Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મવડીમાં બનશે અદ્યતન સ્‍પોર્ટસ સંકુલ : ટેન્‍ડર પ્રસિધ્‍ધ

૧૨ હજાર ચો.મી. જગ્‍યામાં ૯,૫૦૦ ચો.મી.નું બાંધકામ થશે : અંદાજીત ૧૯.૮૦ કરોડનો ખર્ચ : આ સંકુલમાં બાસ્‍કેટ બોલ, ટેબલ ટેનીસ, જીમ, શુટીંગ રેન્‍જ, આર્ચર પોઇન્‍ટ, તથા બાસ્‍કેટ બોલ, ટેનીસ, વોલીબોલ તથા સ્‍કેટીંગ, યોગ સહિત ૧૦ ગેમની સુવિધાઃ વોર્ડ નં.૧૨ના પુનિત ૮૦ ફુટ રોડ અને વગળ ચોકડી વચ્‍ચે નવુ નઝરાણુ

રાજકોટ તા.૨૪: મ.ન.પા.દ્વારા શહેરના મવડી વોર્ડ નં. ૧રના મવડી વિસ્‍તારમાં પુનિત ૮૦ ફુટ રોડ મવડીની પાળ રોડ પરના વગળ ચોકડી વચ્‍ચે ૧૨ હજાર ચો.મી.ની વિશાળ જગ્‍યામાં અંદાજીત ૧૯.૮૦ કરોડનાં ખર્ચે સ્‍પોર્ટસ સંકુલ બનાવવા તંત્ર દ્વારા ઓન લાઇન ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યા છે.  
આ સ્‍પોર્ટસ સંકુલમાં બાસ્‍કેટ બોલ, વોલીબોલ, ટેનીસ, બેડમિન્‍ટન, જીમ, સહીતની સુવિધાવાળુ સ્‍પોર્ટસ સંકુલ મવડી ત્‍થા આસપાસના વિસ્‍તારોના રહેવાસીઓના લાભાર્થે નિર્માણ કરવાનું આયોજન છે.
આ આયોજન મુજબ મવડી વિસ્‍તારમાં આવેલ ૧૨,૦૦૦ ચો.મી.ના પ્‍લોટમાં જગ્‍યામાં  વિશાળ સ્‍પોર્ટસ સંકુલ બનશે જેમાં બાસ્‍કેટ બોલ મેદાન ઉપરાંત ર-ટેનીસ કોર્ટ, ૧-વોલીબોલ મેદાન તથા સ્‍કેટીંગ રીંગ વગેરે બહારની સાઇડમાં બનશે.
જયારે ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં ૬- બેડમિન્‍ટન કોર્ટ બનશે ઉપરાંત સ્‍કવોશના બે કોર્ટ, જીમ, ચેસ, કેરમ, ૬-ટેબલ ટેનીસ તથા યોગ સહિતની સુવિધા પણ ઉપલબ્‍ધ બનાવાશે.
આ સ્‍પોર્ટસ સંકુલમાં ૮ પાર્કિંગ  બનશે. પ૦ થી ૬૦ કાર સામાય તે માટે કાર પાર્કિંગ પણ બનાવશે.
આ ઉપરાંત લેન્‍ડ સ્‍કેપીંગ ગાર્ડન સાથેનું આ સ્‍પોર્ટ સંકુલ રેસકોર્ષથી ૨ાા ગણુ વધુ મોટુ એટલે ૧૮૦૦ ચો.મી.નો પ્‍લે એરિયા રહેશે. જેમાં ૧૨૦૦ પ્રેક્ષકોની બેઠક વ્‍યવસ્‍થા રહેશે.
આમ ઉપર મુજબના પ્રોજેકટનું એસ્‍ટેમેટ તૈયાર કરી તે મુજબ ટેન્‍ડર ડિઝાઇન કરી ટેન્‍ડરો પ્રસિધ્‍ધ કરવા સહીતની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સંકુલ બનાવવાનાં ટેન્‍ડરની છેલ્લી તા.૪ જુલાઇ છે. આ સંકુલનું કામ વર્કર ઓર્ડર અપાયાનાં ૧૫ મહિનામાં પુર્ણ કરવાની મુદ્દત આપવામાં આવી છે.

રમત વીરોને મનપાની બીજી ભેટ : ઇન્‍દોર સ્‍ટેડિયમમાં ભારણ ઓછું થશે

મવડી સ્‍પોર્ટસ સંકુલ બનવાથી રમત વીરોનો સમય બચશે : વધુ પ્રેકટીસ કરી શકશે

રાજકોટ : મનપા દ્વારા શહેરમાં બીજુ અદ્યતન સ્‍પોર્ટસ સંકુલનું નિર્માણ મવડી વિસ્‍તારમાં કરવામાં આવનાર છે. જે માટે ટેન્‍ડર પ્રસિધ્‍ધ પણ કરી દેવામાં આવ્‍યું છે. જે એજન્‍સી ટેન્‍ડર મેળવશે તેણે વર્ક ઓડર મળ્‍યાના ૧૫ મહિનામાં સંકુલનું બાંધકામ પુરૂં કરવાનું રહેશે.

 ન્‍યુ રાજકોટમાં સ્‍પોર્ટસ સંકુલ બનવાથી રમત વીરો પાસે રેસકોર્ષ સંકુલના ઇન્‍ડોર સ્‍ટેડીયમ સીવાયનો પણ વિકલ્‍પ મળશે. ઉપરાંત હાલ ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં જે ભારણ છે તે પણ ઘટશે. સાથે જ શહેરના છેવાડેથી રેસકોર્ષ ઇન્‍ડોર સ્‍ટેડીયમ સુધી પ્રેકટીસ માટે આવતા રમતવીરોનો આવવા-જવાનો સમય બચવાથી તેઓ વધુ સમય પ્રેકટીસ માટે પણ આપી શકશે.

શુટીંગ અને આર્ચરી ગેમનાં મેદાનની ખાસ વ્‍યવસ્‍થા 

રાજકોટઃ શહેરમાં ઓલમ્‍પિક કક્ષાની શુટીંગ અને આર્ચરી ગેમ માટે કોઇ જ વ્‍યવસ્‍થા નથી. ત્‍યારે મ.ન.પા. એ તેનો ખાસ વિચાર કરી આ નવા સ્‍પોર્ટસ સંકુલમાં ૧૦મી આર્ચરી રમત માટે મહિલા અને પુરૂષના અલગ-અલગ ૧૮×૮ મીટરના એક-એક હોલ તથા શુટીંગ રેન્‍જ માટે ૨૮×૮ મી.ના એક-એક રૂમ બનશે. બંને ગેમમાં ખેલાડીઓને પ્રેકટીસ માટેના મેદાનોની વ્‍યવસ્‍થા કરાશે.

 

(3:51 pm IST)