Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રાજકોટમાં બેફામ ઠંડી... ૮.૬ ડીગ્રી

ઠાર સાથે ફૂંકાતા બર્ફીલા પવનથી શહેરીજનો ધ્રુજી ઉઠયા : સિઝનમાં સૌપ્રથમ વખત બન્યું ઠંડા ઠંડા કૂલ કૂલ શહેર છેલ્લા બે દિવસથી પારો સિંગલ ડીજીટમાં: જનજીવન અસ્તવ્યસ્ત

રાજકોટ,તા.૨૫: કેટલાક દિવસોથી સમગ્ર રાજયમાં ઠંડીનો કહેર જારી છે. આજે પણ રાજકોટ સહિત  અનેક શહેરોમાં ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં નોંધાયો છે. તો રાજકોટમાં આજે ૮.૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે. આમ આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ બની ગયો છે. હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીર સહિત પહાડી પ્રદેશોમાં થઈ રહેલ ભારે હિમવર્ષાના પગલે દેશના મોટાભાગના રાજયોમાં ઠંડીનો રાઉન્ડ ચાલુ છે. તો સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં પણ ઠંડીનો કહેર જારી છે. પોરબંદર, કંડલા અને કેશોદમાં કોલ્ડવેવ છવાયો છે. તો રાજકોટ શહેરમાં આજે ૮.૬ ડીગ્રી ન્યુનતમ તાપમાન સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ બની ગયો છે. આ અગાઉ ગત ૧૩મી જાન્યુઆરીએ ૮.૮ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. હજુ બે થી ત્રણ દિવસ રાજયમાં ઠંડીનો કહેર જારી રહેશે. અનેક શહેરોમાં ન્યુનતમ તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં જોવા મળશે.

રાજકોટ શહેરમાં પણ છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં જોવા મળે છે. લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. સતત ગરમવસ્ત્રોમાં જ જોવા મળે છે. બર્ફીલા પવનો સાથે ઠારનો અનુભવ પ્રર્વતી રહયો છે. તાપણા સાથે ગરમપીણાનો મારો ચલાવી રહયા છે. દરમિયાન હવામાનશાસ્ત્રીઓ જણાવ્યા મુજબ હજુ બે થી ત્રણ દિવસ કડકડતી ઠંડીનો કહેર જારી રહેશે. ત્યારબાદ ઠંડીમાં ઘટાડો જોવા મળશે.

(1:03 pm IST)