Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

શનિવારી બજાર - રેસકોર્ષ - મોરબી રોડ વિસ્તારમાંથી ૨૨ રેકડી - કેબીન - અન્ય ચીજવસ્તુનું દબાણ હટાવાયા

૨૦૩ કિલો શાકભાજી જપ્તઃ ૭,૫૦૦ હજારનો દંડઃ દબાણ હટાવ શાખાની કાર્યવાહી

રાજકોટ તા. ૨૩ : કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૬ થી ૧૮ ફેબ્રુઆરીના રોજ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૨૨ રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, ૨૦૩ કિલો શાકભાજી-ફળો વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે તંત્રની સત્તાવાર યાદી મુજબ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા શહેરના રસ્તા પર નડતર ૮ રેંકડી-કેબીનો સત્યસાંઈ રોડ, ધરાર માર્કેટ, શનિવારી બજાર, રેસકોર્ષ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૧૪ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે શનિવારી બજાર અને રેસકોર્ષ પરથી જપ્ત કરવામાં આવી હતી, ૨૦૩ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ અને નાનામવા પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ. ૭,૫૦૦ વહીવટી ચાર્જ યાજ્ઞિક રોડ અને મોરબી રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ ૦૪ હોકર્સ ઝોન કોઠારીયા રોડ, મોરબી રોડ, ધરાર માર્કેટ અને આજી ડેમ હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

(10:29 am IST)