Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પટોળા એકઝીબીશનમાં લાખોની નુકશાની જતા ચોરીનો પ્‍લાન ઘડનાર બે વ્‍યવસાયી અને બે ચીખલીકર ઝડપાયા

સર્વેશ્વર ચોકની વી.જે.પટોળામાંથી ૪૭ લાખના પટોળા ચોરીની વિગતો જાહેર કરતી ક્રાઇમ બ્રાન્‍ચઃ લીંબડીના ટેકસી માલીક પાસેથી સેલ્‍ફ ડ્રાઇવીંગમાં ઇકો ભાડે કરેલીઃ કુવાડવા નજીક નંબર પ્‍લેટ ઉપર સેલોટેપથી પુઠા લગાવી વહેલી સવારે પ વાગ્‍યે સર્વેશ્વર ચોકમાં પહોંચી શટર ઉંચકી પટોળા ભરેલા થેલા ચોરી ગયા હતાઃ સરધારમાં રહેતા સાહેબસિંઘ ચીખલીકરના સાળા પ્રધાનસિંઘના ઘરે માલ રાખ્‍યો હતો : કલોલના સતનામસિંઘની શોધ : પટોળા બનાવતો લીંબડીનો હરી ગોહીલ મુખ્‍ય ભેજાબાજ : ફરીયાદી વિપુલભાઇના ઘર પાસે વિરાણી હાઇસ્‍કુલ પાછળ રહેતા પટોળાના ધંધાર્થી મનિષ જીતીયાએ વી.જે.સન્‍સમાં માલ આવી ગયાની ટીપ આપતા જ રેકી કરી ચોરીને અંજામ આપ્‍યોઃ સીસીટીવી ફુટેજના આધારે ભેદ ઉકેલાયો

અડધા કરોડના પટોળા ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી ક્રાઇમ બ્રાન્‍ચે ચોર ટોળકીના પાંચ પૈકી ૪ ને ઝડપી લઇ ચોરાઉ મુદામાલ કબ્‍જે કર્યો હતો. આ બાબતની વિગતો આજે એસીપી વિશાલ વોરા, પીઆઇ વાય.બી.જાડેજા અને પીઆઇ જે.વી.ધોળાએ આપી હતી. તસ્‍વીરમાં નીચે ઝડપાયેલા સાડીચોર ડાબેથી પ્રથમ મનિષ જીતીયા, સાહેબસિંઘ ચીખલીકર, સુજાનસિંઘ ચિખલીકર અને મુખ્‍ય ભેજાબાજ હરી ગોહેલ છેલ્લે નજરે પડે છે. (ફોટોઃ  સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૪:  મંગળવારે તા.ર૧મીની વહેલી સવારે સવેશ્વર ચોકમાં આવેલી વી.જે.સન્‍સ નામની પટોળાની દુકાનના શટર ઉંચકાવી અંદર પડેલા ૪૬,૯૩,પ૦૦ ની કિંમતના પટોળા, દુપટ્ટા,  ચણીયા ચોલીના થેલાની ચોરી થયાની ઘટનાનો પર્દાફાશ ગણતરીના કલાકોમાં જ  ક્રાઇમ બ્રાન્‍ચે કરી નાખી  ચોરીનો પ્‍લાન ઘડનાર પટોળાના વ્‍યવસાયી હરી પાલજી ગોહીલ (ઉ.વ.૪ર) રહે. ખારાવાસની પાછળ, ગીતા પાર્ક, લીંબડી અને રાજકોટની સર્વોદય સોસાયટી, વિરાણી હાઇસ્‍કુલ પાછળરહેતા મનીષ વાલજીભાઇ જીતીયા (ઉ.વ.૩પ)  ને  ઝડપી લઇ ચોરીમાં સામેલ થયેલા સાહેબસિંઘ ઉર્ફે રાજુ રેવરસિંઘ ટાંક જાતે ચીખલીકર (ઉ.વ.૩૩, ધંધો ચશ્‍માની ફેરી, રહે. લખતર, ભૈરવપરા) અને સુજાનસિંઘ સંતોષસિંઘ ટાંક જાતે ચીખલીકર, (ઉ.વ.૩ર, ધંધો વાસણની ફેરી, રહે. મહેમદાબાદ, રેલ્‍વે સ્‍ટેશન સામે, જી.ખેડા) ને ઝડપી લઇ ચોરીનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. દોઢ માસ પુર્વે ઘડાયેલા ચોરીના પ્‍લાનમાં જોડાયેલા સતનામસિંઘ ઉર્ફે સત્‍યા જુણી (રહે. કલોલ) ની શોધખોળ ચાલુ છે. આજે આ બારામાં સાઇબર સેલના એસીપી વિશાલ રબારીએ પત્રકારોને માહિતી આપી હતી. શ્રી રબારીએ જણાવ્‍યું હતું કે, હરી ગોહીલ જુદા જુદા સ્‍થળોએ ભારતભરમાં  પટોળાના એકઝીબીશન કરતો હતો. જેમાં તેને આશરે ૪૦ લાખની નુકશાની  ગઇ હતી. આ વાત તેણે દોઢેક માસ પહેલા પોતાના વ્‍યવસાયમાં જોડાયેલા મનિષ જીતીયાને કરી હતી. મનિષ પણ મંદીમાં સપડાયેલો હતો. બંન્નેએ મળી મનિષ જીતીયાની બાજુમાં રહેતા વિપુલ જીવરાજભાઇ વાઢેર (રહે. રામકૃષ્‍ણનગર, વિરાણી સ્‍કુલ પાછળ) ની સવેૈશ્વર ચોકમાં આવેલી દુકાનમાંથી પટોળા ચોરવાનું નક્કી કર્યુ હતું. વિપુલભાઇ પણ પટોળા એકઝીબીશન સેલ કરે છે. સેલ ન હોય ત્‍યારે રાજકોટની દુકાનેથી રિટેઇલ વેચાણ કરે છે.

 વિપુલભાઇની દુકાનમાં ગણનાપાત્ર માલ પડેલો હોય ત્‍યારે જ હાથ મારવો તેવું હરી અને મનિષે નક્કી કર્યુ હતું. હરી વિપુલભાઇ વાઢેરનો કૌટુંબીક  ભાણેજ થતો હોવાથી તેમની આર્થીક સધ્‍ધરતા વિષે જાણતો હતો. ચોરીનો પ્રાથમીક પ્‍લાન બનાવ્‍યા બાદ લીંબડી પરત ગયેલા હરી ગોહેલે લખતરમાં ચશ્‍મા વેચવાનું કામ કરતા પોતાના મિત્ર સાહેબસિંઘ ઉર્ફે  રાજુ ટાંક (ચીખલીકર) ને ચોરીના પ્‍લાનની વાત કરી હતી. સાથે સાથે ચોરાઉ માલ વેચાય તેમાંથી પ૦ ટકા ભાગ આપવાની ઓફર કરી હતી. હરી ગોહેલની વાતથી લલચાયેલા સાહેબસિંઘે ત્‍યાર બાદ પોતાના જાણીતા સુજાનસિંઘ ચીખલીકર (રહે. મહેમદાબાદ) અને સતનામસિંઘ ઉર્ફે સત્‍યા જુણી (રહે. કલોલ)ને પોતાની સાથે ચોરીના પ્‍લાનમાં સામેલ કર્યા હતા. બધા એક-બીજાથી ટેલીફોનીક સંપર્કમાં હતા.

૧પ દિવસ પહેલા હરીભાઇએ જે જગ્‍યાએ ચોરી કરવાની હતી તે વી.જે.સન્‍સ દુકાન સાહેબસિંઘ , સુજાનસિંઘ, અને સત્‍યાને બતાવી હતી. છેલ્લે એવું નક્કી થયું હતું કે વિ.જે.સન્‍સમાં માલ આવી જાય એટલે મનિષ જીતીયા હરી ગોહેલને ફોન કરે ત્‍યારે હાથ મારવો.

આ મુજબ તા.૧૯મીના સાંજે ૭.૩૦ વાગ્‍યે મનિષે હરીને ફોન કરી માલ આવ્‍યાની જાણ કરી હતી અને જેમ બને તેમ વહેલા કામ પાર પાડી દયો તેમ જણાવ્‍યું હતું. આ બાબતે હરીએ સુજાનસિંઘ અને સત્‍યાને ફોનથી જાણ કરી હતી. તા.ર૦મીએ હરી ફરી રાજકોટ આવેલો અને મનિષને મળી ત્રિકોણબાગ નજીક ચર્ચા કરી લીંબડી પાછો પહોંચ્‍યો હતો અને તે દિવસે જ પોતાની બાજુમાં રહેતા ટેકસી માલીક વિનુભાઇ પંડયાની ઇકો કાર ૩ હજારના ભાડાથી સેલ્‍ફ ડ્રાઇવીંગથી ભાડે કરી હતી. ત્‍યાર બાદ તે લખતર ગયો હતો અને સાહેબસિંઘને બેસાડી સુરેન્‍દ્રનગર થઇ ચોટીલા તા.ર૧મીના રાત્રે બે વાગ્‍યે પહોંચ્‍યા હતા. સુજાનસિંઘ અને સત્‍યા પહેલેથી જ ચોટીલા હાજર હોય એક પાનવાળાની દુકાનેથી કાળા કલરની વાયરને લગાડવાની ટેપ ખરીદી ઇકો કારમાં બેસી રાજકોટના કુવાડવા પાસે પુલ ઉતરતા એક ગામમાં ઇકો કાર ઉભી રાખી આગળ-પાછળની નંબર પ્‍લેટ ઉપર ટેપથી પુંઠા અને કપડા વિંટી દીધા હતા અને ઇકોના કેરીયર ઉપર માલ ભરવા માટે સાડી વિંટી દીધી હતી. ત્‍યાર બાદ ગ્રીન લેન્‍ડ ચોકડી, માર્કેટ યાર્ડ પુલ નીચે થઇ સંત કબીર રોડ, રામનાથ પરા સ્‍મશાન, ભુપેન્‍દ્ર રોડ, આરએમસી ઓફીસ ચોકથી યાજ્ઞીક રોડ થઇ સર્વેશ્વર ચોકમાં હિરા પન્ના કોમ્‍પલેક્ષ પાછળ આવેલી વી.જે.સન્‍સ દુકાન પાસે પહોંચ્‍યા હતા. કારમાંથી સાહેબસિંઘ, સુજાનસિંઘ અને સતનામસિંઘ નીચે ઉતર્યા હતા અને ત્રણેયે બળ એકઠુ કરી હાથથી જ શટર ઉંચકાવી અંદર પ્રવેશી પટોળા ભરેલા થેલા ચોરી કરી લીધા હતા. ત્‍યાર બાદ વિરાણી ચોક, ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ, સોરઠીયાવાડી સર્કલ થઇ કુવાડવા અને ત્‍યાંથી સરધાર પહોંચ્‍યા હતા. જયાં સત્‍યાસિંઘ ઇકો કારમાંથી ઉતરી ગયો હતો અને સાહેબસિંઘે પોતાના સરધાર રહેતા સાળા પ્રધાનસિંઘના ઘરે માલ રાખવા બંન્ને ત્‍યાં જ ઉતરી ગયા હતા અને બાકીના ત્રણેય ત્‍યાંથી નિકળી ગયા હતા.

 ચોરીની ઉપરોકત ઘટના પ્રકાશમાં આવતા જ ક્રાઇમ બ્રાન્‍ચ સક્રિય થઇ ગઇ હતી અને સીસીટીવી ફુટેજના આધારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી નાખી બે વ્‍યવસાયી સહિત ચોર ટોળકીના ૪ને ઝડપી લીધા હતા.

સફળ કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટર વાય.બી.જાડેજા, પોલીસ ઇન્‍સ્‍પેકર જે.વી.ધોળા, સબ ઇન્‍સ્‍પેકટર એમ.જે.હુણ, સબ ઇન્‍સ્‍પેકટર એ.બી.વોરા, એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, બલભદ્રસિંહ જાડેજા, હેડ કોન્‍સ્‍ટેબલ મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, જયદેવસિંહ પરમાર, કિરતસિંહ ઝાલા, અશોકભાઇ કલાલ, દિપકભાઇ ચૌહાણ, પુષ્‍પરાજસિંહ, નગીનભાઇ ડાંગર, પ્રદીપસિંહ જાડેજા, ચેતનસિંહ ગોહીલ અને શૈલેષભાઇ કગથરાની ટીમે કરી હતી.

(3:18 pm IST)