Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ગોંડલ સબ જેલના જેલર ધીરૂભાઈ પરમારની 'ચાર્જશીટ' બાદની જામીન અરજીને ગુજસીટોક કોર્ટે ફગાવી દીધી

અનેક ગુનામાં સંડોવાયેલ નિખિલ દોંગાને જેલમાં વિવિધ સુવિધાઓ પુરી પાડવા અંગે

રાજકોટ, તા. ૨૫ :. ગોંડલ સબ જેલના જેલર ધીરૂભાઈ પરમારની રેગ્યુલર જામીન અરજીને રાજકોટની ગુજસીટોક કાયદાની ખાસ અદાલતે ફગાવી દીધી હતી.

ગુજસીટોક કાયદા હેઠળ ખાસ અદાલત તરીકે જાહેર થયેલ રાજકોટ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સાહેબે ગોંડલ સબ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા ધીરૂભાઈ કરશનભાઈ પરમારની રેગ્યુલર જામીન અરજી રદ કરતા ઠરાવેલ છે કે, ગોંડલના કુખ્યાત નિખીલ દોંગા અને તેના સાગરીતોને પોતાની હકુમતવાળી ગોંડલ સબ જેલમાં તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવા બદલ નિખીલ દોંગા સીન્ડીકેટના સભ્ય હોવાનું સ્પષ્ટ ફલીત થાય છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે ગોંડલ વિસ્તારમાં પાંચ કરતા વધારે ગુન્હાઓમા સંડોવાયેલ નિખીલ દોંગા સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હતી. આ ગુન્હાની પોલીસ તપાસ દરમ્યાન નિખીલ દોંગાએ અનેક પ્રકારના સાગરીતો સાથે મળીને જુદા જુદા પ્રકારના ગુન્હાઓ આચરેલ હતા. આવા ગુન્હાઓમાં નિખીલ દોંગા અને તેના સાગરીતો ગોંડલ સબ જેલમા કાચા કામના કેદી તરીકે બંધ હતા ત્યારે તે વખતે આ ગોંડલ સબ જેલમાં જેલર તરીકે ફરજ બજાવી રહેલ આરોપી ધીરૂભાઈ કરશનભાઈ પરમારએ આ કેદીઓને તમામ પ્રકારની સવલતો પુરી પાડેલ હતી તેમજ સમયે સમયે જેલની બહાર રહેવાની સગવડતા પણ કરી આપેલ હતી. આ કારણે આ જેલર સામે પ્રિઝન એકટ હેઠળ ગુન્હો પણ નોંધાયેલ હતો.

આ ગુન્હાના કામે તેઓ બે માસ કરતા વધારે સમય સુધી નાસતા-ફરતા હતા. આ ગુન્હામાં અંતે તેઓ પકડાઈ જતા તપાસ દરમ્યાન જણાઈ આવેલ કે, જેલર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાના બદલે નિખીલ દોંગા પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવામાં આવતી હતી. આ કારણે જેલર સામે ગુજસીટોક કાયદા હેઠળ નિખીલ દોંગાના સાગરીત તરીકે કેસ નોંધવામાં આવેલ હતો. આશરે ૨૫૦૦ પાનાનું ચાર્જશીટ રજુ થઈ ગયા બાદ જેલર ધીરૂભાઈ કરશનભાઈ પરમારએ રેગ્યુલર જામીન અરજી કરી હતી.

શ્રી સરકાર તરફે સ્પે. પી.પી. તરીકે નિમાયેલ જિલ્લા સરકારી વકીલશ્રી એસ.કે. વોરાએ રજુઆત કરેલ હતી કે નિખીલ દોંગા સામેના ગુજસીટોક કાયદા હેઠળના કેસની તપાસ દરમ્યાન જેલર ધીરૂભાઈ કરશનભાઈ પરમારના મોબાઈલ કોલ્સ ડીટેલ્સ મેળવતા જણાયેલ છે કે નિખીલ દોંગા અને તેના સાગરીતોના મોબાઈલ નંબરોમાં જેલર ધીરૂભાઈ પરમારના સંખ્યાબંધ ફોન કોલ છે. જેલર તરીકે તેઓને કોઈપણ આરોપી સાથે ફોન વ્યવહાર હોય તે સ્વયં સ્પષ્ટ રીતે ગેરકાનૂની છે. આ ઉપરાંત જેલર તરીકે ફરજ પર હોય ત્યારે તેમની જ જેલમાં બંધ આ સાગરીતો સાથે ફોન કોલ્સ થયેલ હોય તે હકીકત સ્પષ્ટ કરે છે કે આ સાગરીતો જે તે સમયે જેલની બહાર હતા. જ્યારે સેશન્સ અદાલતે આ સાગરીતોને જામીન આપેલ ન હોય ત્યારે જેલર તરીકે સેશન્સ કોર્ટની ઉપરવટ જઈ આ આરોપીઓને આ જેલરે જામીન ઉપર મુકત કયા સમાન કૃત્ય કરેલ છે. આ રીતે આ જેલરે સેશન્સ અદાલતના હુકમોનું પણ ઉલ્લંઘન કરેલ છે.

આ ઉપરાંત આ જેલર સામે પ્રિઝન એકટ હેઠળ નોંધાયેલ ગુન્હામાં બે માસ સુધી નાસતા-ફરતા રહેવાનંુ કૃત્ય પણ પોલીસ તપાસમાં અસહકારભર્યુ વલણ છે. જેલર તરીકે જ્યારે તેમનુ વલણ અસહકારભર્યુ હોય અને જેલમાં બંધ કેદીઓ સાથે અંગત વ્યવહારો હોય ત્યારે આવી વ્યકિતને રેગ્યુલર જામીન આપવાથી તેમના અને નિખીલ દોેંગા સામેના કેસની સીધી રીતે અસરકર્તા છે. આ તમામ રજૂઆતોના અંતે ખાસ અદાલતના જજશ્રી યુ.ટી. દેસાઈએ આરોપી જેલર ધીરૂભાઈ કરશનભાઈ પરમારની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે.

આ કેસમા શ્રી સરકાર તરફે સ્પે. પી.પી. તરીકે નિમાયેલ શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

(11:40 am IST)