Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

તાલુકા પોલીસની પીસીઆરને કારથી આંતરી ડ્રાઇવર હર્ષદિપસિંહને રેસ્ટોરન્ટ કર્મચારી સહિતે ત્રણે માર માર્યો

પરમ દિવસે જલારામ ડાયનીંગ હોલમાં જમીને ડીશ મુકવા બાબતે કર્મચારી મજબૂતસિંહ સાથે થયેલી માથાકુટ કારણભુત : તાલુકા પોલીસે મજબૂતસિંહ, ભાવીન રાચ્છ અને રવિ રાચ્છ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૫: તાલુકા પોલીસની પીસીઆરમાં કરાર આધારીત ડ્રાઇવર તરીકે નોકરી કરતાં યુવાનને સયાજી હોટેલવાળા રોડ પર આવેલા રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ ડીશ મુકવા મામલે કર્મચારી સાથે પરમ દિવસે માથાકુટ થઇ હોઇ તેનો ખાર રાખી ગઇકાલે એ કર્મચારી સહિત ચાર જણાએ અલ્ટો કારથી પોલીસની પીસીઆરનો પીછો કરી કટારીયા ચોકડી નજીક અટકાવી પીસીઆરના ડ્રાઇવરને ગાળો દઇ ઢીકાપાટુનો બેફામ માર મારી ફરજમાં રૂકાવટ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

આ બનાવમાં તાલુકા પોલીસે પોલીસ હેડકવાર્ટરના એમટી વિભાગમાં આઉટસોર્સના ડ્રાઇવર તરીકે કરાર આધારીત નોકરી છેલ્લા દોઢ વર્ષથી કરતાં હર્ષદિપસિંહ વિરેન્દ્રસિંહ રાયજાદા (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી મજબૂતસિંહ વિક્રમસિંહ જાડેજા, ભાવીન રાચ્છ અને રવિ રાચ્છ સામે આઇપીસી ૩૩૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ફરજમાં રૂકાવટ કરી ગાળો દઇ મારામારી કરવાનો ગુનો નોંધ્યો છે.

હર્ષદિપસિંહે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું કરાર આધારીત ડ્રાઇવર તરીકે નોકરી કરુ છું અને તાલકુા પોલીસની પીસીઆર-૨૩માં છેલ્લા બે મહિનાથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવુ છું. ૨૩મીની રાતે નવેક વાગ્યે હું અને મારા મિત્ર ભોૈમિકસિંહ ચંદ્રસિંહ રાયજાદા અમે બંને વૃંદાવન મેઇન રોડ સયાજી હોટેલવાળા રોડ પર જલારામ ડાઇનીંગ હોલ નામના રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતાં. જમ્યા બાદ ડીશ ડસ્ટબીનમાં નાખવા બાબતે મારે જલારામ ડાઇનીંગ હોલમાં કામ કરતાં મજબુતસિંહ જાડેજા સાથે બોલાચાલી થઇ હતી.

આ બાબતનો ખાર રાખી ૨૪મીએ મારી નોકરી સવારે આઠથી બપોરના એક સુધીની તાલુકા પોલીસની પીસીઆર નં. ૨૩માં હતી ત્યારે તેમાં ઇન્ચાર્જ તરીકે મયુધ્વજસિંહ દિલીપસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલ હતાં. અમે પીસીઆર લઇને પોલીસ સ્ટેશનથી કટારીયા ચોકડી થઇ પાટીદાર ચોક તરફ જતાં હતાં તે વખતે સાડા બારેક વાગ્યે મારૂતિ સુઝુકી અલ્ટો ગાડી જીજે૦૩સીએ-૬૨૨૭ અમારી પાછળ આવી હતી અને અમને ઉભા રહેવા જણાવ્યું હતું.

આથી અમે કટારીયા ચોકડીથી પાટીદાર ચોક તરફ આશરે સો મીટર દૂર પીસીઆર ઉભી રાખી હતી. એ પછી અલ્ટો કારમાંથી મજબૂતસિંહ વિક્રમસિંહ જાડેજા, ક્રિપાલસિંહ મહિપતસિંહ જાડેજા, ભાવીન રાચ્છ અને રવિ રાચ્છ ઉતર્યા હતાં. એ પૈકી રવિ રાચ્છે પીસીઆર ઇન્ચાર્જ મયુરધ્વજસિંહને ગઇકાલના રેસ્ટોરન્ટના બનાવનો વિડીયો ફૂટેજ પોતાના મોબાઇલ ફોનમાં દેખાડ્યો હતો.

ત્યાં મજબૂતસિંહ અને ભાવીન રચ્છે મને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારવાનુ ચાલુ કરી દીધું હતું. તેની સાથે આવેલા ક્રિાલસિંહ મને છોડાવવા વચ્ચે પડ્યા હતાં. મયુરધ્વજસિંહને પણ રવિ રાચ્છે પકડી રાખ્યા હતાં. ત્યારપછી આ લોકો તેની અલ્ટો કાર લઇ ભાગી ગયા હતાં. પીસીઆર ઇન્ચાર્જ મયુરધ્વજસિંહે પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. કોન્સ. હર્ષરાજસિંહ જાડેજાને ફોનથી જાણ કરતાં તે આવી ગયા હતાં. મને ઇજા થઇ હોઇ સરકારી હોસ્પિટલે સારવાર લીધા બાદ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ કરી હતી.  પીએસઆઇ વી. એન. મોરવાડીયાએ ગુનો દાખલ કરી આરોપીઓને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરી ધરપકડ કરવા તજવીજ આદરી છે.

(1:02 pm IST)