Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

મનપાના ઇજનેર પરેશ જોષી આપઘાત કેસમાં મનપા દ્વારા પોલીસને પુરાવા અપાશેઃ કોઇ બચશે નહિઃ કમિશ્નર

બે ઇજનેરો તરફ તપાસ કેન્દ્રીત થાય તેવા સંજોગોઃ કોન્ટ્રાકટરની સંડોવણી પણ બહાર આવશે

રાજકોટ તા. રપ :.. મનપાના ઇજનેર પરેશ જોષીના આપઘાત કેસમાં મહાપાલીકા દ્વારા મહત્વના પુરાવાઓ પોલીસને સોંપવાની મ્યુનિ. કમિશનરે તૈયારી બતાવી છે. ત્યારે આ સમગ્ર બનાવનું રહસ્ય જો સાચી તપાસ થાય તો બહાર આવે તેમ છે.

મનપાના બે ઇજનેરો અને શંકાના દાયરામાં આવી રહ્યાનું બહાર આવી રહ્યું છે. પોલીસે જતીન પંડયા આસપાસ તપાસ કેન્દ્રીત કરી છે. ત્યારે મનપાના પુરાવામાં ગોસ્વામી દ્વારા ઇજનેરોને ત્રાસ હોવાની હકિકત પણ બહાર આવી છે. આ બંનેની પોલીસ ધરપકડ કરે તો કોન્ટ્રાકટરની સંડોવણી બહાર આવે તેમ છે.

આ બનાવમાં પ્રથમથી કોન્ટ્રાકટર મધુરમ કંપનીવાળા તેમજ ઇજનેરની મીલીભગતના કારણે ઇજનેર પરેશ જોષીનો ભોગ લેવાયાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસે હવે ખરા ગુનેગારોની ધરપકડ કરવી જોઇએ તો જ ઇજનેર જોષીના પરિવારને ન્યાય મળશે.

રાજકોટ મહાનગરપાલિકામાં ઉપરી અધિકારી અને કોન્ટ્રાકટરના ત્રાસથી થોડા સમય પહેલા આત્મહત્યા કરનાર ઇજનેર પરેશ જોષીને હવે ખરેખર ન્યાય મળશે તેવું લાગી રહ્યું છે. અગાઉ પણ અનેક ઇજનેરોએ ઉપરી અધિકારીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ જેનો અભ્યાસ કર્યા બાદ મ્યુનિસીપલ કમિશનરે પરેશ જોષી આપઘાત પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ વિરૂધ્ધ અથવા અન્ય પ્રકારના પુરાવાઓ હશે. તે તમામ પોલીસ વિભાગને સુપ્રત કરવામાં આવશે. તેમ જણાવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાના આસી. ઇજનેર પરેશ જોશીના આપઘાત પ્રકરણમાં બે મહિના પહેલા જ ૧૬ ડે.ઇજનેરે ત્રણેય ઝોનના સીટી એન્જીનીયર ત્રાસ આપતા હોવાની લેખિત રજૂઆત કરવા છતાં અધિકારીઓએ આવી કોઇ રજૂઆત મળી જ ન હતી. તેવું કહેવાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતા આખરે ત્રાસ અંગેનો પત્ર સપાટી પર આવ્યો છે. ર૯-૯ ના રોજ રાજકોટના ૧૬ નાયબ કાર્યપાલક ઇજનેરે ૧પ મુદ્ની સાથે રજૂઆત કરી હતી. જેમાં સીટી એન્જિનીયર અશોભનીય વર્તન કરતા હોવાથી માનસીક તાણ અને ત્રાસ થતો હોવાની બાબત જણાવી હતી. આમ છતાં પરેશ જોશીના આપઘાત બાદ ઉપરી અધિકારી કોઇ ત્રાસ આપતા હોય તેવી કોઇ રજૂઆત ન મળી હોવાનું મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું. જેને લઇને તે પત્રના ઇન્વર્ડ નંબર અને વિગતો સાથે હકિકત સામે લાવતા મ્યુનિસીપલ કમિશનરે કહયું હતું કે, સીટી એન્જીનીયર્સ સામે જે ત્રાસની રજૂઆત લેખિતમાં થઇ હતી તે તમામ કાગળો પોલીસ માગશે તો તપાસાર્થે અપાશે. આ ઉપરાંત તેમને પ્રશ્ન કરાયો હતો. કે મનપા આવી હકિકતો છૂપાવીને શા માટે અધિકારીઓને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે તો તેના જવાબમાં તેઓએ કહયું હતું કે, કોઇને પણ બચાવવાનો પ્રયાસ નથી. જે કોઇપણ આરોપી હોય તેની સામે પોલીસ કાર્યવાહી કરે. પોલીસ તપાસ થઇ રહી છે અને તે એક સ્તરે પૂરી થશે એટલે મનપાની તપાસ સમિતિ સક્રિય કરાશે જેથી પોલીસની કાર્યવાહીમાં કોઇ હસ્તક્ષેપ ન થાય. આ દરમિયાન તપાસ સમિતિ પોલીસને જે કોઇપણ પુરાવા જોતા હશે તે પુરા પાડશે.

(2:22 pm IST)