Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

શહેરોમાં પ્રભુત્વ માટે ભારે બદલાવ લાવશે કોંગ્રેસ

લોકસભાની ચુંટણી પહેલા ઘડાશે 'સોલીડ' રણનીતીઃ નગર પાલીકાઓ પાર્ટી સીમ્બોલ પર લડાશે : રાજકોટ સહિત પાંચ શહેર પ્રમુખો બદલાશેઃ શહેરી મતદારોની લાગણી જીતવા માટે 'માસ્ટર પ્લાન' !

રાજકોટ, તા. ૨૫ :. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં મળેલ હારને પણ જીત ગણીને આગામી લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ ખભ્ભા ઉંચકનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ અણસાર આપ્યો છે કે, ગુજરાતમાં શહેરી મતદારોનો પ્રેમ જીતવા શહેરો માટે અલગ રણનીતિ ઘડાશે. નગરપાલિકાઓની ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ પર લડાશે અને શહેરી મતદારોને આકર્ષવા અલગ માસ્ટરપ્લાન ઘડાશે.

 

દરમ્યાન પ્રદેશ નેતાગીરીએ શહેરો માટે કોંગ્રેસ ખાસ કિસ્સામાં તૈયારી કરશે તેમ તૂર્તમાં અમદાવાદ, રાજકોટ, જામનગર સહિત પાંચ શહેરોમાં શહેર કોંગ્રેસ પ્રમુખો બદલાવશે તથા સંગઠનમાં ધરમૂળથી ફેરફારો કરાશે તેવોે નિર્દેશ આપ્યો છે.

પ્રદેશ કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણી પહેલા શહેરી સંગઠનમાં ધરમૂળથી બદલાવ કરવામાં આવશે. ઉપરાંત ઘણુ બધુ અલગ રીતે વિચારવામાં આવશે.

મળતા અહેવાલો મુજબ તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે રાજ્યના તમામ શહેરોમાં જોરદાર પછડાટ ખાધી છે. જાણે કે શહેરના ૬૦ ટકા મતદારો કોંગ્રેસથી વિમુખ થઈ ગયા હોય તેમ જણાતા કોંગ્રેસ મોવડી મંડળ ચોંકી ઉઠયુ છે અને આગામી લોકસભા ચૂંટણીમાં સ્વમાનજનક પ્રદર્શન કરવુ હશે તો નવેસરથી વિચારવું પડશે તેવી ચર્ચા થઈ હતી.

અમદાવાદ સહિત અમુક શહેરોમાં અલગ ઝોન પાડીને અલગ પ્રમુખો પણ નિમવા વિચારણા થઈ છે. ટૂંકમાં શહેરના સંગઠનોમાં આમુલ ફેરફારો આવી રહ્યા છે.આ ઉપરાંત ગામડાઓ કરતા શહેરોમાં આંતરીક જુથબંધી એ પણ કોંગ્રેસના નબળા પ્રદર્શનમાં મોટો ભાગ ભજવ્યો હોવાનું જણાતા રાહુલ ગાંધીએ પણ પક્ષ વિરોધી પ્રવૃતિની નોંધ લીધી છે.(૨-૨૩)

 

(3:22 pm IST)