Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અમદાવાદમાં સગીરાના અપહરણના ગુનામાં ફરાર યુપીનો શીવમ રાજકોટમાં પકડાયો

આજી ડેમ પોલીસે યુપીના શખ્સને આજી ડેમ નજીકથી દબોચ્યો

રાજકોટ તા. રપ :.. અમદાવાદમાં સગીરાના અપહરણના ગુનામાં ફરાર ઉતર પ્રદેશના શખ્સને રાજકોટ આજી ડેમ નજીકથી આજી ડેમ પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસપી એચ. એલ. રાઠોડે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી કર્ફયુ અંગેની અમલવારી કરવા તેમજ ગુમ અને અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે સુચના  આપતા આજી ડેમ પોલીસ મથકના પીઆઇ વી. જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. ડી. વાળા, એ.એસ.આઇ. રવીરાજસિંહ જાડેજા, કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા, અને કાનજીભાઇ જારીયા સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે આજી ડેમ નજીક શીવ હોટલ પાસેથી એક યુવક અને એક યુવતી બંને મળી આવતા પોલીસે યુવકનું નામ પૂછતા તેણે પોતાનું નામ શિવમ કપ્તાનસિંહ (ઉ.રર) (રહે. રાજકોટ મુળ ઇન્દ્રનગર જલસેર રોડ ફિરોઝાબાદ (ઉત્તર પ્રદેશ) જણાવ્યું હતું. બંને ગભરાયેલા હોવાથી પોલીસે બંનેને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા શિવમ પોતાની સાથે આવેલી સગીરાને તે અમદાવાદ ના બાપુનગર વિસ્તારમાંથી લલચાવી ફોસલાવી ભગાડીને લઇ આવ્યો હોવાનું જણાવતા તે બાબતે પોલીસે અમદાવાદ ખરાઇ કરતા અમદાવાદના કોટડા પોલીસ મથકમાં શીવમ વિરૂધ્ધ અપહરણનો ગુના દાખલ થયો હોવાનું જાણવા મળતા આજી ડેમ પોલીસે તેને પકડી અમદાવાદ પોલીસને સોંપ્યો હતો.

(2:36 pm IST)