Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

માતૃભૂમિનું ઋણ અદા કરતા વી.પી.વૈષ્‍ણવ : શાળામાં માતુશ્રીની સ્‍મૃતિમાં બે વર્ગખંડની ભેટ આપી

ઉકરડાની સરકારી શાળામાં અભ્‍યાસ કર્યા બાદ ઉદ્યોગમાં સફળતા મેળવનાર ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખનું પ્રેરણારૂપ કાર્ય

રાજકોટ તા. ૨૪ : વતનની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્‍યા બાદ શહેરમાં જઈને પોતાના વેપારમાં સફળતા મેળવ્‍યાના વર્ષો બાદ પણ પોતાના માદરે વતનને યાદ રાખીને માતૃભૂમિનું ઋણ ચૂકવવાના પ્રયાસો અનેક મહાનુભાવો-દાતાઓ દ્વારા થતા હોય છે. આવી જ પ્રેરણાદાયી ઘટના આજે પડધરી તાલુકાના ઉકરડા ગામમાં શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમમાં દરમ્‍યાન જોવા મળી.
અહીંની સરકારી શાળામાં ૬ કલાસ રૂમ હતા. પણ વિદ્યાર્થીઓની સખ્‍યાં વધતા  શાળામાં  બે વર્ગ ખંડની ભેટ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્‍ણવ દ્વારા તેમના માતુશ્રીની સ્‍મૃતિમાં અપાઈ હતી.
ઉકરડા પ્રાથમિક શાળાને બે નવા વર્ગ ખંડની ભેટ આપવા બદલ શાળાના આચાર્યે વી.પી. વૈષ્‍ણવનો આભાર માન્‍યો હતો. તેમજ શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા પણ તેઓના કાર્યને બિરદાવી સન્‍માન કરાયું હતું.
આ તકે વી.પી.વૈષ્‍ણવે કહ્યું હતું કે મારુ જન્‍મ સ્‍થળ અને પ્રાથમિક શિક્ષણ ઉકરડા ખાતે થયેલા છે. જન્‍મભૂમિનું ઋણ મારા શિર પર કાયમ રહેશે. મને ખુશી છે કે હું મારી આ શાળાને આજે બે આોરડાના રૂપમાં મને કેળવણી આપનારાઓનું ઋણ અદા કરી શક્‍યો છું. આ શાળા શિરમોર રહે વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે એવી હું શુભકામના પાઠવું છું.

 

(3:05 pm IST)