Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

સિવિલના ગાયનેકોલોજીસ્ટ ડો. પ્રકાશ પરમારે કર્યુ પ્લાઝમાનું દાન

તેમના પિતાને મળેલા પ્લાઝમા દાનનું ઋણ ઉતાર્યુ

રાજકોટ : મને અને મારા માતા પિતા બંનેને કોરોના પોઝિટિવ આવ્યો, જેમાં મારા પિતાજીની પરિસ્થિતિ ગંભીર બનતા તેમને સારવાર અર્થે ઉપયોગી પ્લાઝમાનું સિવિલ તરફથી દાન મળ્યું અને મારા પિતાજીની તબિયત ખાસ્સી સારી થવા લાગી. મારા પિતાજીને જીવતદાન અપાવનાર પ્લાઝમાનું ઋણ કેમ ભૂલી શકાય ? આ શબ્દો છે પ્લાઝમા ડોનેટ કરી પિતાને મળેલ પ્લાઝમાનું ઋણ ચુકવતા પ્લાઝમા ડોનર ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રકાશ પરમારના.

રાજકોટ ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપતા ડો. પરમાર કોરોના દરમ્યાન પ્રસુતા મહિલાઓની સારવાર કરતાં કરતાં પોતે પણ કોરોના સંક્રમિત થયા.

જેને પરિણામે ઘરમાં માતા પિતાને પણ કોરોનાની અસર થતા તમામ લોકોએ સારવાર લીધી. જેમાં ડો. પરમારના પિતાની સ્થિતિ ગંભીર હોવાથી તેઓને રિકવરી ઝડપથી આવે તે માટે તેમને પ્લાઝમા આપવામાં આવ્યું હતું. રાજકોટ સિવિલ દ્વારા તેમને પ્લાઝમા પૂરું પડાતા તેમના પુત્રએ સિવિલ હોસ્પિટલ દ્વારા તેમના પિતાને મળેલ પ્લાઝમાના ઋણને સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા દાન કરી ચૂકવ્યું હતુ. તેમના પ્લાઝમાના દાન દ્વારા અન્ય બે લોકોના જીવનમાં ઉજાસ પથરાશે.

(12:43 pm IST)