Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

યુનિ. રોડ ઉપર ૧૦ રેસ્ટોરન્ટ ઉપર બૂલડોઝર ફેરવી દેતા મામલતદાર જાનકી પટેલ : ૧૦ કરોડની જમીન ખુલ્લી કરાઇ

હવે ત્યાં ફરી દબાણ કરશે તો લેન્ડગ્રેબીંગ હેઠળ સીધી ફોજદારી : ૭ હજાર ચો.મી. જમીન ઉપર દબાણ હતું

રાજકોટ તા. ૨૪ : રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન અને સુચના બાદ આજે પશ્ચિમ વિભાગના મામલતદારશ્રી જાનકી પટેલ પોતાની ટીમ સાથે ત્રાટકયા હતા અને સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરીને બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીસન કરીને ૭,૦૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન કે જેની કિંમત ૧૦ કરોડ થવા જાય છે તે દબાણ મુકત કરાવી હતી.

આજે યુનિવર્સિટી રોડ ઉપર સવાણી કિડની હોસ્પિટલ નજીક સર્વે નં ૩૧૮ના પ્લોટ નં ૮૬ અને ૮૭  ની સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા ખાણી-પીણીના ૧૦ જેટલા રેસ્ટોરન્ટોનું બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું અને અંદાજિત રૂ. દસ કરોડની કિંમતની ૭,૦૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.

આ તકે પશ્યિમ મામલતદાર શ્રી જાનકી પટેલે કહ્યું, ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આમછત્તા પણ જો કોઈ દબાણકર્તા ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ કરવાની કોશિષ કરશે તો તેમના વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એકટ-૨૦૨૦ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉપરોકત ૧૦ રેસ્ટોરન્ટમાં ગાંઠીયા-પુરી, મદ્રાસી આઇટમો, અન્ય કાઠીયાવાડી આઇટમોના ગેરકાયદેસર રેસ્ટોરન્ટ ઉભા થઇ ગયા હતા જે તોડી પડાયા હતા. દબાણ દૂર કરાયા બાદ જાનકી પટેલે કલેકટરને રિપોર્ટ કરી દીધો છે.

(3:17 pm IST)