Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અમૂલને ૭૦ એકર જમીન ફાળવવા દરખાસ્ત મંગાવતા કલેકટર

તાલુકા મામલતદારને ૧ મહિનામાં કાર્યવાહી પૂરી કરવા સૂચના : આણંદપર સર્વે નં. ૨૦૭ અને સોખડા સર્વે નં. ૧૦૯માંથી જમીન અપાશે : ૧ ટકો પ્રોસેસ ફી (લાખો રૂ.) વસૂલાશે : DILRએ કાચી માપણી કરી : ૧૪ ઇંટોના ભઠ્ઠાનું દબાણ ઉભુ છે : અમૂલ દૈનિક ૨૫ લાખ લીટર દૂધ ઉત્પાદન કરશે

રાજકોટ તા. ૨૫ : રાજકોટને એઇમ્સ - હિરાસર એરપોર્ટ સહિતની સુવિધા મળી હવે ગાંધીનગરમાં એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ ધરાવતી અમૂલ ડેરી રાજકોટના દરવાજા ખટખટાવી રહી છે.

કલેકટર કચેરીના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અમૂલ ડેરીએ આણંદપર - સોખડામાં ૪૦ થી ૭૦ એકર પ્લાન્ટ માટે જગ્યા માંગી છે, જ્યાં અમૂલ ડેરી દૈનિક ૨૦ થી ૨૫ લાખ લીટર દૂધ ઉત્પાદનનો પ્લાન્ટ ઉભો કરશે, પરિણામે ગાંધીનગરથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કંપનીને બચી જશે, તેમજ દર વર્ષે ૧૦ ટકા ગ્રોથ વધે તેવી શકયતા ઉપર પણ કાર્યવાહી થશે.

અમૂલ ડેરીના અધિકારીઓએ કલેકટર પાસે આ જમીન માંગણી અંગે અરજી કર્યા બાદ કલેકટરશ્રી રેમ્યા મોહને તાકિદે નિર્ણય લઇ રાજકોટ તાલુકા મામલતદારને આણંદપર (નવાગામ) સર્વે નં. ૨૦૭ અને સોખડા સર્વે નં. ૧૦૯ની સરકારી ૪૦ થી ૭૦ એકર જમીનની પ્રક્રિયા પૂરી કરી તાકીદે દરખાસ્ત કરવા આદેશ કરતા તાલુકા મામલતદારશ્રી કથિરીયાએ કાર્યવાહી શરૂ કરી છે.

આજે 'અકિલા' સાથેની વાતચીતમાં શ્રી કથિરીયાએ જણાવેલ કે, ઉપરોકત બંને સર્વે નંબરની થઇને કુલ ૪૦ થી ૭૦ એકર વચ્ચે જમીન ફાળવણી અંગે દરખાસ્ત કરાશે, એક મહિનામાં આ પ્રક્રિયા પૂરી કરી લેવાશે. આ માટે ડીઆઇએલઆર દ્વારા કાચી માપણી કરી લેવાઇ છે, હવે ખરી માપણી થશે.

આ ઉપરાંત અમૂલ ડેરી પાસેથી સોખડા અને આણંદપરમાં ચાલતી જંત્રી પ્રમાણે ૧ ટકા પ્રોસેસ ફી અનુક્રમે ૩૩ અને ૩૫ રૂપિયા એક ચોરસમીટર લેખે વસૂલાશે, તે ઉપરાંત જમીન સમથળ, દબાણ છે કે કેમ, કોઇ વાદ-વિવાદ છે કે કેમ વિગેરે બાબતો ચકાસી બાદમાં કલેકટરને દરખાસ્ત કરાશે.

અત્રે એ નોંધનીય છે કે ઉપરોકત જમીનમાં પ્રાથમિક નિરીક્ષણમાં ૧૪ જેટલા ઇંટોના ભઠ્ઠાનું દબાણ હોવાનું ખૂલ્યું છે તે દૂર કરવા અંગેની પ્રક્રિયા થશે, આ ઇંટોના ભઠ્ઠામાં પણ વિવાદ છે અને હાલ પ્રાંત પાસે કેસ પણ ચાલી રહ્યા છે.

(3:24 pm IST)