Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

મવડીમાં બે બંગલા તોડી પાડી ૯ કરોડની જમીન ખુલ્લી

ચૂંટણીઓ પુરી થતાં જ બુલડોઝર ધણધણાવતા ઉદિત અગ્રવાલ : ન્યુ આકાશદિપ સોસાયટી અને પ્રમુખનગરમાં આવાસ યોજના તથા પ્લે ગ્રાઉન્ડના પ્લોટમાં મકાનો ખડકી દેવાયેલ : ટી.પી.ઓ. એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ ૨૪૯૪ ચો.મી. જમીન ખુલ્લી કરાવવા સવારથી જ ડીમોલીશન

રાજકોટ તા. ૨૬ : છેલ્લા ઘણા સમયથી મ.ન.પા.ની ચૂંટણીઓને કારણે શહેરમાં ગેરકાયદે દબાણો દુર કરવા માટે તંત્ર દ્વારા ડિમોલીશનની કાર્યવાહી બંધ રાખી હતી. હવે ચૂંટણીઓ પૂર્ણ થઇ છે ત્યારે આજથી ફરી બુલડોઝરની ધણધણાટી તંત્રવાહકોએ શરૂ કરી છે અને મવડીમાં મ.ન.પા.ના બે પ્લોટમાં ઉભા થઇ ગયેલા બે બંગલાઓને જમીનદોસ્ત કરી નંખાયા હતા.

વોર્ડ નં.૧રમાં ટાઉન પ્લાનીગ સ્કીમના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલના આદેશ અને માર્ગદર્શન અનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રી એમ. ડી. સાગઠીયા દ્વારા આજે તા. ૨૬-૦૨-૨૦૨૧ ના રોજ ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૪૯૪.૦૦ ચો.મી.ની અંદાજીત ૯.૯૭ કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો આ મુજબ છે.

ટી.પી. સ્કીમ નં.ર૧(મવડી), અંતિમખંડ નં.૩પ/સી S.E.W.S.H., ન્યુ આકાશદિપ શેરી નં.૩, જય સરદાર પાન વાળી શેરી, ઉમીયા ચોક પાસે, મવડીમાં ૨ - મકાન તોડી કુલ ૧૩૬૧.૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરી જેની કિંમત ૫,૪૪,૪૦,૦૦૦ જેટલી છે.

જ્યારે ટી.પી. સ્કીમ નં.ર૧(મવડી), અંતિમખંડ નં.ર૧/એ ૮સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ૯, પ્રમુખ નગર શેરી નં.૪, શ્રી ક્રિષ્ના મકાનની બાજુમાં, મવડી ખાતે ૧-મકાન તોડી કુલ ૧૧૩૩.૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરી જેની કિંમત ૪,૫૩,૨૦,૦૦૦ થાય છે. આમ કુલ ૨૪૯૪.૦૦ ચો.મી. અને રૂ. ૯.૯૭ કરોડની જમીન ખુલ્લી થઇ હતી.

આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના અધિકારી આસી. ટાઉન પ્લાનર આર. એન. મકવાણા, અજય એમ.વેગડ,  એ. જે. પરસાણા તથા આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, સર્વેયર, વર્ક આસીસ્ટન્ટ હાજર રહેલ, આ ઉપરાંત એસ.ડબલ્યુ.એમ. શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(3:19 pm IST)