Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

રૈયા રોડ અન્ડર બ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયાઃ કિસાનપરાનો મુખ્ય રસ્તો બંધ પછી હવે પાણી ભરાઇ જવાને કારણે ચર્ચાના ચગડોળે ચડ્યો અન્ડર બ્રિજ

રાજકોટઃ શહેરમા છ દિવસ પહેલા જ મુખ્યમંત્રીશ્રીના હસ્તે જેનું લોકાર્પણ થયું છે એ રૈયા રોડ આમ્રપાલી ફાટકનો અન્ડર બ્રિજ લોકાર્પણના બીજા જ દિવસથી ચર્ચાના ચગડોળે ચડ્યો છે. કારણ કે રૈયા રોડથી કિસાનપરા ચોકમાં પહોચતા જ આગળ જીલ્લા પંચાયત તરફ જવાનો મુખ્ય રસ્તો જ  તંત્રવાહકોએ કોઇપણ જાતનો વિચાર કર્યા વગર બંધ કરી દીધો છે અને હજારો વાહન ચાલકોને હાલાકીમાં ધકેલી દીધા છે. મેયર બંગલા પાસે યુ-ટર્ન લેતી વખતે વાહનો એક બીજા સાથે અથડાતા માંડ બચે છે અને ઘણીવાર તો ઓચીંતા યુ-ટર્ન લેનાર વાહનની પાછળ બીજુ વાહન અડી પણ જાય છે. આવી એકપણ મુશ્કેલીની દરકાર તંત્રવાહકો કરી રહ્યા નથી. ત્યાં આજે આ અન્ડરબ્રિજમાં વગર વરસાદે સવારના પ્હોરમાં પાણી ભરાઇ જતાં અનેક ટુવ્હીલર ચાલકો ભીના થઇ ગયા હતાં. કેટલાક રિક્ષાવાળાઓ તો રિક્ષા ધોવા પણ પહોચી ગયા હતાં. પાણી ક્યાંથી આવ્યું તે ખબર પડી નહોતી. મુખ્ય રસ્તો બંધ થવાને કારણે ચર્ચાના ચગડોળે ચડેલો આ અન્ડર બ્રિજ હવે પાણી ભરાઇ જવાને કારણે વધુ એક વખત ચર્ચાએ ચડ્યો છે.

(12:20 pm IST)