Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બે લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. રપઃ રાજકોટના ૧પ૦ ફુટ રીંગ આસ્થા રેસીડેન્સી સામે, શ્યામ પાર્ક-૧ રાજકોટ મુકામે રહેતા ભરતભાઇ ભીખાભાઇ ડાંગરે પોતાના મિત્ર જાનવી ડેવલોપર્સના પ્રોપ્રાઇટર મોહનભાઇ ધરમશીભાઇ હાપલીયાને રૂ. ર,૦૦,૦૦૦/- સબંધના દાવે હાથઉછીના આપેલ અને જેની લેણી રકમ પેટે પોતાની સહીવાળો પોતાના હસ્તાક્ષરમાં લખેલો ચેક આપેલ જે ચેક અંગે નોટીસ આપી ત્યારબાદ ચેક બેન્કમાં વટાવવા નાખતા જે પરત ફરતા તેઓની સામે ભરતભાઇ ભીખાભાઇ ડાંગર ફરીયાદીએ પોતાના એડવોકેટ શ્રી મનીષ બી. ચૌહાણ મારફત રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. કોર્ટમાં ધી નેગો. ઇન્સ્ટ્રુ. એકટની કલમ-૧૩૮ હેઠળ કાનુની ફરીયાદ ગુજારતા જે કેસ ચાલી જતા જાનવી ડેવલોપર્સના પ્રોપ્રાઇટર મોહનભાઇ ધરમશીભાઇ હાપલીયાને રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા અને ચેક રકમ મુજબનું વળતર એક માસમાં ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ અને જો વળતર ન ચુકવી આપે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકીકત એવી છે કે જાનવી ડેવલોપર્સના પ્રોપ્રાઇટર મોહનભાઇ ધરમશીભાઇ હાપલીયા, રહેઃ ગુલાબ વાટીકા, શેરી નં. ૪, ઓમ સાંઇ મકાનની સામે અમીન માર્ગના છેડે, રાજકોટવાળા કે જેઓ ભરતભાઇ ભીખાભાઇ ડાંગરના મિત્ર થતા હોય તેઓએ સને-ર૦૧પમાં મિત્રતાના દાવે રૂ. ર,૦૦,૦૦૦/- હાથ ઉછીના માંગેલા અને જે લેણી રકમ પેટેનો ચેક રૂ. ર,૦૦,૦૦૦/- નો ભારતીય સ્ટેટ બેન્ક, રાજનગર શાખા રાજકોટનો ચેક આપેલ જે ચેક ફરીયાદીએ પોતાની બેન્કમાં વટાવવા નાખતા જે ફંડ ઇનસફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ જેથી ફરીયાદી ભરતભાઇ ભીખાભાઇ ડાંગરે જાનવી ડેવલોપર્સના પ્રોપ્રાઇટર મોહનભાઇ ધરમશીભાઇ હાપલીયાને ધી નેગ્રો. ઇન્સ્ટ્રુ. એકટની કલમ-૧૩૮ હેઠળ કાનુની નોટીસ પાઠવી નોટીસ મળ્યેથી દિન-૧પ માં લેણી રકમ રૂ. ર,૦૦,૦૦૦/- ચુકવી આપવા જણાવેલ પરંતુ આરોપીએ જે રકમ નહીં ચુકવતા ફરીયાદી ભરતભાઇ ભીખાભાઇ ડાંગરે રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. કોર્ટમાં ધી નેગો. ઇન્સ્ટ્રુ. એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ ગુજારેલ જે અંગેનો કેસ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. કોર્ટમાં ચાલેલ જેમાં ફરીયાદીએ પોતાના સોગંદ ઉપર જુબાની આપી અને આરોપી વિરૂધ્ધ પોતાનો કેસ પુરવાર કરેલ અને રજુ રાખેલ દસ્તાવેજો સાબીત કરેલ.

સદરહું કેસ પુરાવાના અંતે નામદાર કોર્ટે બચાવ પક્ષ તેમજ ફરીયાદ પક્ષની દલીલો સાંભળી ફરીયાદીની દલીલો માન્ય રાખી અને ફરીયાદી તરફે રજુ રાખેલ જુદી જુદી વડી અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઇ આરોપી જાનવી ડેવલોપર્સના પ્રોપ્રાઇટર મોહનભાઇ ધરમશીભાઇ હાપલીયાને એક વર્ષની સાદી કેદની સજા તેમજ હુકમની તારીખથી રૂ. ર,૦૦,૦૦૦/-નું વળતર એક માસની અંદર ચુકવી આપવા જણાવેલ અને જેમાં કસુર થયે વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી મનીષ બી. ચૌહાણ રોકાયેલા હતા.

(4:02 pm IST)