Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

હત્‍યાના પ્રયાસના ગુનામાં ધોરાજી કોર્ટ દ્વારા આરોપીની વચગાળાની જામીન અરજી રદ

રાજકોટ : તા.૨૫ સુનિયોજિત કાવતરું રચી ધોળા દિવસે હત્‍યાનાં પ્રયાસનાં ગુન્‍હામાં મુખ્‍ય આરોપીના વચગાળાનાં જામીન ધોરાજીની સેશન્‍સ કોર્ટ રદ કર્યા હતા.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આરોપી સાજીદ દાઉદ પટ્ટાને તેની પત્‍નીને આ કેસમાં મુળ ફરિયાદી સાથે સંબંધો હોવા અંગે શંકા હોય જેથી આરોપીએ આ કેસના અન્‍ય આરોપીઓ દિલાવર અનવર બુકેરા, વૈકુંઠ ચંદુભાઇ ચૌહાણ અને દિલાવર કાસમ વિશાળ સાથે મળી ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઇપ તથા છરીનાં ૧૨ ઘા મારી ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કરેલ જે અંગેની ફરિયાદ ભાયાવદર પોલીસ સ્‍ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૫૦૪, ૫૦૬, ૪૪૮, ૧૧૪ તથા ગુજરાત પોલીસ એકટની કલમ-૧૩૫ મુજબ નોંધાયેલ. આ ગુન્‍હાના કામનો મુખ્‍ય આરોપી સાજીદ દાઉદપટ્ટા જે હાલ મધ્‍યસ્‍થ જેલ-રાજકોટ ખાતે કાચા કામના કેદી તરીકે હોય જેને રેગ્‍યુલર જામીન પર મુકત થવા માટે ચાર્જસીટ બાદ ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી કરેલ.

સરકાર તરફે કાર્તિકેય પારેખ તથા મુળ ફરિયાદીનાં એડવોકેટ તુષાર વાઘેલાની દલીલો તેમજ રજૂ કરવામાં આવેલ દસ્‍તાવેજી  પુરાવાઓ અને સુપ્રીમ કોર્ટ તેમજ હાઇ કોર્ટના વિવિધ ચુકાદાઓને સેશન્‍સ કોર્ટ ધોરાજીએ ગ્રાહ્ય રાખી આરોપી સાજીદ દાઉદ પટ્ટની વચગાળાની જામીન અરજી ધોરાજી કોર્ટ નામંજૂર કરેલ છે. આ સેશન્‍સ કેસના કામે સરકાર પક્ષે કાર્તિકેય પારેખ તથા મુળ ફરિયાદી વતી રાજકોટના એડવોકેટ તુષાર વાઘેલા તથા મયુરી પરમાર રોકાયેલા છે.

(4:26 pm IST)