Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ભારતીય સંસ્‍કૃતિમાં લગ્ન એ બે વ્‍યકિત સાથેનો સંબંધ નહિ, બે પરિવારો સાથેનો સંબંધ છેઃ પૂજય ભૂપેન્‍દ્રભાઇ

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં પૂજય શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાની અમૃતવાણી : શ્રી રામકથા દિવ્‍ય જિંદગીની ખોજ છે, આવા સત્‍સંગો માનવીની મહેચ્‍છાઓ પૂર્ણ કરે છે : સીતા-રામના વિવાહ, ધરતી અને આકાશનું મિલન છે

સુપ્રસિધ્‍ધ શ્રી જગદ્દગુરૂ શંકરાચાર્યજીના શિષ્‍ય ગણાતા અને ખૂબ ધાર્મિક - સેવાકીય-સામાજીક કાર્યોના પ્રેરણાષાોત પૂજય યતિ શ્રી બ્રહ્મદેવ મહારાજે (જયગીરનારી માનવ સેવા-ગૌ સેવા આશ્રમ ટ્રસ્‍ટ, કુવાડવા રોડ) શ્રી રામકથાનું શ્રવણ કરીને પૂજયશ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયાને વંદન કર્યા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે.

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ઐતિહાસિક-પવિત્ર શ્રી રામકથામાં ગઇકાલે સાંસ્‍કૃતિક કાર્યક્રમ દરમ્‍યાન સુપ્રસિધ્‍ધ હાસ્‍ય કલાકાર - સાહિત્‍યકાર શ્રી સાંઇરામ દવેએ ભારે જમાવટ કરી હતી તેની તસ્‍વીર. જાણીતા શો ડીઝાઇનર અને થીયેટર પર્સનાલિટી શ્રી વિરલ રાચ્‍છે પણ હજ્‍જારો શ્રોતાઓને  જકડી રાખ્‍યા હતા. ઇન્‍સેટ તસ્‍વીરમાં રહેલ જાણીતા કટાર લેખક અને વકતા શ્રી જવલંત છાંયાએ પણ માહિતીપ્રદ અને રસપ્રદ વ્‍યાખ્‍યાન આપ્‍યું હતું.

રાજકોટ તા. રપ :.. રાજકોટ લોહાણા મહાજન દ્વારા રાજકોટના આંગણે યોજાયેલ ઐતિહાસિક અનોખી અને પ્રેરણાદાયી શ્રી રામકથા શ્રવણનો રાજકોટના લોકો વિશાળ સંખ્‍યામાં લાભ લઇને ધન્‍યતા અનુભવી રહ્યા છે.

લોકોની માનસિકતામાં સમયને અનુરૂપ બદલાવ અને પાયા વિહીન માન્‍યતાઓમાં પરિવર્તન લાવી શકે તેવી શ્રી રામકથાના આયોજનમાં તમામ રઘુવંશી શ્રેષ્‍ઠીઓ, અગ્રણીઓ, દાતાઓએ અમૂલ્‍ય સહયોગ આપ્‍યો છે.

ગઇકાલે કથાના ચર્તુથદિને વ્‍યાસાસનેથી ભૂપેન્‍દ્રભાઇ પંડયાએ સીતા-રામના વિવાહનો મંગલ પ્રસંગ ખુબ જ ભાવવાહી ભાષામાં વર્ણવ્‍યો હતો. તેમણે કહ્યું કે, લગ્ન વિવાહ નરનારીનો સાધારણ સંગમ છે પરંતુ સીતા-રામના વિવાહ તો ધરતી અને આકાશનું મિલન છે, રામ આકાશવંશના છે, સૂર્યવંશના છે. આ વિવાહ સત્‍યમ, શિવમ અને સુંદરમનું મિલન છે. ભારતીય સંસ્‍કૃતિમાં લગ્ન માત્ર બે વ્‍યકિત સાથેનો નહિ, બે પરિવારો સાથેનો સંબંધ છે. પ્રાચીન સંસ્‍કૃતિ પ્રમાણે લગ્નપૂર્વે વર ઘોડા ઉપર બેસીને વરયાત્રા કરે છે,  કામનાને અંકુશમાં લઇને લગ્ન કરવા જાય છે, લગ્નની આવી પરંપરા અને આવા સંસ્‍કારોથી આપણે દૂર થતા જઇએ છીએ, આપણી સંસ્‍કૃતિ ભૂંસાતી જાય છે. જેને નવી પેઢીમાં પુનઃજીવિત કરવી જરૂરી છે. જે શ્રી રામકથાના સુવર્ણ અને આચરણથી જ શકય બને.

આપણી સંસ્‍કૃતિ મુજબ દિકરીના લગ્નમાં પાંચ પ્રકારના વાજીંત્ર... સંત્રી, તાલ, નગારા ઝાંઝ અને ચૂળીનું મહત્‍વ હતું. પંચધ્‍વનિ-પાંચ શબ્‍દોનો ધ્‍વનિ જેમાં વેદધ્‍વનિ, જળધ્‍વનિ, શંખધ્‍વનિ, હુડુડુ ધ્‍વનિની ધાર્મિક પ્રથા હતી. આજે કયાંય આ અર્થસભર રીતે રીવાજોનો મોટાભાગે અમલ જોવા મળતો નથી. આજે તો લગ્ન કરવા ગયેલ વરરાજાનું સાસુ નાક ખેંચે છે. આ પ્રથાસંદર્ભે પણ વિચારી શકાય.

વ્‍યાસપીઠેથી શ્રી રામકથાના ઉપક્રમમાં ભૂપેન્‍દ્રભાઇ પંડયા અયોધ્‍યાકાંડની પ્રેરક વાતો કરતાં રહે છે કે અયોધ્‍યાકાંડ યૌવન ઉપર કેન્‍દ્રિત થયું છે. યૌવન જીવનનું કેન્‍દ્ર છે, સંવેદનશીલ સમય છે, જીવનનું સુધરવું બગડવું યૌવન ઉપર આધારે છે. જેની યુવાની બગડે છે તેની વૃધ્‍ધાવસ્‍થા સુધરતી નથી. યુવાનીને સુંદર અને તેજસ્‍વી બનાવવા માટે આપણા પ્રાચીન ઋષિ-મુનિઓએ કેટલાંક પરિણામ દેહી ઉપાયો સુચવ્‍યા છે, જે ૧-અતિશય બોલવું નહિ, ર-અતિશય ચાલવું નહિ, ૩-અતિશય સુવુ નહિ, ૪-અતિશય ભોજન કરવું નહિ, પ-અતિશય ક્રોધ ન કરવો અને ૬-ખાસ કરીને જમતી વખતે તો ક્રોધ કરવો જ નહી.

શ્રી રામકથા દોહન-ચતુર્થ દિવસના મુખ્‍ય અંશો

*   પરંપરામાં પરિવર્તન કરશો તો જ નવાં

     માનવ સમાજનું નિર્માણ થશે.

*   અયોધ્‍યાકાંડ માર્ગદર્શિત કરે છે ‘‘યૌવન''

     યૌવન જીવનનું કેન્‍દ્ર છે.

*   સ્‍થિર મન, શ્રધ્‍ધા અને હૃદયના ભાવથી

     કરેલી પ્રાર્થના ઇચ્‍છિત પરિણામ લાવે છે.

*   ભારતીય સંસ્‍કૃતિમાં લગ્નએ બે વ્‍યકિત

     સાથેનો સંબંધ નહિ, બે પરિવારો સાથેનો સંબંધ છે.

*   આપણામાં રહેલો આત્‍મા ઇશ્વરનો અંશ

     છે, જીવનના દરેક વ્‍યવહારમાં આત્‍માનો ઉપયોગ કરો

*   સત્‍સંગ છતાં આજના માનવીમાં પરિવર્તન આવતું

     નથી, કારણ.. આપણે માન્‍યતાઓના ગુલામ છીએ

*   ‘‘જન્‍મ અને મૃત્‍યુ'' એ બે જગતના નિર્વિવાદ સત્‍યો છે.

*   જે પ્રજાએ પોતાની પરંપરા, ભાષા છોડી છે,

     તેઓની સંસ્‍કૃતિ ભૂંસાઇ ગઇ છે.

*   ‘‘શું ન કરવું જોઇએ'' તે મહાભારતમાંથી અને

        ‘‘શું કરવું જોઇએ'' તે રામાયણમાંથી શીખો

(4:20 pm IST)