Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

બનાવટી આર.સી. બુકના આધારે બેંક સાથે દોઢ કરોડનું લોન કૌભાંડ કરવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ્દ

આરોપીએ એક જ વાહન ઉપર જુદી-જુદી ૭ બેંકો પાસે આર.સી. બુક રજુ કરી છેતરપીંડી કરી છે : ગંભીર ગુનો છે : જામીન આપી શકાય નહિ : કોર્ટ

રાજકોટ તા. ૨૫ : રાજકોટના અધિક સેશન્‍સ જજ શ્રી પ્રશાંત જૈને એક જ બસની સાત જુદી જુદી આર.સી. બુકો બેંક પાસે રજુ કરી દોઢ કરોડની લોનની ઉચાપત કેસમાં આરોપી વિપુલગીરી ભાણગીરી ગૌસ્‍વામીની જામીન અરજી રદ કરતા ઠરાવેલ છે કે, આરોપી બેંકની લેણી રકમના ભરે તેવી શકયતા નહીવત છે ત્‍યારે જામીન મંજુર કરી શકાય નહિ.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, આરોપી વિપુલગીરી ભાણગીરી ગૌસ્‍વામીએ પોતાના ભાઈ ભોલુગીરી ગૌસ્‍વામીને લોન અપાવવામાં મદદગારી કરવા માટે લોનના જામીનદાર બનેલ હતા. આ વ્‍યવહારમાં આરોપી ભોલુગીરી ભાણગીરી ગૌસ્‍વામીએ એચ.ડી.એફ.સી.બેંક પાસેથી બસ ઉપર ૧પ-લાખની લોન લેવા માટે બસની આર.સી.બુક રજુ કરેલ હતી. આ વ્‍યવહારમાં વિપુલગીરી ગૌસ્‍વામી લોનની પરત ચુકવણી માટે જામીન થયેલા હતા. આ મુજબ વિપુલગીરી ગૌસ્‍વામીના ભાઈએ બસ ઉપર એક કરોડની કુલ સાત લોનો મેળવેલ હતી. લોનના હપ્‍તાઓની ચુકવણી ન થતા બેંકે બસો જપ્‍ત કરવાની કાર્યવાહી શરૂ કરતા ઘ્‍યાન ઉપર આવેલ કે, આરોપી ભોલુગીરી ગૌસ્‍વામીએ જે સાત આર.સી. બુકો રજુ કરેલ છે તે ખરેખર એક જ બસની છે.

અરૂણાચલ પ્રદેશમાંથી ભંગાર થયેલી બસોની આર.સી.બુક રાજકોટ આર.ટી.ઓ.માં ટ્રાન્‍સફર કરાવી આરોપી ભોલુગીરીએ લોનો લીધેલ હતી. બેંક પાસે વેલ્‍યુએશન માટે જયારે બસ રજુ કરવામાં આવતી તે જુદા જુદા દિવસે એક જ બસ રજુ થતી હતી. આ મુજબ આરોપી ભોલુગીરી ગોસ્‍વામીએ બેંક સાથે દોઢ કરોડની જે છેતરપીંડી કરેલ હતી તે અસ્‍તિત્‍વમાં ન હોય તેવી બસોની આર.સી. બુકો રજુ કરીને કરેલ હતી.

આ વ્‍યવહારમાં ભોલુગીરી ગોસ્‍વામીના જામીન તરીકે તેના ભાઈ વિપુલગીરી ગોસ્‍વામી હતા. વિપુલગીરી ગૌસ્‍વામીની જામીન અરજીની સુનવણી વખતે સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ હતી કે, બેંક સમક્ષ રજુ થયેલ બસો ખરેખર સાત નહી પરંતુ એક જ હતી તેમજ લોનના હપ્‍તા ભરપાઈ કરવામાં આવેલ નથી તે બંને બાબતો બિનતકરારી છે ત્‍યારે જામીનદાર વિપુલગીરી ગૌસ્‍વામી બેંકના નાણા ભરવા માટે કોઈ તૈયારી દર્શાવતા નથી. આ ઉપરાંત પોતાના ભાઈના આવા કૌભાંડમાં સ્‍વૈચ્‍છાએ જામીન પડેલ હોય ત્‍યારે જામીનદાર પોતે પણ છેતરપીંડીથી બેંકના નાણાની ઉચાપતમાં મુખ્‍ય આરોપી ભોલુગીરી જેટલા જ જવાબદાર છે.

તેથી આવા નાણાની ઉચાપતમાં ન્‍યાય અદાલતે ખુબ જ સખ્‍ત વલણ દાખવવુ જરૂરી છે. શ્રી સરકાર તરફેની આ રજુઆતોના અંતે સેશન્‍સ અદાલતે જામીનદાર વિપુલગીરી ગૌસ્‍વામીની રેગ્‍યુલર જામીન અરજી રદ કરેલ છે.  

સરકાર તરફે આ કેસમાં જિલ્લા સરકારી વકિલ શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

(4:32 pm IST)