Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

બે વખત પ્લાઝમા ડોનેટ કરી સર્વધર્મ સમભાવ સાર્થક કરતાં જાવેદભાઇ પઠાણ

મર્યા પછી માણસો અંગદાન કરે છે, જીવતે જીવ પ્લાઝમા ડોનેટ કરી બીજાનું જીવન બચાવવાનો આનંદ છેઃ ડોનર પઠાણભાઇ

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ છે, સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને રાજય સરકારના ખાસ ફરજ પરના ઉચ્ચ અધિકારીઓ રાતદિવસની મહેનત થકી કોરોના નિયંત્રણ માટેના અસરકારક પગલાં લઈ રહ્યા છે. એવા કપરા સમયે નાગરીકો પણ પોતાનો નાગરીક ધર્મ બજાવવામાં જરાય ઉણા ઉતર્યા નથી.

ધાર્મિક એકતા અને માનવતાની મહેંક પ્રસરાવતા આવા જ એક કોરોના વોરિયર એટલે વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફરજનિષ્ઠ મલ્ટીપર્પઝ હેલ્થવર્કર જાવેદભાઈ પઠાણ, જેમણે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં બીજી વાર પ્લાઝમાં ડોનેટ કર્યું છે.

જાવેદભાઈ જણાવે છે કે, માણસ મરી ગયા પછી પણ અંગદાન કરે છે જયારે મને કુદરતે જીવતા પ્લાઝમા ડોનેટ કરી લોકોનું જીવન બચાવવાનો મોકો આપ્યો છે. આ માટે હું ખુદાનો અહેસાનમંદ છું. કોવિડ પ્લાઝમા ડોનેટ કરવા માટે જેને થોડા સમય પહેલાં જ કોરોના થયો હોય અને હોસ્પિટલમાંથી રજા આપ્યાને ૨૮ દિવસ પૂરા થઇ ગયા હોય તેવા કોરોનાને હરાવનાર કોરોનામુકત વ્યકિત કે જેમની ઉંમર ૧૮ થી ૫૫ વર્ષ હોય, જેમનું વજન ૫૦ કિલોગ્રામથી વધુ હોય, જેમને ડાયાબિટિસ, હૃદયરોગ કે અન્ય ગંભીર બિમારી ન હોય તેઓ આ સામાજિક કાર્યમાં સહભાગી બની પોતાના પ્લાઝમાનું દાન કરી શકે છે. મારા પ્લાઝમાથી જો કોઈ કોરોના સંક્રમિત વ્યકિત કોરોના મુકત બનતો હોય તો મારૂ આ જીવન સફળ છે. મારૂ તો માનવું છે કે કોરોનાનાં દર્દીઓની સેવા કરવી એ મારા માટે અલ્લાહની ઈબાદતથી કમ નથી.

અન્ય લોકોને પણ પ્લાઝમાં ડોનેટ કરવાની અપીલ કરતા જાવેદભાઈ વધુમાં જણાવે છે કે,  પ્લાઝમા ડોનેટ કરવાથી શરીરમાંથી રોગ પ્રતિકારક શકિત ઓછી થતી નથી કે અન્ય કોઈ પણ પ્રકારની બીમારી પણ ઉત્પન્ન નથી થતી.

(1:58 pm IST)