Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

૫૦ હજારની જાલીનોટ સાથે બે કોલેજીયન ઝડપાયા

યુનિવર્સિટી પોલીસને સફળતાં: ગાર્ડી કોલેજના વિદ્યાર્થી મુળ ચાંપોદર વંથલીના કિશન પાંચાણીને પ્રેમ મંદિર નજીકથી ૫૦ હજારની જાલીનોટ સાથે પકડયા બાદ તેને આ નોટો આપનારા આત્‍મીય કોલેજના છાત્ર વિસાવદરના અવેશ ભોરને રાઉન્‍ડઅપ કરાયો : આવેશ કુલ ૧ લાખની નોટો વિસાવદરના હર્ષ રેણુકા પાસેથી લાવ્‍યો'તોઃ હર્ષએ થોડા સમય પહેલા જ આપઘાત કરી લીધો છેઃ ૫૦ હજારની નકલી નોટો કિશનનો સુરત રહેતો ભાઇ સંજય પાંચાણી લઇ ગયોઃ છાત્રો મોજશોખ માટે નકલી નોટો કોઇને ધાબડે એ પહેલા પર્દાફાશ : કિશને ૧ લાખની નકલી ૫૦૦ના દરની નોટો અવેશને અસલી ૪૦ હજાર આપીને મેળવી હતી : પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમની કામગીરીઃ ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરા, ઇન્‍ચાર્જ જી. એમ. હડીયાનું માર્ગદર્શનઃ કોન્‍સ. ભૂપેન્‍દ્રસિંહ વાઘેલાની સફળ બાતમી : કિશન ગાર્ડી કોલેજમાં બી.ઇ. ડીગ્રીનો અભ્‍યાસ કરે છે, અવેશ આત્‍મીય કોલેજમાં બાયો ટેકનોલોજીનો સ્‍ટુડન્‍ટ

૫૦ હજારની જાલીનોટો સાથે ઝડપાયેલો ગાર્ડી કોલેજનો છાત્ર કિશન પાંચાણી, તેને આ નોટો આપનાર આત્‍મીય કોલેજનો છાત્ર અવેશ ભોર પણ પોલીસના હાથવેંતમાં છે

રાજકોટ તા. ૨૪: દેખાદેખીમાં કે પછી બીજા કારણોસર કોલેજીયન છાત્રો ખોટા રસ્‍તે ચડી જતાં હોવાનું અનેક વખત સામે આવી ચુક્‍યું છે. પોલીસે વધુ એક વખત કોલેજીયન છાત્રોને સાંકળતી ગુનાખોરી છત્તી કરી છે. જેમાં રાજકોટ રહી ગાર્ડી કોલેજમાં ભણતાં મુળ ચાંપોદર વંથલીના વિદ્યાર્થીને રૂા. ૫૦ હજારની ૫૦૦ના દરની જાલીનોટો સાથે ઝડપી લેવાયો છે. તેણે પોતાને આ નોટો મુળ વિસાવદરના અને હાલ રાજકોટ રહી આત્‍મીય કોલેજમાં અભ્‍યાસ કરતાં છાત્રએ આપી હોવાનું કબુલતાં પોલીસે તેને પણ રાઉન્‍ડઅપ કરી પુછતાછ શરૂ કરતાં તેણે કુલ ૧ લાખની જાલીનોટ વિસાવદરના યુવાન પાસેથી લઇને આપી હોવાનું અને તેમાંથી ૫૦ હજારની નકલી નોટો ગાર્ડી કોલેજના છાત્રનો સુરત રહેતો પિત્રાઇ ભાઇ લઇ ગયાનું ખુલ્‍યું હતું. બીજી તરફ નકલી નોટો આપનાર યુવાને થોડા દિવસો પહેલા જ આપઘાત કરી લીધાનું પણ સામે આવ્‍યું હતું.

શહેરની યુનિવર્સિટી પોલીસની ટીમને જાલીનોટનું આ કારસ્‍તાન ઝડપી લેવામાં સફળતા મળી છે. ઇન્‍ચાર્જ પીઆઇ જી. એમ. હડીયાનામાર્ગદશન હેઠળ પીએસઆઇ એ. બી. જાડેજા અને ડી. સ્‍ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. ભૂપેન્‍દ્રસિંહ વાઘેલાને બાતમી મળી હતી કે કિશન પાંચાણી નામનો શખ્‍સ પ્રેમ મંદિર નજીક જોહર કાર્ડ પાસે બટર ફલાય પ્‍લે હાઉસ પાસે ઉભો છે અને તેણે મરૂન ટીશર્ટ તથા જીન્‍સ પહેરેલા છે, આ શખ્‍સ પાસે જાલી નોટ છે. આ માહિતીને આધારે ટૂકડીએ ત્‍યાં પહોંચી તપાસ કરતાં વર્ણન મુજબનો શખ્‍સ મળી આવતાં તેને રાઉન્‍ડઅપ કરી લીધો હતો. તેની તલાસી લેતાં રૂા. ૫૦૦ના દરની ૧૦૦ નોટો તેની પાસેથી મળી આવી હતી.

આ શખ્‍સની પુછતાછ કરવામાં આવતાં પોતાનું નામ કિશન દિનેશભાઇ પાંચાણી (પટેલ) (ઉ.વ.૨૧-રહે. પ્રેમ મંદિર પાસે બટર ફલાય પ્‍લે હાઉસ નજીક, ભાડાના મકાનમાં, મુળ ચાંપોદર તા. વંથલી) જણાવ્‍યું હતું. પ્રારંભે તો કિશને નોટો અસલી હોવાનો કક્કો ઘૂંટયો હતો. પોલીસે એફએસએલ અધિકારીશ્રી યોગેશ ભટ્ટને બોલાવી નોટોની ખરાઇ કરાવતાં તે નકલી હોવાનું સ્‍પષ્‍ટ થઇ જતાં કિશન ગેંગેં ફેંફેં થઇ ગયો હતો. પોલીસે આ નકલી નોટો ક્‍યાંથી આવી? તે અંગે વિશીષ્‍ટ ઢબે પુછતાછ આરંભતા જ તે પોપટ બની ગયો હતો અને મુળ વિસાદરના તથા હાલ રાજકોટમાં રહી આત્‍મીય કોલેજમાં બાયોટેક્‍નોલોજીનો અભ્‍યાસ કરતાં અવેશ અનવરભાઇ ભોર પાસેથી આ નકલી નોટો લાવ્‍યાનું કહેતાં પોલીસની ટૂકડીએ અવેશને પણ રાઉન્‍ડઅપ કરી લીધો હતો.

અવેશની વિશેષ પુછતાછ થતાં તેણે ૫૦ હજારની નહિ પણ ૧ લાખની નકલી નોટો કિશનને આપી તેના બદલામાં અસલી ૪૦ હજાર તેની પાસેથી મેળવ્‍યાનું કબુલ્‍યું હતું. જો કે કિશન પાસેથી ૫૦ હજારની જ નકલી નોટો મળી હોઇ બાકીની ૫૦ હજારની નોટો ક્‍યાં ગઇ? તેની વધુ પુછતાછ થતાં કિશને કબુલ્‍યું હતું કે તેણે અર્ધાલાખની નકલી નોટો તેના સુરત રહેતાં પિત્રાઇ ભાઇ સંજય હરેશભાઇ પાંચાણીને આપી દીધી છે. પોલીસની એક ટૂકડી સુરત તરફ દોડી ગઇ છે.

નકલી નોટો અવેશ લાવ્‍યો હોઇ તેની વધુ પુછપરછ થતાં તેણે એવું રટણ કર્યુ હતું કે પોતે વિસાવદરના હર્ષ રેણુકા પાસેથી આ નકલી નોટો લાવ્‍યો હતો. પોલીસે તપાસ કરાવતાં હર્ષએ અગાઉ આપઘાત કરી લીધાનું ખુલ્‍યું હતું. અવેશની આ કબુલાત સાચી છે કે કેમ? તેની વિશેષ તપાસ થઇ રહી છે. કોલેજના છાત્રો મોજશોખ પાછળ નકલી ચલણી નોટો કોઇને ધાબડી દે એ પહેલા યુનિવર્સિટી પોલીસની ટીમે દબોચી લઇ કારસ્‍તાન ઉઘાડુ પાડી દેતાં ઉપરી અધિકારીઓએ આ કામગીરી બદલ વખાણ કર્યા હતાં.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં ઇન્‍ચાર્જ પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ અરવિંદસિંહ બી. જાડેજા, હેડકોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, યુવરાજસિંહ ઝાલા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ ખેર, કોન્‍સ. વનરાજસિંહ લાવડીયા, બલભદ્રસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા, ભૂપેન્‍દ્રસિંહ વાઘેલા અને બ્રિજરાજસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.

(3:50 pm IST)