Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

હેન્‍ડલ પર છરી રાખી ટુવ્‍હીલર હંકારી સીન કરી વિડીયો વાયરલ કર્યોઃ ઇમરાન ફુલાણીને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યો

હથીયારો સાથે નીકળી પડતાં લુખ્‍ખાઓ સામેની રાજકોટ પોલીસની ડ્રાઇવ આગળ વધે છે... : પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળા અને પીએસઆઇ એમ. જે. હુણની ટીમે કાયદાનું ભાન કરાવ્‍યું

રાજકોટ તા. ૨૪: સોશિયલ મિડીયાનો સારો ઉપયોગ થાય તો ઘણાને ઉપયોગી નીવડે છે. ખોટો ઉપયોગ નુકસાનદાયક બની શકે છે. શહેરના દૂધ સાગર રોડ પર રહેતાં એક શખ્‍સે હાથમાં છરી રાખી ટુવ્‍હીલરના હેન્‍ડલ પર રાખી વાહન ચલાવતો હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરી સીન જમાવ્‍યા હતાં. ક્રાઇમ બ્રાંચે આ શખ્‍સને શોધી કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

પ્રાપ્‍ત વિગત મુજબ સોશિયલ મિડીયા ઇંસ્‍ટાગ્રામ પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક શખ્‍સ પોતાના ટુવ્‍હીલર પર બેસી હેન્‍ડલના લીવર ઉપરના હાથમાં છરી રાખીને વાહન હંકારતો જોવા મળ્‍યો હતો. એ શખ્‍સનો ચહેરો દેખાતો નહોતો.  આવો વિડીયો વાયરલ થતાં ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કોન્‍સ. નગીનભાઇ ડાંગર અને પ્રદિપસિંહ જાડેજાને  મળેલી બાતમી પરથી ઇમરાન દિલાવરભાઇ ફુલાણી (ઉ.૨૨-રહે. માજોઠીનગર મેઇન રોડ)ને પકડી લઇ છરી કબ્‍જે લેવામાં આવી હતી.

પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. જે. હુણ, અમિતભાઇ અગ્રાવત, સંજયભાઇ રૂપાપરા સહિતે આ કામગીરી કરી હતી.

કિસ્‍મતનગરના હર્ષિત અને ભગવતીપરાના વિશાલને પણ છરી સાથે પકડી લેવાયા : ગાંધીગ્રામ અને બી-ડિવીઝન પોલીસે બંનેને દબોચ્‍યા

ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર કિસ્‍મતનગર-૧માં રહેતો હર્ષિત દિપકભાઇ બોડા (ઉ.૧૯) છરી સાથે રાખી રૈયા ચોકડી ઓવરબ્રીજના છેડા પાસેથી નીકળતાં ગાંધીગ્રામ પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્‍સ. ખોડુભા જાડેજા, સલિમભાઇ, કિશોરભાઇ ઘૂભલ, શબ્‍બીરભાઇ, શક્‍તિસિંહ, ગોપાલભાઇ પાટીલ અને બોળીયા તથા દિનેશભાઇએ પકડી લીધો હતો.

જ્‍યારે ભગવતીપરા મેઇન રોડ ઝમઝમ બેકરી પાસે શ્રમજીવી સોસાયટીમાં રહેતો વિશાલ જયેશભાઇ રાઠોડ (ઉ.૨૪) છરી નેફામાં રાખી ભગવતીપરા પુલ નીચે મોમાઇ ઇલેક્‍ટ્રીક પાસેથી નીકળતાં પીઆઇ વાળાની રાહબરીમાં સમિલભાઇ માડમ, કૃષ્‍ણદેવસિંહ જાડેજા, કેતનભાઇ નિકોલા સહિતે પકડી લીધો હતો.

(1:29 pm IST)