Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ગાંધીગ્રામમાં રસ્તો ઓળંગતી વખતે બેભાન થઇ જતાં મગનભાઇનું મોત

બેભાન હાલતમાં સફાઇ કામદાર દિનેશભાઇ વાઘેલા, ભીમરાવનગરના દિપકભાઇ રાઠોડ તથા નારાયણનગરના અમરજીત યાદવનું મોત

રાજકોટ તા. ૨૫: બેભાન હાલતમાં ચાર લોકોના મૃત્યુ થયા હતાં. જેમાં ગાંધીગ્રામ-૪માં રહેતાં મગનભાઇ ચુનીભાઇ પરમાર (ઉ.વ.૫૦) સાંજે ચારેક વાગ્યે નાણાવટી ચોક પાસે રસ્તો પસાર કરતી વખતે બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃતક ત્રણ ભાઇમાં મોટા હતાં અને કુંવારા હતાં. હેડકોન્સ. ઘેલુભાઇ શિયાર અને મહેશભાઇ કછોટે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં જામનગર રોડ લાખા બાપાની વાડી પાસે સ્લમ કવાર્ટરમાં રહેતાં અને આર.એમ.સી.માં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં દિનેશભાઇ મોહનભાઇ વાઘેલા (ઉ.વ.૪૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા  બનાવમાં સંત કબીર રોડ પર કબીર ટેકરી સામે ભીમરાવનગર-૩માં રહેતાં દિપકભાઇ શંકરભાઇ રાઠોડ (ઉ.વ.૪૫)ને કેન્સરની બિમારી હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. દિપકભાઇ યાર્ડમાં મજૂરી કરતાં હતાં અને અપરિણીત હતાં.

ચોથા બનાવમાં અટીકા સાઉથ નારાયણનગર-૧૧માં રહેતો મુળ બિહારનો અમરજીત સુખદેવભાઇ યાદવ (ઉ.વ.૩૦) રાતે ઘર પાસે બેભાન થઇ જતાં ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના ઇએમટીએ તેને મૃત જાહેર કરતાં ભકિતનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. નિલેષભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને કમળાની બિમારી હતી અને જાહેર શોૈચાયલમાં કામ કરતો હતો.

(12:55 pm IST)