Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કાલે ગણતંત્ર દિન : રાષ્ટ્રભકિતનો શંખનાદ થશે

સાદગી સાથે છતા ગૌરવભેર ત્રિરંગાને અપાશે સલામી : સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ આયોજનો : રાષ્ટ્રીય પર્વ ઉજવવા અનેરો થનગનાટ

રાજકોટ તા. ૨૫ : આવતી કાલે પ્રજાસતાક પર્વની ગૌરવભેર ઉજવણી કરાશે.  કોરોના સંક્રમણને ધ્યાને લઇ થોડી સાદગીથી છતા શાનભેર ત્રિરંગાને સલામી અપાશે. સરકારી અને અર્ધસરકારી કચેરીઓ દ્વારા તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા દેશભકિતસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

જીવનનગર

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, સાંસ્કૃતિક સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવ ધામ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગર ખાતે કાલે પ્રજાસત્તાક પર્વની સાદાઇથી ઉજવણી કરાશે. સવારે ૯ વાગ્યે મહાદેવધામના પટાંગણમાં  ધ્વજવંદન કરાશે. સાથે આ વિસ્તારના તેજસ્વી સંતાનોનું બહુમાન અને રાષ્ટ્રીય એકતાના પ્રતિકરૂપે મશાલ સરઘસ યોજવામાં આવશે.

નાણાવટી ચોક

ગાંધીગ્રામ, ૧૫૦ ફુટ રીંગ રોડ પરના નાણાવટી ચોકમાં રાધેશ્યામ ગૌશાળાના ઉપક્રમે કાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે. કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, દુર્ગાબા જાડેજા, હિરેનભાઇ ખીમાણીયા, ડો. અલ્પેશ મોરજરીયા દ્વારા ધ્વજ લહેરાવી સલામી અપાશે. કાર્યક્રમનું દીપ પ્રાગટય બાબુભાઇ આહીરના હસ્તે કરાશે. ગાય બચાવો, બેટી બચાવોનો સંદેશો પ્રસરાવાશે. લોકોએ સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કના નિયમ પાલન સાથે ઉપસ્થિત રહેવા જણાવાયુ છે.

લાઇફ બ્લડ સેન્ટર

દ્વારા રકતદાનની અપીલ

લાઇફ બ્લડ સેન્ટર દ્વારા રકતની જરૂરીયાતને ધ્યાને લઇ લોકોએ ગણતંત્ર પર્વે રકતદાન કરવા અનુરોધ કરાયો છે. તબીબી સારવારમાં માનવ રકતની જરૂરીયાત પુરી કરવા રકતદા કરી અનોખી રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા લાઇડ બ્લડ સેન્ટરના મેડીકલ ડાયરેકટર ડો. સંજીવ નંદાણીએ અપીલ કરી છે.

ડો. આંબેડકરનગર યુવા

ગ્રુપ દ્વારા દાંતયજ્ઞ

ડો. આંબેડકરનગર યુવા ગ્રુપ દ્વારા કાલે પ્રજાસત્તાક પર્વ નિમિતે સવારે ૯.૩૦ થી ૧ સુધી પંચશીલ ભવન, ડો. આંબેડકરનગર પ્રવેશ દ્વારની બાજુમાં દાંતનો ફ્રી ચેકઅપ કેમ્પ યોજવામાં આવેલ છે. જેમાં ડો. નીતાબેન વાઘેલા નિઃશુલ્ક સેવા આપશે.

નાગરિક બેંક દ્વારા ધ્વજ

વંદન - ભારત માતા પૂજન

રાજકોટ નાગરિક સહકારી બેંકની રાજકોટ અને બહારગામની તમામ શાખાઓમાં કાલે ૨૬ મી જાન્યુઆરીના સવારે ૯.૩૦ વાગ્યે ધ્વજ વંદન કરી ભારત માતાનું પૂજન કરાશે. રાજકોટમાં એ.ઓ. એન્ડ આર.ઓ. અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રોલેકસ રીંગ્સના ચેરમેન મનેશભાઇ મડેકાના અતિથિવિશેષપદે કાર્યક્રમ યોજાશે. તમામ બોર્ડ ઓફ ડીરેકટર્સ, શાખા વિકાસ સમિતિના સભ્યો, ડેલીગેટ અને કર્મચારીગણને ઉપસ્થિત રહેવા બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકર અને વાઇસ ચેરમેન જીમમીભાઇ દક્ષીણીની યાદીમાં જણાવાયુ છે.

ભાજપ કાર્યાલય

શહેર ભાજપ કાર્યાલય કાલે કાલે પ્રજાસત્તાક પર્વે સવારે ૮.૧૫ કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને શહેર દક્ષીણના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના હસ્તે ધ્વજ વંદન કરાશે. કાર્યક્રમની વ્યવસ્થા ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશ જોષી સંભાળી રહ્યા છે. શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવાયુ છે.

(3:21 pm IST)