Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

કાલે શ્રાધ્‍ધ પૂર્ણ : સોમવારથી નવલા નોરતાનો પ્રારંભ

કાલે છેલ્લા દિવસે બધા જ પિતૃઓનુ શ્રાધ્‍ધ અર્પણ કરવા માટેનું મહાપર્વ : પ્રાચીન - અર્વાચીન રાસોત્‍સવની રમઝટ બોલશે : ભાવિકો નવરાત્રીમાં અનુષ્‍ઠાન કરશે

રાજકોટ તા. ૨૪ : કાલે શ્રાધ્‍ધ પક્ષ પૂર્ણ થશે અને સોમવારથી નવલા નોરતાનો પ્રારંભ થશે. દરરોજ પ્રાચીન - અર્વાચીન રાસોત્‍સવની રમઝટ બોલશે.

નવરાત્રીમાં ભાવિકો દ્વારા માતાજીની આરાધના સાથે અનુષ્‍ઠાન કરવામાં આવશે.

ભાદરવા મહિનાના વદ પક્ષની અમાસ ૨૫ સપ્‍ટેમ્‍બરના રોજ છે. જે લોકો પિતૃ પક્ષમાં શ્રાદ્ધ-તર્પણ કરી શકતા નથી કે જેમને પોતાના પૂર્વજોની મૃત્‍યુ તિથિ યાદ ન હોય તેવા લોકોએ આ દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ. આવું કરવાથી પિતૃઓ આખા વર્ષ માટે સંતુષ્ટ થઈ જાય છે. આથી જ આ દિવસને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે. પિતૃ પક્ષની અમાસના દિવસે બધા જ પિતૃઓનું વિસર્જન થાય છે. એટલે આ દિવસને પિતૃવિસર્જની અમાસ પણ કહેવામાં આવે છે.

 શાષાોમાં ઉલ્લેખવામાં આવેલ પિતૃ ઋણ વધી જાય છે. એટલે સર્વપિતૃ અમાસના દિવસે જળ, તલ, જવ, કુશા અને ફૂલથી તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ. પછી ગાય, કૂતરા, કાગડા અને કીડીનું ભોજન અલગ કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આવું કરવાથી પિતૃ ઋણ ઉતરી જાય છે.

જયારે સૂર્ય કન્‍યા રાશિમાં હોય, ત્‍યારે પિતૃઓને તૃપ્ત કરતી સામગ્રીઓ દાન આપવાથી સ્‍વર્ગ મળે છે. યાજ્ઞવલ્‍ક્‍ય અને યમ સ્‍મૃતિમાં ઉલ્લેખવામાં આવ્‍યું છે કે આ ૧૬ દિવસોમાં પિતૃઓ માટે ખાસ પૂજા અને દાન કરવું જોઈએ. આ સિવાય પુરાણોની વાત કરવામાં આવે તો બ્રહ્મ, વિષ્‍ણુ, નારદ, સ્‍કંદ અને ભવિષ્‍ય પુરાણમાં શ્રાદ્ધપક્ષ દરમિયાન પિતૃઓની પૂજાનો ઉલ્લેખ છે.

ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્‍યું છે કે શ્રાદ્ધ શરૂ થતાં જ પિતૃ મૃત્‍યુલોકમાં પોતાના વંશજોને જોવા માટે આવે છે અને તર્પણ ગ્રહણ કરીને પાછા ફરે છે. એટલે આ દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન, બ્રાહ્મણ ભોજન અને અન્‍ય પ્રકારનું દાન કરવામાં આવે છે. પિતૃઓનું પૂજન કરનાર દીર્ઘાયુ, મોટા પરિવારના, યશ, સ્‍વર્ગ, પુષ્ટિ, બળ, લક્ષ્મી, પશુ, સુખ-સાધન તથા ધન-ધાન્‍ય પ્રાપ્ત કરે છે

ગ્રંથોમાં જણાવ્‍યા પ્રમાણે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. તેમના આશીર્વાદ મળે છે. આપણું સૌભાગ્‍ય અને વંશ પરંપરા વધે છે. ઘરમાં સુખ અને શાંતિ રહે છે. પરિવારમાં બીમારીઓ વધતી નથી. ધર્મ-કર્મમાં રસ વધે છે. પરિવારમાં સંતાન પુષ્ટ, આયુષ્‍યમાન અને સૌભાગ્‍યશાળી થાય છે. પિતૃઓનું પૂજન કરનાર દીર્ઘાયુ, મોટા પરિવારના, યશ, સ્‍વર્ગ, પુષ્ટિ, બળ, લક્ષ્મી, પશુ, સુખ-સાધન તથા ધન-ધાન્‍ય પ્રાપ્ત કરે છે.

(3:06 pm IST)