Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

મધરાતથી ઠંડક પ્રસરવાનું યથાવતઃ રાત્રિના ફરતા પંખાની રફતાર સાથે ગરમી પણ ઘટી

જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ યથાવતઃ બપોરે ઉકળાટ

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ બરકરાર છે  આવા  વાતાવરણ વચ્ચે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડકનો અહેસાસ થાય છે. જો કે આજે ઝાકળવર્ષા થઇ ન હતી.

જો કે, સવારે સૂર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થાય છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હવામાનમાં વિચીત્ર ફેરફાર જોવા મળી રહ્યા છે ઉકળાટ, વરસાદ અને ઠંડી એમ ત્રણેય ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ધીમા પગલે શિયાળાનો પ્રારંભ થતો હોય તેમ ગઇકાલે વ્હેલી સવારે ઝાકળ વર્ષા થઇ હતી. રાજકોટ, વેરાવળ, દ્વારકા, ઓખા, દિવ સહિતના સ્થળોમાં સવારનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

કાલે સૌરાષ્ટ્રમાં એક પણ સ્થળે વરસાદ પડયો નથી આમ ચોમાસાની વિદાય નીશ્ચિત થઇ છે અને ધીમા પગલે શિયાળાનું આગમન થઇ રહ્યુ હોય તેવા એંધાણ મળી રહયા છે.

ઉતરાખંડમાં થયેલ હિમવર્ષના કારણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનો  દોર શરૂ થાય તેવા એંધાણ મળી રહ્યા છે.

દરમિયાન કાલે રાજકોટ સહિત અન્ય શહેરોમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું અને મોડી રાત્રીથી જ ઝાકળ વરસવાનું થઇ ગયું હતું સવારે ઝાકળવર્ષાથી રસ્તા ભીના થઇ ગયા હતાં.

રાજકોટ શહેરનું તાપમાન ૩ર.૪ ડીગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા રહેવા પામેલ અને પ્રતિ કલાક ૧ર કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.

(11:41 am IST)