Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

શહેરના પ૦૩ જર્જરીત મકાનો-૪૦૦ હોર્ડીંગ સાઇટને નોટીસ

મનપા દ્વારા પ્રિ-મોન્‍સુન કામગીરી ભાગરૂપે કાર્યવાહી : હોર્ડીંગ એડ એજન્‍સી ધારકોને સ્‍ટ્રકચર સ્‍ટેબીલીટી સર્ટીફીકેટ ૭ દિવસમાં રજુ કરવા તાકીદઃ જર્જરીત બિલ્‍ડીંગોમાં તાત્‍કાલીક સમારકામ કરવા આદેશ

રાજકોટ, તા., ૨૫: મનપા દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્‍યાને લઇ પ્રિ-મોન્‍સુન કામગીરી અંતર્ગત શહેરની પ૦૩ જર્જરીત મકાનોને સમારકામ કરવા તથા વિવિધ વિસ્‍તારમાં આવેલા ૪૦૦ હોર્ડીંગ સાઇટના એજન્‍સી ધારકોને સ્‍ટ્રકચર સ્‍ટેબીલીટી સર્ટીફીકેટ રજુ કરવા નોટીસો આપવામાં આવી છે.

શહેરમાં ૧૭ ખાનગી એજન્‍સીઓના કુલ ૪૦૦ હોર્ડીંગ  તથા ૧૦૦ કોર્પોરેશનની ટેન્‍ડર સાઇટ સહીત કુલ પ૦૦ હોર્ડીંગ આવેલા છે. આ તમામ એડ એજન્‍સીઓને સ્‍ટ્રકચર નબળા હોય તો સ્‍ટ્રેનધન કરવા તાકીદ કરવામાં આવી છે. ૭ દિવસમાં સ્‍ટ્રકચર સ્‍ટેબીલીટી સર્ટીફીકેટ રજુ કરવા નોટીસો આપવામાં આવી છે. ૭ દિવસમાં રીપોર્ટ રજુ ન થાય તો એજન્‍સી સામે પગલા લેવાની કાર્યવાહી હાથ ધરાશે.

મ્‍યુ. કોર્પોરેશન દ્વારા હોર્ડીંગ સાઇટની એજન્‍સીને નોટીસ પાઠવતા જણાવ્‍યું હતું કે, આગામી ચોમાસાની સીઝનના અનુસંધાને એજન્‍સી હસ્‍તકના હોર્ડીંગ બોર્ડ, ગેન્‍ટ્રી બોર્ડ, કિયોસ્‍ક બોર્ડના તમામ સ્‍ટ્રકચરની ચકાસણી હાથ ધરી નબળા સ્‍ટ્રકચર દુર કરવા અથવા જરૂરીયાત મુજબ રીપેર કરવા કાર્યવાહી કરવા તેમ વાવાઝોડા કે અતિવૃષ્‍ટિ જેવા સંજોગોમાં સલામત રહે તેમજ બોર્ડ પડવાથી જાનમાલને નુકશાન ન થાય તે પ્રકારે જરૂરી તમામ તકેદારી એજન્‍સી દ્વારા લેવા જણાવ્‍યું હતું. માનીય સ્‍ટ્રકચરલ એન્‍જી.નું સ્‍ટેબીલીટી સર્ટીફીકેટ રજુ કરવાનું બાકી હોય તો દિવસ-૭માં રજુ કરવા નોટીસમાં જણાવાયું હતું.

પ૦૩ જર્જરીત મકાનોને નોટીસ

ચોમાસામાં કોઇ જાનહાની ન સર્જાય તે માટે વિવિધ વિસ્‍તારોમાં બાંધકામ શાખા દ્વારા સર્વે હાથ ધરી કુલ પ૦૩ જર્જરીત મકાનોને તાકીદે સમારકામ કરવા નોટીસ આપવામાં આવી છે. જેમાં સેન્‍ટ્રલ ઝોનમાં -૧૯૮, ઇસ્‍ટ ઝોનમાં ૧૮, વેસ્‍ટ ઝોનમાં ર૦૦નો સમાવેશ થાય છે. સૌથી વધુ સેન્‍ટ્રલ ઝોનના વોર્ડ નં. ર અને ૩ ના વિસ્‍તારોમાં જર્જરીત મકાનો સર્વેમાં નોંધાયા હતા.

(4:49 pm IST)