ્રકારની દિવાલ સાથે મજબૂત કરવામાં આવશે. અહિં લોન, આશ્રય ઘાટ સાથે વિકસાવવામાં આવશે અને તેમાંથી પુનઃપ્રાપ્ત કરવામાં આવેલી જમીન પર પ્રવાસીઓની સુવિધા માટે સ્‍થાનિક ફૂલોના છોડથી સુશોભિત બગીચા સાથે રિવરફ્રન્‍ટ બનાવવામાં આવશે. યાત્રીઓ ઇલેક્‍ટ્રિક વાહનો દ્વારા મંદિર પરિસર સુધી પહોંચી શકે તે માટે નવા પુલ બનાવવામાં આવશે. મંદિરની પ્રાકૃતિક સંવાદિતા વધારવા અને પર્યાવરણીય સંતુલનને પુનઃજીવિત કરવા માટે નારાયણ પર્વત પર બદ્રી ડેમ વિકસાવવામાં આવશે. મંદિરની કચેરીઓ અને પુરોહિત નિવાસને હાલના દરવાજાની આસપાસ એક સંકુલ તરીકે નવા બનાવવામાં આવશે. સાંસ્‍કૃતિક અને પૌરાણિક મહત્‍વને ધ્‍યાનમાં રાખીને મંદિરને જોડતી ગામની શેરીઓ માટે નવા રવેશની માર્ગદર્શિકા પ્રસ્‍તાવિત કરવામાં આવશે. નરેન્‍દ્રભાઇ મોદીએ અધિકારીઓને સૂચન કર્યું છે કે ત્‍યાં હોમ સ્‍ટે પણ વિકસાવો. અન્‍ય નજીકના આધ્‍યાત્‍મિક સ્‍થળોને પણ બદ્રીનાથ ધામ સાથે જોડી શકાય તેમ છે. તેમણે કહ્યું કે બદ્રીનાથ ધામના પ્રવેશ બિંદુ પર વિશેષ લાઇટિંગની વ્‍યવસ્‍થા કરવી જોઈએ જે આધ્‍યાત્‍મિક વાતાવરણને અનુરૂપ બને. માસ્‍ટર પ્‍લાન ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે. બદ્રીનાથ ધામમાં ત્રણ તબકકામાં વિકાસ કાર્ય થવાનું છે. પ્રથમ તબકકામાં શેષ નેત્રા તળાવ અને બદ્રીશ તળાવનું બ્‍યુટીફિકેશન, બીજા તબક્કામાં મુખ્‍ય મંદિર અને તેની આસપાસના વિસ્‍તાર અને છેલ્લા તબક્કામાં મંદિરને શેષ નેત્રા તળાવ સાથે જોડતા પાથના બાંધકામની દરખાસ્‍ત છે. ધામમાં તળાવોનું બ્‍યુટિફિકેશન, રસ્‍તાઓની વ્‍યવસ્‍થા, ભીડ વ્‍યવસ્‍થાપન, મંદિર અને ઘાટનું બ્‍યુટિફિકેશન, બદ્રીશ જંગલ, પાર્કિંગની સુવિધા, રોડ અને રિવરફ્રન્‍ટ ડેવલપમેન્‍ટ વગેરેની માસ્‍ટર પ્‍લાન હેઠળ તબક્કાવાર દરખાસ્‍ત કરવામાં આવી છે. પ્રથમ તબકકાનું કામ જોરશોરથી શરૂ થઇ ગયું છે. ટુંકમાં ભગવાન શ્રી બદ્રીનાથ ધામને કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ સ્‍માર્ટ સ્‍પિરિચ્‍યુઅલ હિલ ટાઉન તરીકે વિકસાવવામાં આવશે.(૩૦.૧૬)

 પ્રશાંત બક્ષી, મો.૭૯૯૦૫ ૫૮૪૬૯

 

બદ્રીધામના માસ્‍ટર પ્‍લાનનો ડેમો દિલ્‍હીમાં યોજાયો હતો

કેદારનાથ ધામની તર્જ પર બદ્રીનાથના વિકાસની બ્‍લુ પ્રિન્‍ટ તૈયાર કરવામાં આવી હતી. શ્રી બદ્રીનાથ ધામ ભારતના મુખ્‍ય ચાર ધામોમાંનું એક છે અને ભક્‍તોનું સૌથી પ્રિય ધાર્મિક સ્‍થળ છે. દર વર્ષે ૧૦ લાખથી વધુ ભકતો અહીં દર્શન માટે આવે છે. યાત્રાળુઓની વધતી જતી સંખ્‍યા, મર્યાદિત સંસાધનો અને ભૌગોલિક પ્રતિબંધોને કારણે હવે આ પવિત્ર તીર્થની ક્ષમતા વધારવા માટે તેને માસ્‍ટર પ્‍લાન હેઠળ વિકસાવવામાં આવે તે જરૂરી બન્‍યું છે. કેદારનાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ શ્રી બદ્રીનાથ માસ્‍ટર પ્‍લાન યોજના માટે નોડલ સંસ્‍થા તરીકે કાર્ય કરશે. આ માટે વડાપ્રધાનશ્રીની મંજુરી મળ્‍યા બાદ નવી દિલ્‍હીમાં જાહેર ક્ષેત્રની ઘણી પ્રખ્‍યાત કંપનીઓના અધિકારીઓ દ્વારા માસ્‍ટર પ્‍લાનનું પ્રેઝન્‍ટેશન આપવામાં આવ્‍યું હતું અને સામાજિક કોર્પોરેટ જવાબદારી હેઠળ મદદ માટે અપીલ કરવામાં આવી હતી.

 

પીએમઓની ટીમે બદ્રીનાથ ધામમાં ચાલી રહેલા  માસ્‍ટર પ્‍લાનના કામોનું નિરીક્ષણ કર્યું હતું

એપ્રીલ ૨૦૨૨ માં પીએમઓની ટીમે બદ્રીનાથ ધામમાં ચાલી રહેલા માસ્‍ટર પ્‍લાનના કામોનું સ્‍થળ પર નિરીક્ષણ કર્યું હતું. ટીમે કાર્યકારી સંસ્‍થાને તમામ કામ સમયસર પૂર્ણ કરવા નિર્દેશ આપ્‍યો હતો. આ માટે મજૂરોની સંખ્‍યા વધારવા માટે પણ કહેવામાં આવ્‍યું હતું. આ દિવસોમાં બદ્રીનાથ ધામમાં માસ્‍ટર પ્‍લાન હેઠળ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પીએમઓ ના ડેપ્‍યુટી સેક્રેટરી મંગેશ ઘિલ્‍ડિયાલના નેતૃત્‍વમાં ચાર સભ્‍યોની ટીમ કામોનું નિરીક્ષણ કરવા બદ્રીનાથ પહોંચી હતી. તેમણે બદ્રીનાથ મંદિર પરિસર, માના બાયપાસ, બદ્રીશ અને શેષ નેત્રા તળાવ, અલકનંદા નદી કાંઠા, સાકેત તિરાહ, હોસ્‍પિટલ, બસ સ્‍ટેશન વગેરેનું નિરીક્ષણ કર્યું અને તમામ કામો સમયસર પૂર્ણ કરવા નિર્દેશ આપ્‍યો. આ માટે સંસાધનો વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્‍યો હતો. પીએમઓની ટીમમાં આવેલા અધિકારીઓએ અસરગ્રસ્‍તોને બદ્રીનાથના દરવાજા ખોલતા પહેલા બીકેટીસી રેસ્‍ટ હાઉસમાં આવાસ ફાળવવાની સૂચના પણ આપી હતી. બદ્રીનાથ ધામથી પાછા ફરતા, સ્‍પીકર જિલ્લા મેજિસ્‍ટ્રેટે હેમકુંડ સાહિબ તરફ જતા ગોવિંદઘાટ-પુલના રોડનું નિરીક્ષણ કર્યું. તેમણે અધિક્ષક ઇજનેર બીન ગોવિંદયાલને માર્ગના ક્ષતિગ્રસ્‍ત ભાગોને તાત્‍કાલિક સમારકામ કરવા અને મજૂરોની સંખ્‍યા વધારવા માટે નિર્દેશ આપ્‍યો હતો.

 

૧૦૦ વર્ષની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને કામ કરવામાં આવશે

મળતી માહિતી મુજબ, બદ્રીનાથ ધામ શિયાળામાં શ્રદ્ધાળુઓ માટે બંધ રહે છે, પરંતુ કેદારનાથ ધામની જેમ ૧૨ મહિના સુધી નિર્માણ કાર્ય ચાલુ રહેશે. ઋષિકેશ, કર્ણપ્રયાગ રેલ પ્રોજેકટ અને ચારધામ હાઈવે પ્રોજેકટ પર પણ કામ ચાલી રહ્યું છે. માસ્‍ટર પ્‍લાન હેઠળ આગામી ૧૦૦ વર્ષની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને વિકાસના કામો કરવામાં આવશે. તેના આધારે મુસાફરોની પ્રાથમિક અને સુવિધાઓ માટે જરૂરી વ્‍યવસ્‍થા કરવાની રહેશે. કુલ ૮૫ હેક્‍ટર જમીનમાં તબક્કાવાર કામગીરી કરવામાં આવશે.

આગામી ૨૦૨૫ સુધીમાં બદ્રિનાથધામને સ્‍માર્ટ આધ્‍યાત્‍મિક હિલ ટાઉન બનાવવાનો વડાપ્રધાનનો આ છે ડ્રીમ પ્રોજેકટ  નરેન્‍દ્રભાઇના નિર્દેશ પર બદ્રીનાથ ધામને કેદારનાથની જેમ વિકસાવવા માટે ડ્રીમ પ્રોજેક્‍ટ હેઠળ ૪૨૪ કરોડનો માસ્‍ટર પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો છે બદ્રીનાથ ધામના માસ્‍ટર પ્‍લાનનો સંપૂર્ણ નકશો ગુજરાત સ્‍થિત કંપની INI દ્વારા તૈયાર કરવામાં આવ્‍યો છે  ત્રણ તબકકામાં કરાશે બદ્રીનાથ ધામમાં તળાવોનું બ્‍યુટિફિકેશન, રસ્‍તાઓની વ્‍યવસ્‍થા, ભીડ વ્‍યવસ્‍થાપન, મંદિર અને ઘાટનું બ્‍યુટિફિકેશન, દેવ દર્શન સ્‍થળનું નિર્માણ, બદ્રીશ જંગલ, ભોજનાલય, આગમન પ્‍લાઝા, હોસ્‍પિટલનું

વિસ્‍તરણ, હેલીપેડ, પાર્કિંગની સુવિધા, રોડ અને રિવરફ્રન્‍ટ ડેવલપમેન્‍ટ, અલકનંદા નદી પર સ્‍કાયવોક વગેરે...

 

 

(4:07 pm IST)