Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

નગરસેવકો વોર્ડમાં કાર્યાલય ખોલે : પ્રાથમિક પ્રશ્નોને વાચા આપી ફરજ નિભાવે :નિતિનભાઇ

હવે લોકો નગર સેવક પાસે નહિ નગર સેવક લોકો પાસે જાય તેવી વ્યવસ્થા જરૂરી : ભાજપના નવનિયુકત કોર્પોરેટરોની રાણીંગા વાડી ખાતે બેઠક યોજાઇ : ભંડેરી -ભારદ્વાજ -મીરાણીનું માર્ગદર્શન

રાજકોટ,તા. ૨૫: શહેર ભાજપના નવનિયુકત કોર્પોરેટરોની મીટીંગ આજે સવારે રાણીંગા વાડી ખાતે યોજાઇ હતી. જેમાં ધનસુખભાઇ ભંડેરી, નિતીનભાઇ ભારદ્વાજ અને કમલેશ મીરાણીએ માર્ગદર્શન આપ્યું હતું

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૭ર માં થી ૬૮ બેઠકોમાં ભાજપને જવલંત વિજય મળેલ છે અને લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ વ્યકત કરીને ખોબલે–ખોબલે વિકાસને મત આપેલ છે. ત્યારે રાણીંગા વાડી, મીલપરા મેઈન રોડ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં અને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, જનકભાઈ કોટક, ડો. જૈમનભાઈ ઉપાઘ્યાય, ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુુ કોઠારી, કીશોર રાઠોડ સહીતના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં નવનિયુકત નગરસેવકોની બેઠક યોજાયેલ હતી.આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુકત કોર્પોરેટરોને શીખ આપતા ધનસુખ ભંડેરીએ જણાવેલ કે શહેરની જનતા એ ૭રમાંથી ૬૮ બેઠકો ઉપર ભાજપને જવલંત વિજયની ભેટ આપી છે ત્યારે દરેક કોર્પોરેટર પ્રજાની વચ્ચે રહી સતા, સંગઠન અને સમાજનો સેતુ બની રાજકોટની ગરીમાને આગળ વધારી વિકાસ કાર્યોને અવિરત આગળ વધારે.

આ તકે નિતીન ભારદ્વાજે જણાવેલ કે દરેક નગરસેવકોને વોર્ડના પ્રાથમિક લોકપ્રશ્નોને વાચા આપવા અને સજાગ રહેવા તથા વોર્ડમાં કાર્યાલય ખોલી લોકોના પ્રાથીમક પ્રશ્નોને વાચા આપી અને પ્રજાની વચ્ચે રહેવા શીખ આપી હતી.

આ તકે કમલેશ મીરાણીએ નવનિયુકત કોર્પોરેટરોને અભિનંદન પાઠવતા જણાવેલ કે નગરસેવક ના માઘ્યમથી  જનતાની સેવા કરવાનો અવસર મળ્યો છે ત્યારે સતા ને સેવાનું માઘ્યમ બનાવી આપણને મળેલ આ જનાધાર અને પ્રજાના વિશ્વાસને સાર્થક કરીને પાર્ટીની વટવૃક્ષ બનાવીએ એ જ આપણુ કર્તવ્ય છે.

આ કાર્યક્રમના પ્રારંભે સાંધિક ગીત અતુલ પંડીત એ કરાવેલ. કાર્યક્રમનું સંચાલન જીતુ કોઠારી એ તથા આ બેઠકની વ્યવસ્થા અનિલભાઈ પારેખ અને હરેશભાઈ જોષી, રમેશભાઈ જોટંગીયા, સમીર પરમાર અને ચેતન રાવલે સંભાળી હતી.

(4:01 pm IST)