Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ગઇકાલે કોરોનાના ૧૭ કેસ નોંધાયા : લોકોમાં ફફડાટ

શહેરમાં કોરોનાએ ફરી ધીમે ધીમે માથુ ઉંચકયુ : હાલ ૫૪ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૬૩,૮૧૮એ પહોંચ્‍યોઃ ગઇકાલે ૧૦ દર્દીઓ સાજા થયા

રાજકોટ તા.૨૩: સમગ્ર વિશ્વમાં છેલ્લા અઢ્ઢી વર્ષથી હાહાકાર મચાવનાર કોરોના શહેરમાં ધીમે ધીમે ફરી માથુ ઉંચકતા ગઇકાલે ૧૭  કેસ નોંધાતા મનપાના આરોગ્‍ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. હાલ ૫૪ દર્દીઓ સારવાર હેઠળ છે. આજ બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૩,૮૧૮ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૨૬૫ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૨૧૯૮ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૧૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૭૭ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૪૨,૩૪૪ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૬ ટકા થયો છે. રિકવરી રેટ ૯૯.૧૩ ટકાએ પહોંચ્‍યો છે. ગઇકાલે ૧૦ દર્દીઓને રજા આપી હતી.

(3:35 pm IST)