Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કોરોનાથી લોહીના ગઠ્ઠા જામે છે અને લિવર-હૃદય-કિડની પર ગંભીર અસરો થાયઃ ડો. હેતલ કયાડા

ગુજરાતનું સોૈથી પહેલુ અને દેશનું બીજુ ઓટોપ્સી સેન્ટર રાજકોટમાં: એક વર્ષમાં સોૈથી વધુ ૩૪ ઓટોપ્સી થઇ : રાજકોટ સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ફોરેન્સિક વિભાગના વડા ડો. કયાડા અને ટીમે છ રિસર્ચ પેપર તૈયાર કરી અમેરિકા-બ્રિટન મોકલ્યા

રાજકોટ તા. ૨૬: કોરોના મહામારીને એક વર્ષ પુરૂ થઇ રહ્યું છે અને હજુ પણ કોરોના નવા સ્વરૂપે અને જુના સ્વરૂપે ધુણી રહ્યો છે. નવા દર્દીઓ સામે આવી રહ્યા છે અને મોતના મુખમાં પણ ધકેલાઇ રહ્યા છે. કોરોના માણસના શરીરના અવયવો હૃદય કિડની લિવર પર કેવી ગંભીર અસર કરે છે? તે જાણવા માટે કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના પોસ્ટમોર્ટમ કરી એટલે કે ઓટોપ્સી કરી રિસર્ચ કરવાનું શરૂ થયું હતું. ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં બીજુ ઓટોપ્સી સેન્ટર રાજકોટથી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં ૭મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ શરૂ થયું હતું. અત્યાર સુધીમાં દેશમાં કુલ ૧૨૫ ઓટોપ્સી થઇ છે. તેમાંથી સોૈથી વધુ ૩૪ ઓટોપ્સી રાજકોટમાં કરવામાં આવી છે. તેના સંશોધન પરથી જાણવા મળ્યું હતું કે ૩૨ થી માંડી ૯૫ વર્ષ સુધીના કોરોનાગ્રસ્ત માનવીના શરીરમાં કોરોના બાદ લોહીના ગઠ્ઠા જામવા માંડે છે અને લિવર, કિડની, હૃદય પર તેની ગંભીર અસરો થાય છે.

 ઓટોપ્સી સેન્ટરના વડા અને પોતાની ટીમ સાથે મળી ૩૪ ઓટોપ્સી કરનાર ડો. હેતલ કયાડાએ  કહ્યું હતું કે અમે ૩૪ ઓટોપ્સી કરીને છ જટલા રિસર્ચ પેપર તૈયાર કર્યા છે જે જર્નલ ઓફ મેડિકલ અમેરિકા અને જર્નલ ઓફ મેડિકલ બ્રિટન ખાતે મોકલવામાં આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા તરીકે  ડો.હેતલ કયાડા ફરજ બજાવે છે. તેમના કહેવા મુજબ દેશમાં સોૈ પહેલું ઓટોપ્સી સેન્ટર ભોપાલ એઇમ્સ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોના દર્દીના મૃતદેહ પર ઇચ એન્ડ એવરી ઓટોપ્સી રિસર્ચ કરવામાં આવ્યું છે. જયારે કે અમદાવાદમાં માત્ર ફેફસા, હૃદય અને સ્નાયુનું ઓટોપ્સી રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.

જે કોરોનાગ્રસ્ત ૩૪ મૃતકોની ઓટોપ્સી થઇ છે તેમાં બત્રીસ વર્ષના યુવાનથી લઇને પંચાણુ વર્ષના વૃદ્ઘાનો સમાવેશ થાય છે. જે સંશોધન થયું છે તેના પરથી એવું તારણ નીકળ્યું છે કે કોરોનાથી દર્દીને શરીરમાં લોહીના ગઠ્ઠા થાય છે અને તેના કારણે લિવર, કિડની, હૃદય પર ગંભીર અસરો થાઇ શકે છે. ઓટોપ્સી માટે કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહો મળે તે ખુબ જરૂરી હતું. પ્રારંભે મૃતકોના સ્વજનો આ માટે સહકાર આપતાં નહોતાં. પરંતુ બાદમાં સતત અપીલોની અસર થઇ હતી અને લોકો પોતાના સદ્દગત સ્વજનોના મૃતદેહો ઓટોપ્સી માટે આપવા માંડ્યા હતાં. એક ઓટોપ્સી રિસર્ચ કરવામાં અંદાજિત ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે. આ ઓટોપ્સી રિસર્ચ નેગેટિવ પ્રેશર ધરાવતા રૂમની અંદર ડોકટર પીપીઇ કિટ પહેરીને કરે છે.

ડો. કયાડા પ્રારંભે તો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતાં હતાં. પણ એ પછી ઓટોપ્સી સેન્ટર શરૂ થતાં તેમાં તેમણે મુખ્ય ભુમિકા નિભાવી છે. સંશોધન દરમિયાન કોરોનાની ગંભીર અસર જોઇ તેઓ સ્તબ્ધ થઇ ગયા હતાં. તેઓ પોતે પણ કોરોનાગ્રસ્ત થઇ ગયા હતાં. નિયમ મુજબ આઇસોલેટ પણ રહ્યા હતાં. ઓટોપ્સી કઇ રીતે થાય  છે તે અંગે તેમણે કહ્યું હતું કે  શરીરના બધા જ અવયવોમાથી સેમ્પલ લેવામાં આવે છે.  જેમાં મગજ, ફેફસાં, યકૃત, કિડની, ફલૂડ, હૃદય, પેટમાં રહેલું પાણી, બ્લડની અંદરના કોમ્પોનન્ટ અને સ્નાયુનો સમાવેશ થાય છે.ે એકપણ સેમ્પલ ચુકાય નહિ તેનું ધ્યાન રખાય છે. એ પછી સેમ્પલને ચાર દિવસ સુધી કેમિકલમાં રાખવા પડે છે. આ માટે ખુબ લાંબી પ્રક્રિયા હોય છે.

ઓટોપ્સી રૂમની અંદર ઇન્ફેકશન કંટ્રોલ રાખવાના હોય છે. ટેમ્પરેચર સાથે કોઈ લેવાદેવા હોતું નથી. પીએમ કરનાર અને રૂમની આજુબાજુ ઈન્ફેકશન ફેલાય નહિ તેની ખાસ તકેદરાી રખાય છે.  આ વાયરસ હવામાં નથી ફેલાતો. જો એર બોન્ડ ડિઝીઝ હોય તો વાયરસ હવામાં ફેલાય, પરંતુ આ વાયરસમાં એર બોન્ડ ડિઝીઝ નથી.

ડો. કયાડાના કહેવા મુજબ કોરોના વેકિસન હવે આવી ચુકી છે અને તેના ડોઝ પણ અપાઇ રહ્યા છે. આ રસી સો ટકા અસરકારક છે અને દરેક લોકોએ રસી લેવી જરૂરી છે.

(11:43 am IST)