Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

સિવિલ કોવિડમાં ફરજ બજાવતાં તબિબોને ૭ દિવસ નોકરી બાદ ૩ દિવસ આઇસોલેશન બંધ

પ્રારંભે આ પ્રક્રિયા હતીઃ પરંતુ હવે પોઝિટિવ આવે તો જ હોમઆઇસોલેશન કરવામાં આવે છેઃ કેસો વધી જતાં રોટેશન મુજબ સળંગ નોકરીનો નિયમ લાંબા સમયથી અમલમાં

રાજકોટ તા. ૨૫: સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરમાં પ્રારંભે એવો નિયમ હતો કે જે તબિબોએ સતત સાત દિવસ કોવિડ કેર સેન્ટરમાં નોકરી કરી હોઇ તેને બાદમાં ત્રણ દિવસ માટે હોમ આઇસોલેશન માટે રજા અપાતી હતી. પરંતુ આ નિયમ હવે અમલમાં નથી. આ કારણે કોવિડમાં સાત દિવસ સળંગ ફરજ બજાવ્યા બાદ તબિબોને તુરત જ બીજી ઓપીડીમાં નોકરી કરવી પડે છે.

કોવિડના કેસો પ્રારંભમાં ઓછા હતાં ત્યારે કોવિડ કેર સેન્ટરમાં જે તબિબોને ફરજ સોંપવામાં આવી હોઇ તેમને નિયમ મુજબ સતત સાત દિવસ અહિ જ ફરજ બજાવવાની હતી. સાત દિવસ પુરા થાય પછી આ તબિબોને ત્રણ દિવસ માટે હોમ આઇસોલેશનની ફેસીલીટી આપવામાં આવતી હતી. પરંતુ હવે સાત દિવસ પુરા થયા બાદ મળતી ત્રણ દિવસની રજા પર કામ મુકાયો છે અને કોવિડના સાત દિવસ પુરા કર્યા પછી તુરત જ બીજી રૂટીન ઓપીડીમાં તબિબોને ફરજ સોંપવામાં આવે છે.

જાણકારના કહેવા મુજબ પ્રારંભે કેસો ઓછા હતાં એટલે ત્રણ દિવસ હોમ આઇસોલેશનની સુવિધા તબિબોને અપાતી હતી. પરંતુ કેસો વધી ગયા ત્યારથી એટલે કે ઘણા મહિનાઓથી હવે સળંગ નોકરી લેવામાં આવી રહી છે. જો ફરજ દરમિયાન તબિબ કોરોનાથી સંક્રમીત થાય તો જ રજા આપવામાં આવે છે. રાજકોટમાં ફરીથી કેસો વધ્યા હોઇ જેથી હાલના તબક્કે આ નિયમનો અમલ હાલ શકય નથી. વળી થોડા દિવસ પહેલા જ પાંત્રીસ જેટલા તબિબોને અમદાવાદ મોકલવામાં આવ્યા હોઇ તે કારણે હાલ સળંગ ફરજ લેવામાં આવી રહી છે. કેસો ઘટે ત્યારે ફરીથી સાત દિવસ પછીના ત્રણ દિવસ હોમ આઇસોલેશનની સુવિધા મળવી જોઇએ તેવી તબિબોની લાગણી છે.

(11:34 am IST)