Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સદર બજાર સ્‍ટોક એકસચેન્‍જ બીલ્‍ડીંગમાં આવેલી દુકાનમાં તસ્‍કરો ત્રાટક્‍યા : ૧ લાખની ચોરી

કૃણાલ સગપરીયાની ફરીયાદ : પિતા શટરનું તાળુ લગાવવાનું ભુલી જતા તસ્‍કરો કળા કરી ગયા

રાજકોટ, તા. ર૪ :  શહેરના સદર બજારમાં પોલીસ ચોકી સામે સ્‍ટોક એકસચેન્‍જ બીલ્‍ડીંગમાં આવેલા જે.કે. સીઝન સ્‍ટોર નામની દુકાનને નિશાન બનાવી તસ્‍કરો રોકડ તથા મોબાઇલ ફોન મળી રૂા. ૧,૦ર,૩૦૦ ની મતા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મંગળા મેઇન રોડ પર મનહરપુર શેરી નં. ૮ માં રહેતા કૃણાલભાઇ છગનભાઇ સગપરીયા (ઉ.વ.પ૭) એ પ્રનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે સદરબજાર રમેશભાઇ છાંયા સ્‍કુલની સામે સ્‍ટોક એકસચેન્‍જ બીલ્‍ડીંગમાં આવેલી જે.કે. સીઝન સ્‍ટોર નામની દુકાનમાં સીઝનેબલ વસ્‍તુનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે દુકાનમાં પોતે તથા પિતા છગનભાઇ અને કાકા મહેન્‍દ્રભાઇ માંડણભાઇ સગપરીયા ત્રણેય વેપાર કરે છે. આ દુકાન બે શટરવાળી છે જેમાંએકમાં કેરી અને બીજી દુકાનમાં શાકભાજીનો વેપાર કરે છે. ગઇકાલે બપોરે કાકાને કાગવડ ખોડલધામ દર્શન કરવા જવાનું હોવાથી દુકાનો હિસાબ કરી રૂા. ૯૦,૦૦૦ રોકડા શાકભાજીવાળી દુકાનમાં આવેલ કબાટના ખાનામાં રાખી લોક કરી ચાવી તે લઇ ગયા હતા. બાદ પોતે તથા પિતા બંને દુકાને વેપાર કરી રાત્રે દુકાનનો દૈનિક હિસાબ કરી રોકડા રૂા. ૧૦,૩૦૦ કેરીનો વેપાર કબાટના ઉપરના ખાનામાં રાખી તે ખાનાની ચાવી કબાટના નીચેના ખાનામાં રાખી હતી તથા એક મોબાઇલ ફોન ચાર્જીગમાં રાખ્‍યો હતો. બાદ બંને શટર બંધ કરી કેરીવાળી દુકાનમાં આવેલ શટરમાં તાળુ મારી ચાવી પિતાને આપી પોતે ઘરે જતા રહ્યા હતા બાદ આજે સવારે પિતાએ દુકાન ખોલી હતી અને પોતે દુકાને આવ્‍યા ત્‍યારે કબાટનું ખાનુ ખોલીને જોતા તેમાં રૂા. ૧૦,૩૦૦ રોકડ જોવામાં આવેલ નહી જેથી પોતે પિતાને પુછતા તેણે આ પૈસા લીધા ન હોવાનું જણાવ્‍યું હતું. બાદ પોતે કાકાએ જે કબાટમાં પેૈસા રાખેલ તે કબાટ ચેક કરવા જતા તેનું તાળુ તેટલું હતું અને કબાટમાં રાખેલ રૂા.૯૦,૦૦૦ની રોકડ પણ ગાયબ હતી. આથી દુકાનમાં ચોરી થઇ હોવાની ખબર પડી હતી તસ્‍કરો મોબાઇલ ફોન પણ ઉઠાવી ગયા હતા. આ બનાવની પોલીસમાં જાણ કરતા પ્રનગર પોલીસે સ્‍થળપર પહોંચી તપાસ આદરી હતી. તપાસમાં દુકાન માલીકના પિતા શટરને તાળુ લગાવવાનું ભુલી ગયા હોવાનું જાણવા મળ્‍યું છે. આ અંગે એ.એસ.આઇ. સી.જે. ઝાલાએ કૃણાલભાઇ સગપરીયાની ફરીયાદ દાખલ કરી પી.એસ.આઇ. એ.એ. ખોખરે તપાસ આદરી છે.

(3:37 pm IST)